બનાસકાંઠામાં પૂર પીડિતો માટે ૫૦૦ કરોડ આપવાનો સરકારે વાયદો કર્યો હતો, પરંતુ હજુ સુધી પીડિતોને પૈસા મળ્યા નથી જે પૈસા મળ્યા છે તે ભાજપના લોકોને મળ્યા છે, તેમ ઉત્તર ગુજરાતની મુલાકાતે આવેલા કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પાલનપુરમાં જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું. દાંતામાં પણ રાહુલ ગાંધીએ નૉટબંધી, જીએસટી મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે લોકોને ફરી ૧૫ લાખ રૂપિયા ખાતામાં જમા થયા વાળી વાતનો પ્રશ્ર્ન પૂછ્યો હતો અને મોદી સરકારમાં ગુજરાતની જનતા સાથે દગો થયો છે તેવી વાત ઉચ્ચારી હતી. તેમણે ગુજરાતમાં પરિવર્તનની જરૂર હોવાની વાત પણ પોતાના સંવાદમાં કરી હતી.
પાલનપુરમાં વિશાળ જનમેદનીને સંબોધતા રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાના દિલમાં દુ:ખ છે બધા જિલ્લામાં ગયો છું, એવા પ્રદેશમાં ગયો છું જ્યાં સમાજના બધા લોકો આંદોલન કરે છે. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીએ આદિવાસીઓ માટે આંદોલન કરવું જોઈએ છે. મનરેગાને ચલાવવા માટે કૉંગ્રેસેની યુપીએ સરકારે આખા દેશમાં ૩૫ હજાર કરોડ લગાવ્યા હતા, દેશના કરોડો લોકોને રોજગારી મળી હતી અને ખુશીઓ આવી હતી. મનરેગા ચાલુ કરવા માટે જેટલા રૂપિયા લગાવ્યા એટલા પૈસા બીજેપીએ નેનો બનાવવા આપ્યા હતા. નરેન્દ્ર મોદીએ પોતે નેનો માટે ૩૩ હજાર કરોડ આપ્યા હતા. તમારી જમીન લીધી, પાણી લીધી, વીજળી લીધી હતી. ગુજરાતના રસ્તા પર તમે ચાલો છો, શું રસ્તા પર ટાટા નેનો કાર જોઈ છે મેં હજારો કિલોમીટરનો પ્રવાસ કર્યો છે, હજારો લોકોની સાથે વાત કરી છે ટાટા નેનોને પૂછ્યા વગર ૩૩ કરોડ આપી શકો છો અને પૂરગ્રસ્તોને ૫૦૦ કરોડ પણ અપાતા નથી. તમારા બાળકોને એન્જિનિયરિંગ કોલેજમાં જવું હોય કે ડૉક્ટર બનવું હોય તો ૫-૧૦ લાખ આપવા પડે છે, ગરીબ આદિવાસી, મિડલ ક્લાસના લોકો હોય લાખો રૂપિયા ન આપી શકે. ગુજરાતમાં તેમના બાળકો એન્જિનિયર કે ડૉક્ટર બની શકતા નથી. તમારે સ્વાસ્થ્ય, શિક્ષણ માટે રૂપિયા ચૂકવવા પડે છે. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ નર્મદાની વાત કરે છે, પરંતુ હું ખેડૂતોને પૂછું છું નર્મદાનું પાણી ગરીબ ખેડૂતને મળ્યું, ગુજરાતની આ હકીકત છે. પાંચ-દસ લોકોને ફાયદો અને જનતાને ન શિક્ષણ મળે, ન સ્વાસ્થ્ય સેવા મળે કે ન રોજગાર મળે આવી સ્થિતિ ગુજરાતમાં છે. કેન્દ્ર સરકારે નૉટબંધી અને જીએસટી લાગુ કરીને રોજગાર છીનવ્યા છે, જયારે નરેન્દ્ર મોદીએ હજુ સ્વીકારતા નથી કે નૉટબંધી ભૂલ હતી.