ભારતમાં કોવિડ વર્કિંગ ગ્રૂપના ચૅરમૅન ડૉક્ટર એનકે અરોડાએ કહ્યું કે કોરોના વાઇરસ દેશમાં હાજર છે, પણ બહુ ઝડપી ફેલાઈ રહ્યો નથી.
સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા તેમણે કહ્યું કે "અમે જીનોમ સિક્વેન્સિંગ વધારી દીધું છે અને ઍરપૉર્ટ પર સ્ક્રિનિંગ થઈ રહ્યું છે. અમને કોઈ નવો વૅરિયન્ટ મળ્યો નથી."
"અમે સીવેજ સૅમ્પલિંગ પણ કરાવ્યું છે, પણ કોઈ નવો વૅરિયન્ટ મળ્યો નથી અને આવનારા દિવસોમાં કેસ ઝડપથી વધવાની શક્યતા ઓછી છે. જે ઓમિક્રૉન વૅરિયન્ટ ભારતમાં છે, તો દુનિયાના અન્ય ભાગમાં પણ જોવા મળી રહ્યો છે."
તેમણે કહ્યું કે કોવિડનો વૅરિયન્ટ અહીં ખાસ પ્રભાવિત જોવા મળતો નથી અને તેના કારણે હૉસ્પિટલમાં ભરતી થનારની સંખ્યા વધી નથી રહી."
"આથી ગભરાવાની જરૂર નથી, પણ યુરોપ, નૉર્થ અમેરિકા અને પૂર્વ એશિયાના અન્ય દેશો પર નજર રાખવાની જરૂર છે."
ઉલ્લેખનીય છે કે ચીનમાં ગત મહિનામાં કોરોનાના કેસમાં વધારો થતા ભારતમાં પણ સતર્કતા વધી છે. ચીનમાં ઝડપથી કેસ વધી રહ્યા છે, પણ ત્યાંના ચોક્કસ આંકડા હાલ મળી શકતા નથી.