ગુજરાતમાં યોજાનાર વિધાન સભાની ચૂંટણીના પગલે આચાર સંહિતા ચાલી રહી છે. ત્યારે વડોદરામાં ચૂંટણી પ્રચાર માટે આવેલા ભાજપા રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા દ્વારા સરકારી વાહનનો દૂર ઉપયોગ કરવા બદલ કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. જ્યારે ભાજપ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. સંબિત પાત્રાએ આજે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાન સભાની ચૂંટણી જાતિવાદ, વંશવાદ વિરૂધ્ધ વિકાસવાદનો ચૂંટણી જંગ છે. દેશનો વિકાસ દર 6.3 ટકા થયો છે. યુ.પી.માં સ્થાનિક સ્વરાજ્યની થયેલી ચૂંટણીમાં ભાજપાનો ભવ્ય વિજય થયો છે. ગુજરાતમાં પણ ભાજપા 150 થી વધુ સીટો સાથે ભવ્ય વિજય મેળવશે. ચૂંટણી પ્રવાસે વડોદરા ખાતે આવેલા ભાજપાના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ આજે પત્રકાર પરિષદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના અમેઠી મત વિસ્તારને સંભાળી શક્યા નથી. અમેઠીમાં કોઇ વિકાસ કર્યો નથી. અમેઠીમાં માત્ર વંશવાદ ચલાવ્યો છે. અને ગુજરાતના વિકાસ ઉપર પ્રહારો કરી રહ્યા છે.