પોલીસે આરોપીને પકડવા ચાર ટીમો બનાવી અને ગણતરીના કલાલોમાં જ દબોચી લીધો
Ahmedabad Crime News શહેરમાં તાજેતરમાં જ એક વિદ્યાર્થીનીનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં વિદ્યાર્થીનીએ સ્કૂલે જતાં છેડતી કરનાર શખ્સને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. રસ્તા વચ્ચે જ તેણીએ શખ્સને પટ્ટાથી માર માર્યો હતો. ત્યારે દુષ્કર્મ અને છેડતીની વધી રહેલી ફરિયાદો વચ્ચે શહેરમાં ફરીવાર એક સ્કૂલની વિદ્યાર્થીની પિંખાઈ ગઈ છે. શહેરના બોડકદેવ વિસ્તારમાં તેરે સાથ રિશ્તા રખના હૈ કહીને વિદ્યાર્થીનીનો આરોપીએ પીછો કર્યો હતો અને બાદમાં તેની પર દુષ્કર્મ ગુજારી ધમકી આપી હતી.
આરોપીએ વિદ્યાર્થીનીને મારી નાંખવાની ધમકી આપી
પ્રાપ્ત વિગતો પ્રમાણે બોડકદેવ વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થીનીને સ્કૂલે જતાં અને આવતાં સમયે રામદીન દિવાકર નામનો આરોપી હેરાન કરતો હતો. આરોપી વિદ્યાર્થીનીને કહેતો હતો કે, મુજે તેરે સાથે રિશ્તા રખના હૈ. આમ કહીને તે વિદ્યાર્થીનીને વારંવાર હેરાન કરતો હતો. એક વખતે આરોપીએ મોડી રાત્રે મકાનના ધાબે જઈને વિદ્યાર્થીનીનું મોઢું દબાવી અને હાથ પકડીને ધાબાના ખૂણાના ભાગે લઈ ગયો હતો. તેણે ત્યાં વિદ્યાર્થીનીની છાત પર હાથ ફેરવીને અડપલાં કર્યા હતાં. ત્યાર બાદ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આરોપીએ દુષ્કર્મ આચરીને વિદ્યાર્થીનીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
પોલીસે આરોપીને પકડવા ચાર ટીમો બનાવી
ત્યાર બાદ વિદ્યાર્થીનીના વાલીએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. ગંભીર ગુનો હોવાથી અમદાવાદ પોલીસ કમિશ્નરે પણ આરોપીને પકડવા માટે જુદી જુદી ચાર ટીમો બનાવી તપાસ સોંપી હતી. જેમાં એક ટીમે આરોપી હોટેલમાં કામ કરતો હતો ત્યાં ચેકીંગ કર્યું હતું. બીજી ટીમે આરોપીના મકાનની આસપાસના વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું. ત્રીજી ટીમે આરોપીની બેઠક વાળી જગ્યાએ તેમજ ચોથી ટીમે આરોપી ઉત્તર પ્રદેશનો હોવાથી અમદાવાદથી ઉત્તર પ્રદેશ જતી ટ્રેનોમાં તપાસ કરી હતી. આ દરમિયાન આરોપી એક હોટેલમાં શેફ તરીકે કામ કરતો મળી આવ્યો હતો. પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડીને બોડકદેવ પોલીસને સોંપ્યો હતો. પોલીસે આરોપીને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.