Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

રાજકોટની ધરતી પર ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારતની સૌથી મોટી જીત, શું બોલ્યા કપ્તાન રોહિત શર્મા

Jadeja
, સોમવાર, 19 ફેબ્રુઆરી 2024 (07:58 IST)
- રાજકોટની ધરતી પર ક્રિકેટના ઇતિહાસમાં ભારતની સૌથી મોટી જીત
-  ઇંગ્લૅન્ડને 434 રનના રેકૉર્ડ અંતરથી હરાવ્યું
- જાડેજાને પ્લેયર ઑફ ધ મૅચ 


રાજકોટની ધરતી પર ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ભારતની સૌથી મોટી જીત મેળવતાં જ કપ્તાન રોહિત શર્મા એક તરફ જ્યાં સરફરાજ અહમદને ભેટી રહ્યા હતા, ત્યારે જ પ્લેયર ઑફ ધ મૅચ રહેનાર રવીન્દ્ર જાડેજાએ બૉલને ચૂમી લીધો. પોતાના સ્પિનના દમ પર તેમણે આ ટેસ્ટમાં ફરી એક વાર પાંચ વિકેટ લેવાનું કારનામું કરી બતાવ્યું છે. 
 
આ ટેસ્ટ મૅચના પ્રથમ દિવસે જ તેમણે ટીમ પોતાની બેટિંગની ક્ષમતાનું પ્રદર્શન પણ એવા સંકટના સમયે કર્યું હતું જ્યારે ભારતના ટોચના ત્રણ બૅટ્સમૅન 33 રન પર જ પેવેલિયન પરત ફર્યા હતા. અહીં તેમણે કપ્તાન રોહિત શર્મા સાથે શતકીય ભાગીદારી નોંધાવી અને ટેસ્ટમાં પોતાની ચોથી સદી ફટકારી.
 
ભારતની પ્રથમ ઇનિંગમાં 112 રન બનાવનાર અને બીજી ઇનિંગમાં મહેમાન ટીમની અડધી ટીમને પેવેલિયન ભેગી કરનારા જાડેજાને પ્લેયર ઑફ ધ મૅચ પસંદ કરાયા. રાજકોટ ટેસ્ટમાં ભારતે સતત ચાર દિવસ સુધી દમદાર પ્રદર્શન કરીને ઇંગ્લૅન્ડને 434 રનના રેકૉર્ડ અંતરથી હરાવ્યું અને પાંચ ટેસ્ટ મૅચની સિરીઝમાં 2-1ની સરસાઈ મેળવી.
 
ઇંગ્લૅન્ડની ટીમ સામે જીત માટે ભારતે 557 રનનું વિશાળ લક્ષ્ય મૂક્યું હતું, પરંતુ મહેમાન ટીમ માત્ર 122 રન પર જ ઑલઆઉટ થઈ ગઈ.
ઇંગ્લૅન્ડ તરફથી બીજી ઇનિંગમાં સૌથી વધુ રન માર્ક વુડે (33) કર્યા. તેમના સિવાય કોઈ બૅટ્સમૅન 20 રન પણ ન કરી શક્યો. તેમજ ભારત તરફથી સૌથી વધુ પાંચ વિકેટ રવીન્દ્ર જાડેજાએ ખેરવી. જાડેજા સિવાય કુલદીપ યાદવને બે, જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિને એક-એક વિકેટ લીધી.
 
જાડેજાએ પોતાના પ્રદર્શન વિશે શું કહ્યું?
 
મૅચ બાદ પોતાની બેટિંગ અંગે પુછાયેલા એક પ્રશ્ન મામલે જાડેજાએ કહ્યું, “અમે મુશ્કેલીમાં હતા અને મારી કોશિશ માત્ર રોહિત સાથે મોટી ભાગીદારી કરવાની હતી. મારે મારી ક્ષમતાઓ પર વિશ્વાસ રાખવાનો હતો અને સાવચેત રહીને શૉટ ફટકારવાના હતા. હું બૉલને બરાબર જોઈને ફટકારવાનો પ્રયાસ કરી રહ્યો હતો.”
 
પિચ અંગે જાડેજાએ કહ્યું કે તેમને ખબર હતી પીચ કેવી રીતે વર્તશે. તેમણે કહ્યું, “આ પીચ પર બેટિંગ કરીને રન બનાવવાનું કામ સરળ હોય છે. તેમજ ધીરે ધીરે એ સ્પિન માટે મદદરૂપ થતી જાય છે.”
 
તેમણે કહ્યું, “જ્યારે રોહિતે ટૉસ જીત્યો તો અમને જે જોઈતું હતું એ મળી ગયું. પહેલાં બેટિંગ અને બાદમાં બૉલિંગ. આ પીચ પર વિકેટ સરળતાથી નથી મળતી. વિકેટ માટે મેદાનમાં પરસેવો પાડવો પડે છે. તમારે તમારો બૉલ બહેતર પીચ કરવાનો હોય છે, ભારે મહેનત કરીને વિકેટ લેવી પડે છે.”
 
સરફરાજ પહેલાં જાડેજાને કેમ ઉતારાયા?
 
ભારત ટૉસ જીત્યા છતાં ઇનિંગના પ્રારંભમાં જ ત્રણ વિકેટ ગુમાવી ચૂક્યું હતું. આવી સ્થિતિમાં રવીન્દ્ર જાડેજાએ કપ્તાન રોહિત શર્મા સાથે મળીને ચોથી વિકેટ માટે 104 રન બનાવ્યા.
 
રવીન્દ્ર જાડેજાને બૅટ્સમૅન તરીકે પોતાની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ મૅચ રમી રહેલા સરફરાજ ખાન પહેલાં પિચ પર મોકલાવાયા.
 
આ નિર્ણય માટે નિશ્ચિતપણે તેમના અનુભવને ધ્યાને લેવાયું. સાથે જ સરફરાજ માટે પોતાની પ્રથમ ટેસ્ટ મૅચમાં જ આવી દબાણવાળી સ્થિતિમાં બેટિંગ માટે ઊતરવાની સ્થિતિ ન સર્જાય એ માટે પણ આવું કરાયું.
 
મૅચ બાદ જ્યારે કપ્તાન રોહિત શર્માને જ્યારે આ અંગે પુછાતાં તેમણે કહ્યું કે, “અમે જાડેજાને પ્રથમ મોકલ્યો, કારણ કે એ અનુભવી છે, તેણે ઘણા રન ફટકાર્યા છે. ઉપરાંત અમે લેફ્ટ-રાઇટ કૉમ્બિનેશન પણ રાખવા માગતા હતા. સાથે જ એ પણ જોવાનું હતું કે સરફરાજ પાસે પૂરતો સમય હોય. મૅચમાં અમને ખબર પડી કે એ બેટિંગ કરી શકે છે.”
 
શું આગળ પણ આવું જ થશે? આ સવાલ પર રોહિતે કહ્યું, “આવું લાંબા સમય માટે નહીં થાય. જે દિવસે જેવી જરૂરિયાત હશે, ટીમ અને બૉલિંગ વગેરેનું આકલન કરીને અમે નિર્ણય લઈશું.”
 
યશસ્વી ભવ:
 
ભારતની આ ઐતિહાસિક જીતમાં યશસ્વી જયસવાલની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ રહી. તેમણે ભારતની બીજી ઇનિંગમાં નૉટઆઉટ 214 રન બનાવ્યા. પોતાની આ ઇનિંગમાં તેમણે કેટલાક એવા રેકૉર્ડ પોતાના નામે કર્યા જેની ભારે ચર્ચા અને પ્રશંસા થઈ રહી છે.
 
યુવાન બૅટ્સમૅન યશસ્વીનાં વખાણ કરાય એટલાં ઓછાં. ગત વર્ષે જુલાઈમાં ભારતીય ટીમ માટે પ્રથમ ટેસ્ટ રમનારા યશસ્વી સતત રન બનાવતા જઈ રહ્યા છે.
 
યશસ્વીએ અત્યાર સુધી સાત ટેસ્ટ મૅચમાં 71.75ની સરેરાશ સાથે 861 રન બનાવ્યા છે.
 
તેમણે ટેસ્ટ કારકિર્દીની શરૂઆત જ સદી સાથે કરી અને હવે સતત બે ટેસ્ટમાં તેમણે બેવડી સદી નોંધાવાનું કારનામું કરી બતાવ્યું છે.
 
તેઓ ઇંગ્લૅન્ડ સામે સતત બે ટેસ્ટ મૅચમાં બે બેવડી સદી નોંધાવનારા પ્રથમ ભારતીય બૅટ્સમૅન બની ગયા છે.
 
તેમજ સતત બે ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર તેઓ ત્રીજા ભારતીય બૅટ્સમૅન બની ગયા છે.
 
યશસ્વીએ પોતાની ઇનિંગમાં 12 છગ્ગા ફટકાર્યા. આ ટેસ્ટ ક્રિકેટની ઇનિંગમાં મહત્તમ છગ્ગાના રેકૉર્ડની બરાબરી છે.
 
યશસ્વીએ પોતાની ત્રણેય ટેસ્ટ સદીમાં 150 કરતાં વધુ રન ફટકાર્યા છે. પ્રથમ ટેસ્ટમાં 171, છઠ્ઠી ટેસ્ટમાં 209 રન અને સાતમી ટેસ્ટમાં અણનમ 214 રન.
 
યશસ્વીએ શું કહ્યું?
મૅચ બાદ તેમણે કહ્યું, “પ્રથમ ઇનિંગમાં જે રીતે રોહિત ભાઈ અને જડ્ડુએ બેટિંગ કરી, તેનાથી મને ઘણી પ્રેરણા મળી અને બાદમાં મેં સેટ થઈને મોટા સ્કોર તરફ આગળ વધવાની મારા સિનિયરોની સલાહ પર અમલ કર્યો.”
 
“ટેસ્ટ ક્રિકેટમાં તમને એ નથી ખબર હોતી કે આગળ શું થવાનું છે, તેથી મારી કોશિશ એ જ હોય છે કે જો હું ટકી જઉં તો પીચ પર લાંબો સમય સુધી ટકી રહું.”
 
શરૂઆતમાં યશસ્વી થોડા ધમા રમ્યા હતા. જ્યારે આ વાત અંગે તેમને પુછાયું તો તેમણે કહ્યું કે, “શરૂઆતમાં રન બનાવવાનું કામ થોડું મુશ્કેલ લાગી રહ્યું હતું. પછી મેં એક સેશન અને બૉલર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. જ્યારે હું સેટ થઈ ગયો ત્યારે મેં મારી ચોક્કસ જગ્યાએ શૉટ ફટકારીને રન કરવાની વ્યૂહરચના પર અમલ કર્યો.”
 
રિટાયર્ડ હર્ટ થયા બાદ તેમણે કહ્યું, “થોડા સમય બાદ મને પીઠ ઠીક નહોતી લાગી રહી. હું બહાર જવા માગતો હતો. પરંતુ પીઠની સમસ્યા એટલી મોટી હતી કે મારે જવું પડ્યું. જ્યારે હું પરત ફર્યો ત્યારે મને પીચ બેટિંગ માટે સારી લાગી રહી હતી અને બૉલ હાર્ડ હતો.”
 
સરફરાજ અંગે શું બોલ્યા રોહિત?
 
મૅચ બાદ પ્રેસ કૉન્ફરન્સમાં કપ્તાન રોહિત શર્માએ કહ્યું, “મેં સરફરાજને બેટિંગ કરતા એટલો નથી જોયો, પરંતુ લોકો પાસેથી સાંભળ્યું હતું કે એ મુશ્કેલ સ્થિતિમાં સારું પ્રદર્શન કરે છે. તેણે ઘણા રન ફટકાર્યા છે.”
 
“300, બેવડી સદી નોંધાવી છે. તેનામાં રન બનાવવાની ભૂખ છે. ચાર-પાંચ વર્ષથી ઘરેલુ ક્રિકેટમાં તે રન બનાવી રહ્યો છે. તેને ખુલ્લો મૂકશો તો એ એનું કામ કરી દેશે.”
 
“ગમે એ વ્યક્તિ પોતાની પ્રથમ મૅચમાં તો નર્વસ જ હોય છે. જોકે, મને નથી લાગતું કે એ નર્વસ હતો, પરંતુ ગેમમાં પોતાની બેટિંગ, ફિલ્ડિંગમાં ફરક લાવવા માગતો હતો. એ જોઈને સારું લાગ્યું.”
 
જાડેજા, જયસવાલ પર શું બોલ્યા રોહિત?
મૅચ બાદ જ્યારે રોહિતને જયસવાલ અને જાડેજાના પ્રદર્શન વિશે પુછાયું તો તેમણે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટ એક-બે દિવસની નથી હોતી. અમે પાંચ દિવસ સુધી રમવાનું મહત્ત્વ જાણીએ છીએ. તેઓ સારું રમ્યા અને અમારા ઉપર દબાણ હતું. અમારી બૉલિંગ જબરદસ્ત છે. મૅસેજ સંપૂર્ણપણે શાંત રહેવાનો હતો, બીજા દિવસે જે પ્રકારે અમે વાપસી કરી એ શાનદાર હતું. આવું થાય ત્યારે રાજીપો અનુભવાય છે.
 
મૅચના ટર્નિંગ પૉઇન્ટ વિશે રોહિતે કહ્યું, “આમ તો ઘણાં ટર્નિંગ પૉઇન્ટ હતાં. ટૉસ જીત્યા એ સારું થયું, કારણ કે અમને એનું મહત્ત્વ ખબર હતું. બૉલરોએ જબરદસ્ત વાપસી કરાવી. બે યુવાન બૅટ્સમૅનોને કારણે અમારું અડધું કામ તો થઈ ગયું હતું, પરંતુ તેમણે અમને એ લીડ અપાવી જેની અમને દરકાર હતી. નિશ્ચિતપણે બીજી ઇનિંગમાં જાડેજાએ બૉલથી કમાલ કરી દીધી.”
 
જયસવાલ અંગે કપ્તાન રોહિત શર્માએ કહ્યું, “મેં અહીં અને વિશાખપટ્ટનમમાં પણ તેની સાથે ઘણી વાતો કરી છે. હું એના વિશે ઘણી વાતો નથી કરવા માગતો. તેણે પોતાની કારકિર્દીની શાનદાર શરૂઆત કરી છે, હું ઇચ્છું છું કે તેઓ સારું રમવાનું ચાલુ રાખે. એ ખૂબ સારા ક્રિકેટર હોય એવું દેખાય છે.”
 
સિરીઝ જીતવા માગીએ છીએ : બેન સ્ટોક્સ
ઇંગ્લૅન્ડની ટીમ ભલે સિરીઝમાં 1-2થી પાછળ રહી ગઈ હોય, પરંતુ કપ્તાન બેન સ્ટોક્સનું કહેવું છે કે તેમની ટીમ વાપસી કરીને સિરીઝ જીતવા માગે છે.
 
સિરીઝમાં 1-2થી પાછળ રહી જવા મામલે તેમણે કહ્યું, “બેન ડકેટે એક અદ્ભુત ઇનિંગ રમી. અમે આખી ઇનિંગ દરમિયાન આવી જ રમતનું પ્રદર્શન કરવા માગતા હતા. અમે ભારતના સ્કોરની નિકટ પહોંચવા માગતા હતા. ક્યારેક ક્યારેક ગેમ પ્લાન કામ નથી કરતો અને આ પણ એવી જ સ્થિતિ છે.”
 
સ્ટોક્સે કહ્યું કે તેમની ટીમ વાપસી કરવા ઇચ્છે છે અને સિરીઝ જીતવા મક્કમ છે.
 
તેઓ કહે છે કે, “અત્યારે અમે પાછળ છીએ, પરંતુ અમારી સામે સિરીઝ જીતવાની અને વાપસી કરવાની ઉત્તમ તક છે. અમારે સિરીઝ જીતવા માટે બે મૅચ જીતવી પડશે અને અમે આવું જ કરવા માગશું.”
 
રેકૉર્ડ બુક : ભારતની સૌથી મોટી જીત
ભારતે 434 રનના વિશાળ અંતરથી આ ટેસ્ટમાં જીત મેળવી. આ રનના અંતરથી જીત મેળવવાની બાબતે સૌથી મોટી જીત છે.
 
આ પહેલાં વર્ષ 2021માં ન્યૂઝીલૅન્ડ સામે ભારત 372 રનથી જીત્યું હતું.
 
તેમજ ઇંગ્લૅન્ડ માટે આ રનના અંતરથી હારની બાબતે બીજી સૌથી મોટી હાર છે. સાથે જ આ જીત ટેસ્ટ ક્રિકેટમાં વધુ રને જીતની બાબતે આઠમી મોટી જીત છે.
 
યશસ્વી જયસવાલે પોતાની ઇનિંગ દરમિયાન 12 છગ્ગા ફટકાર્યા છે. તેમણે ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના રેકૉર્ડની બરાબરી કરી છે.
 
વસીમ અકરમે 1996માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ પોતાની 257 રનની ઇનિંગમાં 12 છગ્ગા ફટકાર્યા હતા.
 
તેમજ ભારત માટે આ રેકૉર્ડ પહેલાં નવજોતસિંહ સિદ્ધુના નામે (આઠ છગ્ગા) હતો.
 
રવિચંદ્રન અશ્વિને આ મૅચ દરમિયાન પોતાની ટેસ્ટ કારકિર્દીની 500 વિકેટ પૂરી કરી. આ મુકામ હાંસલ કરનારા તેઓ બીજા ભારતીય અને નવમા બૉલર છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટમાં રમાયેલી મૅચ ભારતે ઇંગ્લૅન્ડને હરાવીને જીતી