વિધાનસભાની ચુંટણીમાં માયાવતીનો પક્ષ બહુજન સમાજવાદી પક્ષ દરેક બેઠક પર એકલા હાથે ચુંટણી લડે તેવી શક્યતા છે. બસપાના મહાસચિવ સતીશચંદ્ર મિશ્રાએ ગુજરાત ચુંટણીની તૈયારીઓ અંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં ચુંટણી પ્રચારની શરૂઆત થઈ ચુકી છે. જેમાં ભાજપ સરકારની દલિત વિરોધી નીતિ અમારો મુખ્ય મુદ્દો રહેશે. ઉના દલિત કાંડને આજે એક વર્ષથી પણ વધારે સમય વીતી ચુક્યો છે.
પરંતુ પ્રભાવિત દલિતોને કોઈ યોગ્ય લાભ હજુ સુધી મળ્યા નથી. સમાન વિચારધારા વાળા પક્ષ સાથે વાતચીત કરી છે કે નહીં તે મુદ્દે તેમણે જણાવ્યું કે બસપા એકલા હાથે ચુંટણી લડશે. અમે ના તો કોઈ પક્ષ સાથે વાતચીત કરી છે કે ના તો કોઈ પક્ષ તરફથી પ્રસ્તાવ આવ્યો છે. પાર્ટીના સુત્રોના જણાવ્યા અનુસાર ચુંટણી પ્રચાર દરમિયાન માયાવતી પણ ગુજરાતમાં લોકોને સંબોધિત કરશે. બસપાના ઉમેદવાર પસંદગીના મુદ્દે હાલ પ્રકિયા ચાલુ હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમજ સમયસર ઉમેદવારો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે. તો બીજી તરફ સમાજવાદી પાર્ટી પણ ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવી રહી છે. ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની ૫ બેઠકો પર લડશે અને કોંગ્રેસ સાથે ગઠબંધન માટે કોંગ્રેસના જવાબની રાહ છે. સમાજવાદી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ સુરેન્દ્ર યાદવના કહેવા મુજબ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે પારડી (અમદાવાદ) બેઠક પર મહેન્દ્ર યાદવ, કચ્છના માંડવીમા શૈલેષ ભવાનીશંકર જોષી, રાજકોટની ધોરાજી બેઠક પર જેલભાઈ ફોગલભાઈ ડેર, જામનગરના જામજોધપુર બેઠક પર મોહનભાઈ હીરજીભાઈ રાબડીયા અને સોમનાથથી જગમાલ જાદવ ચૂંટણી લડશે. તેમના જણાવ્યા મુજબ સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવની મંજુરી મળી જતા ઉપરોકત પાંચેય ઉમેદવારોના નામો જાહેર કરાયા છે. પાર્ટી દ્વારા કોંગ્રેસને ગઠબંધન માટેનું કહેલ મોકલ્યુ છે પરંતુ હજુ પ્રત્યુત્તર મળ્યો નથી. ઉપરોકત પાંચ બેઠકો પર હાલ ઉમેદવારો જાહેર કરાયા છે, બાકી બેઠક પર ભાજપને હરાવવા કોંગ્રેસને મદદ થશે. સપાના પ્રચાર માટે અખિલેશ યાદવ, સાંસદ જયા બચ્ચન, આઝમખાન વિગેરે પણ આવશે.