બાળકો કંઈ પણ શીખે છે તો તે પોતાના માતા-પિતા પાસેથી જ શીખે છે. માતા-પિતાના વર્તન અને વ્યવહારને જોઈને તે પણ તેમના જેવું જ કરવાનો પ્રયત્ન કરે છે. ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે છોકરો તેના પિતા પર ગયો છે. તેના પિતાના જેવી જ આદતો છે અને છોકરી માતા પર ગઈ છે તેની પણ બધી જ આદતો માતા જેવી છે. તો આ બધી બાબતો માતા-પિતા પોતાના બાળકોને નથી શીખવતાં પણ તેઓ જાતે જ તેમને જોઈ જોઈને શીખે છે. તેથી માતા-પિતાએ એક વાતનું હંમેશા ધ્યાન રાખવું કે તેઓ કંઈ પણ એવું કામ ન કરે કે જે તેમના બાળકોની આદતોને બગાડે. ક્યારેય પણ બાળકોની હાજરીમાં એકબીજાની સાથે ઉંચા અવાજમાં વાત ન કરશો. પોતે સુતા સુતા વાંચતા હશો અને બાળકોને કહેશો કે બેસીને વાંચ તો તે એવું નહિ કરે પણ તમને જ અનુસરશે. બાળકોનું મગજ વધારે વસ્તુઓને ગ્રહણ કરે છે પરંતુ તેને સાચા અને ખોટાની સમજ નથી હોતી. તે તો માત્ર તમારી જ કોપી કરશે કે જેવું માતા પિતા કરી રહ્યાં છે તેવું આપણે પણ કરવું. તેથી બાળકોની આદતો સુધારતાં પહેલાં પોતે સુધરો.