ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની ચોથી અને અંતિમ મેચ બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાઇ રહી છે. ભારતની ટીમ તેની પ્રથમ ઇનિંગ્સ રમી રહી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 369 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રેણી હાલમાં 1-1થી છે. સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી, જ્યારે ભારતે એડિલેડમાં મેલબોર્ન અને ઓસ્ટ્રેલિયામાં જીત મેળવી હતી.
બ્રિસબેનમાં રમાઈ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મૅચમાં ભારતે મજબૂત શરૂઆત કરી હતી, જોકે લંચ બાદ ઑસ્ટ્રેલિયાની ટીમે બેટિંગથી પલટવાર કર્યો હતો.પ્રથમ દિવસે લાબુશેને નવ ચોગ્ગાના જોરે સદી ફટકારી હતી, જે બાદ પેને અર્ધસદી ફટકારી હતી. મેથ્યુ વેડ અને કૅમરોન ગ્રીન અનુક્રમે 45 અને 47 રન સાથે અર્ધસદીથી થોડા દૂર રહી ગયા હતા.
ભારતના ફાસ્ટ બૉલર સિરાજે પહેલી જ ઓવરમાં ઓપનર ડેવિડ વૉર્નરને પૅવેલિયન પરત મોકલી દીધા હતા. રોહિત શર્માએ વૉર્નરનો કૅચ પકડ્યો હતો.
જે પછી શાર્દુલ ઠાકુરની ઓવરમાં માર્કસ હૅરિસનો કૅચ વૉશિંગ્ટન સુંદરે પકડી લીધો હતો.
બંને ઑપનર્સની વિકેટ ગયા બાદ લાબુશેન અને સ્ટીવ સ્મિથે એક સારી ભાગીદારી કરીને મૅચમાં વાપસી કરી હતી.
હાલમાં ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ચાર ટેસ્ટની સિરીઝ ભારત અને ઑસ્ટ્રેલિયાની ટીમ 1-1થી સરભર છે.
જો સિડનીમાં જ ભારત હારી ગયું હોત તો તો સિરીઝનું પરિણામ ત્યાં જ નક્કી થઈ ગયું હોત પણ નવા વર્ષની પહેલી ટેસ્ટને અંતે પણ સ્કોર 1-1થી જ સરભર રહ્યો હતો. માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વની કોઈ પણ ટીમ માટે બ્રિસબેનમાં ઑસ્ટ્રેલિયા સામે જીતવું ક્યારેય આસાન રહ્યું નથી. હકીકત તો એ છે કે 1988ના નવેમ્બરમાં એટલે કે 32 વર્ષ અગાઉ બ્રિસબેનના ગાબા ક્રિકેટ ગ્રાઉન્ડ પર વિવિયન રિચાર્ડ્સની આગેવાની હેઠળની કૅરેબિયન ટીમે ટેસ્ટ જીતી હતી.
ગોર્ડન ગ્રિનીજ, ડેસમન્ડ હેઇન્સ, માલ્કમ માર્શલ અને કર્ટની વોલ્શ જેવા ધુરંધરોની મદદથી વેસ્ટ ઇન્ડિઝે નવ વિકેટે વિજય હાંસલ કર્યો હતો.
બસ, છેલ્લાં 32 વર્ષમાં ગાબા ખાતે ઑસ્ટ્રેલિયાનો આ એકમાત્ર પરાજય હતો.
આ સિવાય ગાબા ખાતે 1989થી અત્યાર સુધીમાં ઑસ્ટ્રેલિયા 31 ટેસ્ટ રમ્યું છે અને તેમાંથી 24 મૅચમાં તેનો વિજય થયો છે જ્યારે સાત મેચ ડ્રૉ રહી છે.
ભારતનો બ્રિસબેનમાં ખરાબ ઇતિહાસ
વર્તમાન સિરીઝમાં અજિંક્ય રહાણેની સદી કે ઋષભ પંતની ઇનિંગ્સને બાદ કરતાં ભારતે એકાદ બે ઇનિંગ્સને બાદ કરતાં ભારત અને ઑસ્ટ્રેલિયાએ બેટિંગમાં ખાસ કમાલ કરી નથી. તેનો અર્થ એ થયો કે સિરીઝમાં બૉલરોનું જ વર્ચસ્વ રહ્યું છે, જે-જે મૅચમાં પરિણામ આવ્યાં છે તે તમામમાં બૉલિંગને કારણે જ ટીમને લાભ થયો છે. બ્રિસબેન ઑસ્ટ્રેલિયાના બૉલર માટે જમા પાસું હોવાનું મનાય છે, જે ભારત સામે મોટો પડકાર બની રહેવાનો છે.
બ્રિસબેનના મેદાન પર ભારત છમાંથી પાંચ ટેસ્ટ હારેલું છે. 1977-78માં બોબ સિમ્પસનને 11 વર્ષ બાદ ફરીથી ટીમની આગેવાની સોંપાઈ હતી ત્યારે પણ આ મેદાન પર તો ઑસ્ટ્રેલિયાની ટીમ ભારતને હરાવી ગઈ હતી. 1991-92માં સાક્ષાત સચીન તેંડુલકર ભારતીય ટીમમાં હતા અને અઝરુદ્દીનની ટીમ હરીફની સામે ટક્કર લઈ શકે તેમ હતી, તેમ છતાં અહીં તેનો દસ વિકેટે પરાજય થયો હતો. આમ બ્રિસબેનમાં ભૂતકાળ ભારતની તરફેણમાં નથી અને વર્તમાનમાં ફિટનેસ ભારતની તરફેણમાં નથી.
જો ભારત બ્રિસ્બેન ટેસ્ટ જીતી જાય અને સિરીઝ પોતાને નામે કરે તો એ 2021માં ક્રિકેટ વિશ્વમાં સૌથી મોટી ઘટના લેખાશે.