Publish Date: Thu, 07 May 2026 (11:34 IST)
Updated Date: Thu, 07 May 2026 (11:41 IST)
વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં આવેલી સિદ્ધેશ્વરી હાર્મોની સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહેતા હાર્દિક નાગર નામના યુવકે તેના પિતા જયંતીલાલ નાગર (ઉંમર 55 વર્ષ) પાસે પૈસા અને ગાડીની માંગણી કરી હતી. વ્યવસાયે પુજારી એવા જયંતીલાલ નાગરે પુત્રની આ માંગણી સ્વીકારવાનો ઇનકાર કરતા હાર્દિક ઉશ્કેરાઈ ગયો હતો અને પિતા પર ચાકુ વડે જીવલેણ હુમલો કર્યો હતો.
ગંભીર હાલતમાં પિતાને એસ.એસ.જી હોસ્પિટલ ખસેડાયા
પુત્ર દ્વારા કરવામાં આવેલા આ આચનક હુમલાથી જયંતીલાલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલાની જાણ થતા જ આજુબાજુના રહીશો અને પરિવારના સભ્યો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં પિતાને સારવાર માટે તાત્કાલિક વડોદરાની એસ.એસ.જી (SSG) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નજીવી બાબતે પુત્રએ પિતા પર કરેલા આ હુમલાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
બાપોદ પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો
આ સમગ્ર હિંસક ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા બાપોદ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે હુમલાખોર પુત્ર હાર્દિક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે કે આ પાછળ અન્ય કોઈ કારણો જવાબદાર છે કે કેમ.
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે....
વધુ વાંચો