ફિલ્મકાર મહેશ ભટ્ટ અને તેમના પરિવારને જીવથી મારવાની ધમકી મળી છે. ખંડણી માટે ભટ્ટને કોલ કરનારાઓએ તેમની પત્ની સોની રાજદાન અને પુત્રી આલિયા ભટ્ટને પણ મારવાની ધમકી આપી. આ વિશે ભટ્ટ પરિવાર તરફથી મુંબઈના જુહૂ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ ભટ્ટ પાસે 50 લાખ રૂપિયાની ડિમાંડ કરવામાં આવી. ગઇકાલે રાત્રે પોલીસે આ બાબતે એફઆઇઆર નોંધી છે અને ભટ્ટ પરિવારનુ નિવેદન પણ લીધુ છે. આ કેસ મુંબઇની એન્ટી એકસ્ટોર્શનને ટ્રાન્સફર કરવામાં આવેલ છે. મુંબઇ પોલીસના સુત્રોના જણાવ્યા પ્રમાણે એક વ્યકિત કે જે પોતાને ગેંગનો લીડર કહેતો હતો તેણે મહેશ ભટ્ટ પાસે 50 લાખ રૂપિયા માંગ્યા હતા. શરૂઆતમાં તો મહેશ ભટ્ટે તેને મજાક સમજી લીધી હતી પરંતુ બાદ એ શખ્સએ મહેશ ભટ્ટને વોટસએપ ઉપર મેસેજ મોકલીને કહ્યુ હતુ કે, ધમકીને હળવાશથી નહી લેતા.
આ શખ્સે મહેશ ભટ્ટને કહ્યુ હતુ કે, જો તમે પૈસા નહી આપો તો તમારી પુત્રી આલીયા અને પત્નિ સોની ઉપર અનેક રાઉન્ડ ગોળીબાર કરીશ. મહેશ ભટ્ટને લખનૌની કોઇ બેંકમાં પૈસા જમા કરાવવા જણાવાયુ છે. આ ઘટના 26મી ફેબ્રુઆરીની છે. પોલીસે કલમ-387 હેઠળ ગુન્હો નોંધ્યો છે.
ભટ્ટ પરિવારના જણાવ્યા પ્રમાણે એ શખ્સે હિન્દીમાં ધમકી આપી હતી અને પુત્રી તથા પત્નિ સોનીને મારી નાખવા પણ ધમકી આપી હતી. આ ઘટના બાદ ભટ્ટ પરિવારની સુરક્ષા વધારી દેવામાં આવી છે