અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રવિવારની રજા હોવાથી પતિ તૈયાર થઈને બહાર જઈ રહ્યો હતો ત્યારે પત્નીએ રજા હોવા છતાં ક્યાં જાવ છો તેમ પૂછતા ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢોર માર માર્યો હતો. આ મામલે પત્નીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયા વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદ અનુસાર, ગોમતીપુર વિસ્તારમાં રહેતા એક યુવતીના લગ્ન ગત ફેબ્રુઆરીમાં તેના સમાજના યુવક સાથે થયા હતા. શરૂઆતમાં યુવતી સાસુસસરા જેઠ-જેઠાણી સાથે અમરાઈવાડી વિસ્તારમાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી ત્યારે સાસરિયાઓએ તેને છ મહિના સુધી સારી રીતે રાખી હતી ત્યાર બાદ નાની નાની બાબતોમાં મેણાંટોણાં મારીને માનસિક ત્રાસ આપતા હતા. પત્ની પતિને વાત કરે તો તે પોતાના માતાપિતા અને ભાઈનુ ઉપરાણું લઈને પત્નીને મારઝૂડ કરતો હતો.આ દરમિયાન છેલ્લા બે મહિનાથી પતિ-પત્ની અલગ રહેતા હતા તેમ છતાં તેના સાસરિયા પતિને ચઢામણી કરતા હોવાથી પતિ પત્નીને મારઝૂડ કરીને ત્રાસ આપતો હતો. શુક્રવારે પતિ નોકરીએથી મોડો આવતા પત્નીએ પૂછ્યું ત્યારે પતિ ઉશ્કેરાયો હતો અને પત્નીને માર માર્યો હતો, પરંતુ પત્ની સંસાર બગડે નહીં તે માટે ચૂપ રહી હતી.ગત રવિવારે સવારના સમયે પતિ નાહીને તૈયાર થતો હતો ત્યારે પત્નીએ કહ્યું હતું કે, નોકરીમાં રજા છે તો ક્યાં જાવ છો, આ સાંભળતા જ પતિએ ગુસ્સે થઈને પત્નીને ગાળો બોલી માથામાં ફેંટો મારી છાતીના ભાગે લાતો મારી ક્યાંક નાસી ગયો હતો. આ બાબતે પત્નીએ તેના પિયરમાં ફોન કરી શરીરે દુખાવો થતો હોવાનું કહેતા તેને હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાંથી પત્નીએ પતિ અને સાસરિયા વિરુદ્ધ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.