ગુજરાતમાં કોરોના વાયરસનો ચેપ બોટાદ અને ખેડા જિલ્લામાં જોવા મળ્યો છે. રાજ્યમાં સૌ પ્રથમ પોઝિટિવ કેસ મળ્યાને લગભગ પચ્ચીસમા દિવસે આ બે જિલ્લામાં એક એક પોઝિટિવ કેસ શોધી કાઢવામાં આરોગ્ય વિભાગને સફળતા મળી છે. છેલ્લા 12 કલાકમાં કુલ 56 નવા કેસ નોંધાયા છે જેમાં સૌથી વધારે કેસ હોટ સ્પોટ એવા અમદાવાદના 42 છે. જ્યારે અન્ય હોટ સ્પોટ એવા સુરતમાંથી 6 કેસ નોંધાયા છે. જ્યારે એક મહિલાનું મોત થયું છે. વડોદરા અને પંચમહાલમાં 3-3 કેસ નોંધાયા છે. તેમજ વધુ બે જિલ્લામાં કોરોનાની ઍન્ટ્રી થતા બોટાદ અને ખેડા જિલ્લામાં એક-એક કેસ નોંધાયા છે. જો કે ખેડાનો દર્દી અમદાવાદનો 108નો કર્મચારી છે જે કપડવંજના દાણા ગામનો રહેવાસી છે. આ ઉપરાંત આણંદ જિલ્લામાં આજે ત્રણ બાળકો સહિત સાત કેસ નોંધાયા છે. આ સાતેય કેસ ખંભાતમાંથી સામે આવ્યા છે. આમ, રાજ્યમાં અત્યાર સુધીમાં 702 પોઝિટિવ કેસ મળી આવ્યા છે અને કુલ 30 વ્યક્તિના મૃત્યું થયા છે. 59 લોકો સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. હાલ 8 દર્દી વેન્ટીલેટર પર છે.