દેશભરમાં કોરોનાના રેકોર્ડતોડ કેસ આવ્યા પછી છેલ્લા બે દિવસથી નવા કેસમાં ઘટાડો આવ્યો છે. રવિવારે ભારતમાં કોરોનાના લગભગ 3 લાખ 70 હજાર નવા કેસ નોંધાયા તો બીજી બાજુ મોતના મામલા સાધારણ ઘટ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 3421 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધી કુલ 2 લાખ 18 હજાર 945 લોકોએ જીવ ગુમાવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 3 લાખ 69 હજાર 942 નવા કેસ આવ્યા પછી દેશમાં કુલ કોરોના કેસ વધીને 1 કરોડ 99 લાખ 19 હજાર 715 થઈ ગયા છે. દેશમાં એક્ટિવ કેસ પણ 34 લાખ 10 હજાર 426 પર પહોંચી ગયા છે.
સંકટ વચ્ચે રાહતના સમાચાર એ છે કે 24 કલાકની અંદર 2 લાખ 99 હજાર 800 લોકો કોરોનાથી સાજા પણ થયા છે.
મહારાષ્ટ્રમાં દૈનિક કેસોમાં ઘટાડો થયો છે. 24 કલાકમાં કોરોનાના 56 હજાર 647 નવા કેસ નોંધાયા અને 669 લોકોનાં મોત નીપજ્યાં. હાલમાં મહારાષ્ટ્રમાં 6 લાખ 68 હજાર 353 સક્રિય કેસ છે. આ દરમિયાન 51 હજાર 356 લોકોએ કોરોનાને હરાવ્યો છે.
રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા મામલા સામે આવ્યા છે, પરંતુ મોતના આંકડાએ મુશ્કેલીમાં વધારી છે. દિલ્હીમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાને કારણે 407 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 20 હજાર 394 નવા કેસ નોંધાયા છે.
ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. 24 કલાકમાં 12,978 કેસ નોંધાયા છે, જે 1 મેના રોજ નોંધાયેલા 13,847 કરતા 869 કેસ ઓછા છે. આમ 10 દિવસ બાદ પહેલીવાર 13000થી ઓછા કેસ નોંધાયા છે. આ પહેલા 22 એપ્રિલે 13,105 કેસ નોંધાયા હતા. જ્યારે સતત ત્રીજા દિવસે 10 હજારથી વધુ એટલે કે 11,146 દર્દીએ કોરોનાને માત આપી છે. તેમજ 24 એપ્રિલ બાદ પહેલીવાર 153 દર્દીનાં મોત થયાં છે.