T20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમિફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડ આમને-સામને છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 168 રન બનાવ્યા છે. જો ઈંગ્લેન્ડને ફાઇનલમાં જવું હોય તો તેણે આ લક્ષ્ય હાંસલ કરવું પડશે.
હાર્દિક પંડ્યાએ સેમીફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયા માટે અજાયબી કરી બતાવી હતી. જ્યારે ભારતીય ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે હાર્દિકે અહીં શાનદાર બેટિંગ કરી હતી અને માત્ર 33 બોલમાં 63 રન બનાવ્યા હતા. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ 4 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. જો હાર્દિકની ઈનિંગ ન હોત તો કદાચ ભારત આ મેચમાં ઘણો સંઘર્ષ કરી રહ્યો હોત.
વિરાટ કોહલીનું શાનદાર ફોર્મ ચાલુ છે અને સેમીફાઈનલમાં પણ તેણે ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢી છે. વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામે પોતાની ફિફ્ટી પૂરી કરી છે અને ટી20 ક્રિકેટમાં આ તેની 37મી ફિફ્ટી છે. વિરાટ કોહલીએ આ ઇનિંગમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે અને T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 4000 રન પૂરા કર્યા છે, તે આવું કરનાર પ્રથમ ક્રિકેટર છે. વિરાટ કોહલી આ ઈનિંગમાં 40 બોલમાં 50 રન બનાવી શક્યો હતો, જેમાં 4 ફોર અને 1 સિક્સ સામેલ હતી.