ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજો મોરચો ક્યારે સફળ બન્યો નથી પણ અપક્ષ ઉમેદવારો અને ત્રીજો મોરચો ભાજપ કૉંગ્રેસ માટે હારજીતનું કારણ બન્યા છે. આ વખતની ચૂંટણીમાં પણ જ્ઞાતિઓમાં થોડો ઘણો પ્રભાવ ધરાવતા અપક્ષ ઉમેદવારોને ઊભા રાખવાના ભાવ બોલાય રહ્યા છે. આ વખતની ચૂંટણીમાં જ્ઞાતિવાદ હાવી છે ત્યારે આવા અપક્ષ ઉમેદવારોની બોલબાલા રહેશે અને પાર્ટીઓ મોટી સંખ્યામાં આવા સમીકરણો સર્જી શકે અને પરિણામ પર અસર કરી શકે તેમને વીણી વીણીને ચૂંટણી મેદાનમાં ઉતારશે.
રાજકીય પક્ષો દ્વારા જે તે વિધાનસભામાં આવા ઉમેદવારો શોધવાની કવાયત પણ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી સમયે આવા અનેક કાવાદાવા, વ્યૂહ અને રણનીતિના કારણે ચૂંટણીનો માહોલ જીવંત પણ લાગતો હોય છે. એ જાણીને નવાઈ લાગશે કે ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં ૧૨૮૮ ઉમેદવાર એવા હતા જેમને એટલા ઓછા મત મળ્યા હતા કે તેમની ડિપોઝિટ જપ્ત થઈ જવા પામી હતી. કુલ ૨૯૭૦ ઉમેદવારોએ ગત ચૂંટણીમાં ઉમેદવારીના ફોર્મ ભર્યા હતા. જેમાં ૨૭૭૯ પુરુષ અને ૧૯૧ મહિલા ઉમેદવાર હતા. તેમાંથી ૬૫૮ ઉમેદવારોના ફોર્મ અયોગ્ય માહિતી કે અન્ય ભૂલના કારણે ચૂંટણી પંચ દ્વારા પ્રથમ તબક્કે જ રિજેક્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૫૯૧ પુરુષ અને ૬૭ મહિલા ઉમેદવાર હતા. જ્યારે ૬૧૯ પુરુષ અને ૨૭ મહિલા ઉમેદવારોએ છેલ્લી ઘડીએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા. તેના કારણે ચૂંટણી મેદાનમાં ૧૫૬૯ પુરુષ ઉમેદવાર અને ૯૭ મહિલા ઉમેદવાર સાથે કુલ ૧૬૬૬ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. અમદાવાદમાં સૌથી વધુ ૧૬૬ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી. જ્યારે ડાંગમાં સૌથી ઓછા પાંચ ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થવા પામી હતી. ડિપોઝિટ જપ્ત થઈ જનારો એક વર્ગ એવો હોય છે જે રાજકીય પક્ષના ઇશારે ઉમેદવારી નોંધાવે છે. જે તે વિધાનસભા વિસ્તારમાં હરીફ ઉમેદવારના મત તોડવા માટે પક્ષ આ પદ્ધતિ અપનાવે છે. જેમાં દાખલા તરીકે શંકરસિંહ રાજપૂત ઉમેદવારી કરતા હોય તો તે નામના તે વિસ્તારમાં રહેતા વ્યક્તિને તૈયાર કરીને ઉમેદવારી કરાવવામાં આવે છે.