ભાજપના ગઢ સમી બેઠક કે જેમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઘાટલોડિયા બેઠક પર સૌથી વધુ સસ્પેશન હતું કે બેન ચૂંટણી લડશે કે લડાવશે અંતે તે નક્કી થયું. જેના પર અમદાવાદ કોર્પોરેશનના ઔડાના ચેરમેન ભુપેન્દ્ર પટેલને ટિકિટ. પીઢ ભાજપી નેતા અને પાટીદાર સમાજમાં પણ વર્ચસ્વ ધરાવતા નેતા ભુપેન્દ્રભાઇ આ વખત વિધાનસભા લડશે. અમદાવાદ કોર્પોરેશનના વગદાર નેતા અને પૂર્વ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે.ભાજપે મોડી રાત્રે ઘાટલોડિયામાંથી ભુપેન્દ્ર પટેલને ટિકિટ આપતા ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન ફરી ચૂંટણી લડશે તેવી દિવસભર ચાલેલી અટકળો ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું.
ઘાટલોડિયામાં આનંદીબેનના પુત્રી અનાર પટેલ ચૂંટણી લડશે તેવી સંભાવનાઓનો પણ આ સાથે અંત આવી ગયો છે. આ અગાઉ રવિવારે વલસાડમાં તેમને કરાયેલા સવાલના જવાબમાં આનંદીબેને ઈનકાર કરવાના બદલે કહ્યું હતું કે કોણ ક્યાંથી લડશે એ નિર્ણય પાર્ટી સંસદીય બોર્ડ લેશે. ગત મહિને આનંદીબેને પત્ર લખીને ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી હતી. બેને જણાવ્યું છે કે, કયો ઉમેદવાર કઈ બેઠક પરથી લડશે તે તો પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે. બેન નારાજ નથી એવું દર્શાવવા માટે ઉમેદવારી શક્ય : છેલ્લા થોડા સમયથી આનંદીબેન ટીકીટની ફાળવણીને લઈને નારાજ ચાલી રહ્યા હોય તેવી અટકળોએ જોર પકડ્યું છે. બેનના ખાસ ગણાતા ઘણા બધા ઉમેદવારોનું પત્તું આ વખતની ટીકીટ ફાળવણીમાં કપાયું છે તે સ્પષ્ટપણે દેખાય છે. આ સ્થિતિમાં બેન પોતે પણ જો ચુંટણી ન લડે તો પાર્ટીની અંદર અને બહાર કાર્યકરો અને જનતામાં ખોટો મેસેજ જાય તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને બેનની ઈચ્છા ન હોય તો પણ તેમને ચુંટણી લડાવવી જોઈએ તેમ ભાજપની થીંકટેન્ક માનતી હોવાનું સૂત્રોનું કહેવું છે. નારાજ હોવાનો આનંદીબેનનો ઈનકાર : જો કે વલસાડ ખાતે બેનએ આ અંગેના સવાલનો જવાબ આપતા પ્રતિપ્રશ્ન કર્યો હતો કે, કોણે મારી નારાજગી જોઈ છેω ભાજપના નેતાઓ અને કાર્યકરોની પ્રતિબદ્ધતા પાર્ટી પ્રત્યે હરહંમેશ રહેતી હોય છે. તેથી આવા પ્રકારના પાયાવિહીન સમાચારો ન્યુઝ ચેનલો અને અખબારો દ્વારા ચાલતા રહેતા હોય છે. અમે ભાજપના શિસ્તબદ્ધ કાર્યકરો છીએ. નારાજ હોવાનો પ્રશ્ન નથી.