રાજકોટ શહેરમાં 150 ફૂટ રીંગ રોડ પર નાનામવા સર્કલ પાસે હાર્દિક પટેલની સભાનું આજે આયોજન કરાયું છે, જો કે આ મુદ્દે વિવાદના એંધાણ પણ જોવા મળી રહ્યા છે. સભાને લઇને પોસ્ટર પર તેના ફોટા પર કાળી શાહી ફેંકવામાં આવી હતી તેમજ તેના વિરૂધ્ધમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘણી જગ્યા પર પોસ્ટર પણ ફાડવામાં આવ્યા છે. પોસ્ટરમાં હાર્દિક વિરૂધ્ધ લખવામાં આવ્યું છે કે, સમજાય ગયું સત્ય દૂર થયો મુખવટો, કોંગ્રેસ અને હાર્દિકને હવે આપો દેશવટો. સમાજનો આગેવાન થઇ કરતો મોટી વાતો ખોટા છે તારા બધા ખેલ ખાટી છે વાતો સહિતના લખાણો લખવામાં આવ્યા છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં હાર્દિકની સભાના બેનરો લગાવવામાં આવ્યા છે. પાટીદાર યુવાનો ઘરે ઘરે જઇ આમંત્રણ આપે છે કે સભામાં અચૂક હાજરી આપવી. જો કે, પાટીદાર સમાજના નામે આજે હાર્દિક વિરૂધ્ધ બેનર લાગતા ફરી વાતાવરણ ગરમાયું છે. પાસ પ્રવક્તા બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે, અમને સત્તાધિશઓ મંજૂરી આપે કે ન આપે સભા તો કરીશું જ. આજે સાંજે નાનામવા સર્કલે આ સભા થવાની છે ત્યારે સીએમ રૂપાણીનો આ વિસ્તાર આવે છે. મંજૂરી વગર સભા થશે તો ઘર્ષણ થવાનું ચર્ચાઇ રહ્યું છે.