Publish Date: Wed, 28 Oct 2026 (11:10 IST)
Updated Date: Wed, 28 Oct 2026 (11:17 IST)
વન-ડે મેચ સમાન્ય રીતે 50 ઓવરની રમાતી હોય છે, પરંતુ પાકિસ્તાની ક્રિકેટ ટીમે પોતાની બેટિંગ અને બોલિંગના પ્રદર્શનથી જાણે તેને T20 મેચમાં ફેરવી દીધી હોય તેવું લાગે છે! આ ત્રિકોણીય શ્રેણીની એક મહત્વપૂર્ણ મેચમાં શ્રીલંકાએ પાકિસ્તાનને શાનદાર રીતે હરાવ્યું હતું, જેમાં ન તો પાકિસ્તાની ટીમ પૂરી ઓવરો સુધી બેટિંગ કરી શકી અને ન તો 20 ઓવર પૂરી થાય તે પહેલાં વિરોધી ટીમને લક્ષ્ય હાંસલ કરતા રોકી શકી. આમ છતાં, રમતનાં સમીકરણો અને પોઈન્ટ ટેબલની સ્થિતિ જોતાં હજુ પણ પાકિસ્તાન ફાઇનલમાં પ્રવેશ મેળવે તેવી પૂરી શક્યતા બનેલી છે.
પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાશે ટ્રાઈ સીરિઝની ફાઈનલ
હાલમાં પાકિસ્તાનમાં ત્રિકોણીય શ્રેણી રમાઈ રહી છે. પાકિસ્તાન ઉપરાંત, શ્રીલંકા અને ઇંગ્લેન્ડ ભાગ લઈ રહ્યા છે. લીગ તબક્કો હવે પૂર્ણ થઈ રહ્યો છે. અંતિમ મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાશે તે નક્કી થયું છે. પાકિસ્તાને ચારમાંથી ત્રણ મેચ જીતી છે અને છ પોઈન્ટ ધરાવે છે, જેનાથી તે પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમે છે. શ્રીલંકાએ અત્યાર સુધી ત્રણ મેચ રમી છે, જેમાંથી બે જીતી છે અને ચાર પોઈન્ટ ધરાવે છે. ઇંગ્લેન્ડે ત્રણ મેચ રમી છે પરંતુ જીત વિનાનું રહ્યું છે. ટીમનું ખાતું ખાલી છે. શ્રીલંકા સામે હજુ પણ એક મેચ બાકી હોવા છતાં, તેઓ પહેલાથી જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે.
શ્રીલંકાએ પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું
મંગળવારે, પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે એક મેચ રમાઈ હતી. પહેલા બેટિંગ કરતા, પાકિસ્તાની ટીમ ફક્ત 110 રન બનાવી શકી. આખી ટીમ 25.3 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ. ટીમ તરફથી બાબર આઝમે સૌથી વધુ 29 રન બનાવ્યા. ટીમના 11 બેટ્સમેનમાંથી ફક્ત ચાર જ બે આંકડા સુધી પહોંચી શક્યા. શ્રીલંકાએ ત્યારબાદ બેટિંગ કરવાનું શરૂ કર્યું અને માત્ર 18.1 ઓવરમાં બે વિકેટે 114 રન બનાવીને મેચ જીતી લીધી. ઓપનર કામેન્દુ મેન્ડિસે 60 બોલમાં 62 રનની શાનદાર ઇનિંગ રમી. અવિષ્કા ફર્નાન્ડોએ 16 અને પવન રત્નાયકે 26 બોલમાં 23 રન બનાવ્યા.
31 ઓક્ટોબરે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ફાઇનલ ટક્કર
આ ત્રિકોણીય શ્રેણીની ફાઇનલ પહેલા વધુ એક લીગ મેચ રમાશે, જોકે તેનું હવે કોઈ ખાસ મહત્વ નથી. શ્રીલંકા અને ઇંગ્લેન્ડ 29 ઓક્ટોબરે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે એકબીજા સામે ટકરાશે. 31 ઓક્ટોબરે લાહોરના એજ સ્ટેડિયમમાં ફાઇનલ રમાશે, જેમાં પાકિસ્તાન અને શ્રીલંકા ભાગ લેશે. એવું માનવામાં આવે છે કે આ ત્રણેય ટીમો આ ટુર્નામેન્ટ દ્વારા તેમના ICC ODI વર્લ્ડ કપ અભિયાનની તૈયારી કરી રહી છે.