ગુજરાતમાં પાટીદારોને OBC ક્વોટામા અનામત આપવાના મુદ્દે કોંગ્રેસ અને પાટીદાર અનામત આંદોલન સમિતિ વચ્ચે બુધવારે મોડી રાત સુધી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસને દિગ્ગજ નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ કપિલ સિબ્બલે પાટીદારોને અનામત આપવા અંગે 2-3 વિકલ્પ આપ્યા હતા. જ્યારે પાસે આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન આપવા પહેલા અનામત મુદ્દે સમાજના આગેવાનો સાથે ચર્ચા કરવા સમય માગ્યો હતો.પાસના કો-કન્વિનર દિનેશ બાંભણીયાએ કરતા કહ્યું કે, ‘શિક્ષણ અને સરકારી નોકરીમાં પાટીદારોને કઈ રીતે અનામત આપવામાં આવશે તે અંગે કોંગ્રેસે અમને 2-3 વિકલ્પો આપ્યા છે.
જોકે હાલ તે વિકલ્પો ગુપ્ત છે માટે અમે જાહેર નહીં કરીએ.’ તેણે વધુમાં કહ્યું કે, ‘કોંગ્રેસે અમારી માગણી પૂરી કરવા માટે રાજકીય ઇચ્છાશક્તિ દાખવી છે. તેમણે આપેલા વિકલ્પો પર અમે અમારા આગેવાન હાર્દિક સાથે ચર્ચા કરીશું અને ત્યાર બાદ અમારા સમાજના નિષ્ણાંત કાયદાવિદો સાથે ચર્ચા કરીશું. બાંભણિયાએ વધુમાં કહ્યું કે, ‘કોંગ્રેસે આપેલા વિકલ્પોમાં હાલના અનામતના 49%ને ક્યાંય સ્પર્શ કરવાની વાત નથી. તે જેમના તેમ રહેશે. પાટીદારોને તેનાથી ઉપર અલગથી અનામત મળશે. જે રીતે તામિલનાડુ, કર્ણાટક અને રાજસ્થાનમાં આપવામાં આવ્યું છે. જ્યારે સિબ્બલે જણાવ્યું હતું કે, ‘આ બેઠક એકબીજાના દ્રષ્ટિકોણને સમજવા માટે યોજાઈ હતી. અનામતના ઓપ્શન અંગે પછીથી ચર્ચા કરવામાં આવશે. બેઠકથી એટલું તો સામે આવ્યું છે કે અમે સાથે મળીને પાટીદારો માટે કંઇક સારી વસ્તુ લાવી શકીએ છીએ.