ઝાલોદ વિધાન સભા બેઠક માટે ભાજપે ટીકીટ જાહેર કર્યા બાદથી જ ડખા શરૂ થઇ ગયા છે. પહેલાં પૂર્વ સાંસદ સહિત ભાજપના કાર્યકરોના રાજીનામા બાદ હવે ગત વિધાન સભામાં ભાજપના સિમ્બોલ ઉપર ચૂટણી લડનારા અને હાલ દાહોદ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા બી.ડી વાઘેલા સહિતના 30 કાર્યકરોએ રાજીનામા મુકતાં ફરી વખત ઝાલોદના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ઝાલોદ વિધાન સભા બેઠક ઉપર ભાજપે મહેશભાઇ ભુરિયાને ટીકીટ આપી છે.
આ ટીકીટ આપ્યા બાદ ઝાલોદ પંથકના ભાજપના જ ટોંચના ગણાતા એવા નેતા તેમજ કાર્યકરોમાં રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. ભાજપા દ્વારા લેવાયેલા આ નિર્ણયના વિરોધમાં પૂર્વ સાંસદ બાબુભાઇ કટારા સહિતના કાર્યકરોએ જિલ્લા ભાજપ પ્રમુખના નામે રાજીનામાનો પત્ર લખી નાખ્યો હતો. ભાજપ દ્વારા આ ડેમેજ કંટ્રોલ કરાય તે પહેલાં જ ગત ટમમાં ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટણી લડીને પરાજિત થયેલા અને હાલ દાહોદ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા બી.ડી વાઘેલા સહિતના કાર્યકરોએ શનિવારે ચાકલિયા ખાતે એક મીટીંગનું આયોજન કર્યું હતું. આ મીટીંગ બાદ બી.ડી વાઘેલા સહિત 30 હોદ્દેદાર અને કાર્યકરોએ પોતાના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામા આપી દીધાનો જિલ્લા ભાજપ પ્રમુખના નામનો પત્ર ફરતો કરતાં ખળભળાટ મચી ગયો હતો.