ગુજરાતમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે કપરાં ચઢાણ સાબિત થાય તેમ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતમાં એવું નિેવેદન કર્યું હતું કે ભાજપ આ વખતે 150 સીટો જીતીને રેકોર્ડ સર્જશે. ત્યારે ભાજપ માટે આ ચૂંટણીમાં 150 સીટો મેળવવી કપરી બની છે. કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલાના વિવાદોને જોતાં એમ લાગે છે કે બાપુ હવે ભાજપમાં જોડાશે. પરંતું સુત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે તેઓ પોતાના પુત્રને ભાજપમાંથી પદ પ્રતિષ્ઠિત કરવા માંગે છે.
બીજી બાજુ જોઈએ તો ગુજરાતમાં પાટીદાર અને દલિતોના આંદોલનો પણ ભાજપને આ વખતે નડે એમ છે. કારણ કે હજી સુધી ઉના કાંડનો કોઈ નક્કર નિકાલ ભાજપની સરકાર લાવી શકી નથી. પાટીદારો અનામતના આંદોલનને લઈને લડતા હતા તેમાં મહેસાણાના કેતન પટેલ નામના યુવકના કાસ્ટોડિયલ ડેથને લઈને એક નવો વિવાદ પણ અંદરખાને સળગી રહ્યો છે. આ વખતે ભાજપને ભલે શહેરોમાંથી સારા પ્રમાણમાં મત મળે પણ ગામડાં ભાજપના હાથમાંથી છટકી રહ્યાં છે. એવી ઘણી નગરપાલિકાઓ છે જે હાલમાં કોંગ્રેસના હાથમાં આવી છે. ભાજપનો ગઢ ગણાતા મહેસાણાની જ નગરપાલિકા કોંગ્રેસના હાથમાં છે. તો બીજી બાજુ આંદોલનોનો જુવાળ પણ મહેસાણામાંથી જ ઉભો થયો છે. ભાજપ માટે ખેડૂતોના પ્રશ્નો મોટી વિકટ પરિસ્થિતી સર્જી શકે છે. કારણ કે અન્ય રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ કરાયા છે ત્યારે ગુજરાતમાં દેવા માફીને લઈને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર સરકારની સામે પડ્યાં છે. ગુજરાત સરકારે ખેડૂતોના દેવા માફી માટે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. બીજી બાજુ સહકારી ક્ષેત્ર પણ સરકારની વિરૂદ્ધમાં થતું જોવા મળે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા વિઠ્ઠલ રાદડિયાને ગુજકોમાસોલ જેવી સંસ્થાના ચેરમેન પદે બેસવું હતું પણ તેમના સ્થાને પૂર્વ મંત્રી દિલિપ સાંઘાણીને બેસાડતાં મામલો ગંભીર બન્ચો છે. એટલે કે જૂથવાદ માત્ર કોંગ્રેસમાં જ નહીં પણ ભાજપમાં પણ સળગી રહ્યો હોવાથી આ વખતે ભાજપને માત્ર 100 જેટલી સીટો મળી શકે છે, સરકાર બન્યા પછીય ભાજપને સરકાર બનાવ્યાનો અહેસાસ નહીં થાય તેવી પરિસ્થિતી હાલમાં ઉભી થઈ રહી છે.