ગુજરાતની ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનારા 3550 VVPAT (વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ) મશીનોને ખરાબ હોવાનું ચૂંટણી પંચની તપાસમાં બહાર આવ્યું છે. સૌથી વધુ ખરાબ VVPAT મશીનો જામનગર, દેવભૂમિ દ્વારકા અને પાટણ જિલ્લામાં મળી આવ્યા છે. ઈન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝ પેપરના અહેવાલ મુજબ, સત્તાવાર સુત્રોએ જણાવ્યું કે, ગુજરાતમાં કુલ 70,182 VVPT મશીનોનો ઉપયોગ કરવામાં આવનાર છે.
ગુજરાતના ચીફ ઈલેક્ટોરલ ઓફિસર (સીઈઓ) બીબી સ્વાઈને જણાવ્યું કે, ખરાબ મશીનોને તેની કંપનીમાં પાછા મોકલાશે. જે મશીનોમાં સામાન્ય ટેકનિકલ ખામી છે, તેને દૂર કરી શકાય તેમ છે. એક વરિષ્ઠ ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ ખરાબ જણાયેલા મશીનોમાં સેન્સર કામ ન કરવા, પ્લાસ્ટિકના સ્પેર-પાર્ટસ તૂટેલા હોવા અને મતદાન પેટી (ઈવીએમ) સાથે જોડવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓ જોવા મળી. ચૂંટણી પંચે મતદાન દરમિયાન VVPAT મશીનો ખરાબ થઈ જાય તો તેને બદલવા 4150 વધારાના મશીનો મંગાવ્યા છે. ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠકો છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. પહેલા તબક્કાનું મતદાન 9 ડિસેમ્બરે થશે, જેમાં કુલ 89 બેઠકો મતદાન થશે. બીજા તબક્કામાં 14 ડિસેમ્બરે મતદાન થશે, જેમાં બાકીની 93 બેઠકો પર મતદાન થશે. ચૂંટણીના પરિણામ 18 ડિસેમ્બરે આવશે.