મુખ્યપ્રધાન વિજય રૂપાણી રવિવારે રાજકોટની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશન અને તબીબોના સ્નેહમિલનમાં હાજરી આપી હતી. રાજકોટના તબીબોના તમામ એસોસિએશનના ડોક્ટરોને સંબોધતા કહ્યું હતું કે, કોંગ્રેસ ત્રણ જણા (હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર)ના સહારે વિધાનસભાની ચૂંટણી જીતવા નીકળી છે. ભાજપનો વિકાસ ગાંડો નથી થયો પરંતુ અમને ગૌરવ છે કે 45 વર્ષમાં ગુજરાતમાં કોંગ્રેસે જે નથી કર્યું તે ભાજપે કરી બતાવ્યું છે.
નર્મદાનું પાણી છેવાડાના ગામડાં સુધી પહોંચાડ્યું છે, ડબલ પટ્ટી રોડ ફોર ટ્રેક કર્યા છે અને ફોરટ્રેક રોડ સિક્સ ટ્રેક કર્યા છે. રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું ભૂમિપૂજન થયું છે. રાજકોટને થોડા સમયમાં નવું એરપોર્ટ પણ મળી જશે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, ભાજપમાંથી મુખ્યમંત્રી કોણ બનશે તે મહત્વનું નથી, પરંતુ ચૂંટણી કેવી રીતે જીતી શકાય તે માટે સૌ ખભેખભા મીલાવીને કામ કરી રહ્યા છે. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીને તેઓએ કોંગ્રેસ તરફી બતાવીને એમ કહ્યું હતું કે, યુવાનોએ સમાજના નામે આંદોલન શરૂ કર્યા ત્યારથી અમને ખબર હતી કે ત્રણેય કોંગ્રેસ માટે કામ કરી રહ્યા છે.