ભાજપના કાર્યકરોમાં થઈ રહેલી ચર્ચાઓ મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણી જ ખુદ પોતાની રાજકોટ બેઠક છોડી વઢવાણની સલામત ગણાતી બેઠક ઉપર ચૂંટણી લડવા માગે છે, આ બેઠક ઉપર ભાજપના સિનિયર નેતા આઈ કે જાડેજા પણ લડવા માગે છે તેઓ પણ પોતાની મુળ બેઠક ધ્રાંગધ્રા છોડી વઢવાણની ટીકીટ માંગી રહ્યા છે. આ બેઠક માત્ર ભાજપી નેતાઓ માટે ફેવરીટ છે તેવું નથી આ બેઠક ઉપર કોંગ્રેસના પ્રવકતા મનિષ દોશી પણ પોતાનું નસીબ અજમાવવા માગે છે.
હાલમાં વિજય રૂપાણી જે બેઠક ઉપરથી ચૂંટાયા હતા તે બેઠક ભાજપ માટે સલામત ગણાય છે પણ કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજયગુરૂ આક્રમક બની પ્રચાર કરી રહ્યા છે. ઈન્દ્રનીલ પોતાની બેઠક છોડી રૂપાણી સામે પડકાર બનવા આવ્યા છે. છેલ્લાં ઘણા મહિનાઓથી તેમણે રૂપાણી સામે શરૂ કરેલા પ્રચારને કારણે ભાજપનાં ગઢમાં પણ આશંકાના વાદળો ઘેરાયા છે. આ બેઠક ઉપર કડવા પાટીદારની સંખ્યા વધારે છે અને બીજા ક્રમે કારડિયા રાજપુતો આવે છે. જે વર્ષોથી ભાજપની વોટ બેન્ક છે, આમ છતાં આ વર્ષે ગણિતો બદલાય તેવા ડરમાં રૂપાણી રાજકોટ છોડી વઢવાણાની બેઠક માંગી રહ્યા છે. જો કે ખુદ મુખ્યમંત્રી જ બેઠક બદલે તો સીગ્નલ ખોટા જવાનો પણ ડર છે, વઢવાણ પણ સવર્ણ મતદારોની બેઠક છે, જે ભાજપ સારી રીતે જીતી જાય છે અને આ બેઠક ઉપર જૈનોની સંખ્યા નોંધપાત્ર છે. આ બેઠક ઉપર રૂપાણી અને જાડેજાલ બે દાવેદાર છે પણ જૈનની સંખ્યા હોવાને કારણે કોંગ્રેસના પ્રવકતા મનિષ દોશી જીતી જાય તેવા દાવા સાથે કોંગ્રેસમાંથી ટીકીટ માગી રહ્યા છે.