Webdunia - Bharat's app for daily news and videos

Install App

દર વર્ષે લાખો ગધેડાંને કયા કારણે મારી નાખવામાં આવે છે?

વિક્ટોરિયા ગીલ, કેટ સ્ટીફન્સ
ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2024 (08:55 IST)
millions of donkeys- પાણી વેચીને પોતાનું ગુજરાન ચલાવતા સ્ટીવ પોતાની આજીવિકા માટે તેમના ગધેડાં પર સંપૂર્ણપણે નિર્ભર હતા. તેઓ તેમના ગધેડાં દ્વારા 20 જેરી કેન ભરેલી ગાડી ખેંચીને સ્ટીવના તમામ ગ્રાહકો પાસે લઈ જતા હતા. સ્ટીવના ગધેડાંને તેમની ખાલ માટે ચોરી લેવામાં આવ્યા ત્યારે તેમનું કામકાજ ભાંગી પડ્યું.
 
એ દિવસની શરૂઆત અન્ય દિવસોની માફક જ થઈ હતી. નૈરોબીના બહારના વિસ્તારમાં રહેતા સ્ટીવ ઘરમાંથી એ સવારે તેમના જાનવરો લેવા માટે મેદાનમાં ગયા હતા.
 
એ ઘટનાને યાદ કરતા સ્ટીવ કહે છે, “મને મારાં ગધેડાં જોવા ન મળ્યાં. મેં આખો દિવસ, રાત અને બીજા દિવસે પણ તપાસ કરી હતી.” ત્રણ દિવસ પછી એક દોસ્તે ફોન કરીને સ્ટીવને જણાવ્યું હતું કે તેને જાનવરોનાં હાડકાં મળ્યાં છે. “મારાં ગધેડાંની કતલ કરવામાં આવી હતી. તેમની ખાલ ઉતારી લેવામાં આવી હતી.”
 
ગધેડાંની ચોરી
ગધેડાંની ખાલમાંથી જિલેટીન તારવીને પરંપરાગત ઔષધી બનાવવામાં આવે છે
 
આફ્રિકા અને દુનિયાના અનેક હિસ્સામાં જ્યાં આ ગધેડાંની મોટી વસ્તી છે, ત્યાં તેમની આ પ્રકારે ચોરી ઝડપથી સામાન્ય બાબત બની રહી છે. ગધેડાંની ખાલના વિવાદાસ્પદ વૈશ્વિક વ્યાપારમાં સ્ટીવ અને તેનાં ગધેડાંનો ભોગ લેવાયો છે.
 
આ સમસ્યાનું મૂળ કેન્યાના આ વિસ્તારથી હજારો માઇલ દૂર ચીનમાં છે. ત્યાં ગધેડાંની ખાલમાંથી જિલેટીન તારવીને પરંપરાગત ઔષધી બનાવવામાં આવે છે અને ચીનમાં ગધેડાંની ખાલની મોટી માગ છે. તેને ઈજિયાઓ કહેવામાં આવે છે.
 
તેમાં આરોગ્યવર્ધક અને યુવાની જાળવી રાખતાં ઘટકો હોવાનું માનવામાં આવે છે. જિલેટીન કાઢવા માટે ગધેડાની ખાલને ઉકાળવામાં આવે છે. પછી પાવડર, ગોળી અને પ્રવાહી સ્વરૂપમાં જિલેટીન બનાવવામાં આવે છે કે તેને ખોરાકમાં ઉમેરવામાં આવે છે.
 
ગીરની સિંહણ: સિંહો પણ જેને 'માન આપતા' એ 'રાજમાતા' સિંહણનો દબદબો કેવો હતો?
 
આ વેપાર વિરુદ્ધ ઝુંબેશ ચલાવતા સ્ટીવ અને ગધેડાં પર નિર્ભર લોકોનું કહેવું છે ગધેડાં ઈજિયાઓ માટેના પરંપરાગત ઘટકની માંગનો ભોગ બની રહ્યા છે.
 
એક નવા અહેવાલ મુજબ, આ વેપાર સામે 2017થી ઝુંબેશ ચલાવતા ગધેડાંના અભયારણ્ય - ડોન્કી સૅન્ક્ચ્યૂઅરીનો અંદાજ છે કે ઈજિયાઓ ઉદ્યોગ માટે વૈશ્વિક સ્તરે દર વર્ષે ઓછામાં ઓછાં 59 લાખ ગધેડાંની કતલ કરવામાં આવે છે. આ સંસ્થાના કહેવા મુજબ, માંગ સતત વધી રહી છે. જોકે, બીબીસી આ આંકડાને સ્વતંત્ર રીતે ચકાસી શક્યું નથી.
 
ઈજિયાઓ ઉદ્યોગના પુરવઠા માટે કેટલા ગધેડાંની કતલ કરવામાં આવે છે તેની ચોક્કસ માહિતી મેળવવી બહુ મુશ્કેલ છે.
 
વિશ્વના 5.3 કરોડ ગધેડાં પૈકીના લગભગ બે-તૃતિયાંશ આફ્રિકામાં છે અને ત્યાં જટિલ નિયમો છે. કેટલાક દેશોમાં ગધેડાની ખાલની નિકાસ કાયદેસર છે, જ્યારે કેટલાકમાં ગેરકાયદે છે, પરંતુ ગધેડાંની ખાલની માંગ તથા કિંમત ઊંચી હોવાથી ગધેડાની ચોરીને ઉત્તેજન મળે છે. ડોન્કી સૅન્ક્ચ્યૂઅરીના કહેવા મુજબ, ગધેડાઓને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને એવાં સ્થળોએ પહોંચાડવામાં આવે છે, જ્યાં તેનો વેપાર કાયદેસરનો છે.
 
'ગાય-ભેંસનો તબેલો કરવાને બદલે તું ગધેડા લઈને આવ્યો', ગુજરાતી યુવાન જે ગધેડીના દૂધના ધંધામાં કરે છે કમાણી
આફ્રિકન દેશો અને બ્રાઝિલની સરકાર ગધેડાની કતલ તથા નિકાસ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે
 
2016થી 2019 દરમિયાન કેન્યાના લગભગ અડધોઅડધ ગધેડાંની કતલ થઈ હોવાનું અનુમાન છે
 
જોકે, આ પરિસ્થિતિ ટૂંક સમયમાં બદલાય તેવી શક્યતા છે, કારણ કે આફ્રિકન દેશોની અને બ્રાઝિલની સરકાર ગધેડાંની વસ્તીને ઘટતી રોકવા માટે ગધેડાંની કતલ તથા નિકાસ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે.
 
ડોન્કી સૅન્ક્ચ્યૂઅરી માટે કામ કરતા અને નૈરોબીમાં રહેતા સોલોમન ઓન્યાંગો કહે છે, “2016થી 2019 દરમિયાન કેન્યાના લગભગ અડધોઅડધ ગધેડાંની (તેમની ખાલના વેપાર માટે) કતલ કરવામાં આવી હોવાનું અમારું અનુમાન છે.”
 
ગધેડાં લોકો, માલસામાન, પાણી તથા ખોરાકનું વહન કરે છે. ગ્રામીણ સમુદાય માટે તે કરોડરજ્જૂ સમાન છે. તેથી તેમની ખાલના વેપારના કદ અને ઝડપી વૃદ્ધિને લીધે તેમને બચાવવાની ઝુંબેશ કરતા લોકો તથા નિષ્ણાતો ચિંતામાં છે. આ વેપારને લીધે કેન્યામાં ઘણા લોકો પ્રાણીઓની ચામડીના વેપાર વિરોધી પ્રદર્શનોમાં ભાગ લેવા પ્રેરાયા છે.
 
તમામ આફ્રિકન દેશોના નેતાઓ 17 અને 18 ફેબ્રુઆરીએ આફ્રિકન યુનિયન સમીટ માટે એકઠા થવાના છે અને આ વેપાર પર સમગ્ર આફ્રિકામાં પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત આ સમીટના એજન્ડા પર છે.
 
સમગ્ર આફ્રિકામાં લાગુ થાય તેવા સંભવિત પ્રતિબંધ બાબતે વાત કરતા સ્ટીવે જણાવ્યું હતું કે તેનાથી પ્રાણીઓના રક્ષણમાં મદદ મળશે, “અથવા ભાવિ પેઢીને એકેય ગધેડું જોવા નહીં મળે.”
 
ચિત્તાને પાળતા અને તેમને શિકાર કરવાનું શીખવતા 'ચિત્તેવાન'
શું સમગ્ર આફ્રિકા અને બ્રાઝિલમાં પ્રતિબંધ લાદવાથી આ વેપાર અન્યત્ર ખસેડાઈ જશે?
 
ચીની કંપનીઓને ગધેડાંની ખાલનો પૂરી પાડવા આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને એશિયાના કેટલાક વિસ્તારોમાં ગધેડાના કતલખાનાં સ્થાપવામાં આવ્યાં હતાં.
 
ઈજિયાઓના ઉત્પાદકો ચીનમાંથી મેળવવામાં આવતી ગધેડાંની ખાલનો ઉપયોગ કરતા હતા, પરંતુ ચીનના કૃષિ અને ગ્રામીણ બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં ગધેડાંની વસ્તી 1990ના 1.1 કરોડથી 2021માં ઘટીને 20 લાખથી પણ ઓછી થઈ ગઈ હતી. એ જ સમયે ઈજિયાઓ એક વિશિષ્ટ લક્ઝરી તથા વ્યાપકપણે ઉપલબ્ધ ઉત્પાદન બની હતી.
 
ચીની કંપનીઓએ ગધેડાની ખાલનો પુરવઠો વિદેશમાંથી મંગાવવાનું શરૂ કર્યું હતું. આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને એશિયાના કેટલાક વિસ્તારોમાં ગધેડાંના કતલખાનાં સ્થાપવામાં આવ્યાં હતાં.
 
આફ્રિકામાં તેનાથી વેપાર બાબતે જોરદાર ખેંચતાણ થઈ હતી.
 
ઈથિયોપિયામાં ગધેડાંના માંસનો વપરાશ નિષિદ્ધ છે. ઈથિયોપિયામાં આવેલા ગધેડાંના બે પૈકીનું એક કતલખાનું જાહેર વિરોધ તથા સોશિયલ મીડિયાના આક્રોશને લીધે 2017માં બંધ કરવામાં આવ્યું હતું.
 
તાંઝાનિયા અને આઇવરી કોસ્ટ સહિતના દેશોએ ગધેડાંની કતલ તથા તેની ખાલની નિકાસ પર 2022માં પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ ચીનના પાડોશી પાકિસ્તાને એ વેપારને આવકાર્યો છે. મીડિયા અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં “કેટલીક ઉત્તમ ઓલાદના” ઉછેર માટે દેશના પ્રથમ “સત્તાવાર ગર્દભ સંવર્ધન ફાર્મ”ની સ્થાપનાની જાહેરાત ગયા વર્ષના અંતે કરવામાં આવી હતી.
 
આ મોટો બિઝનેસ છે. યુનિવર્સિટી ઑફ સિડનીના ચીન-આફ્રિકા સંબંધોના વિશેષજ્ઞ પ્રોફેસર લોરેન જોનસ્ટોનના જણાવ્યા મુજબ, ચીનમાં 2013માં ઈજિયાઓનું અંદાજિત માર્કેટ 3.2 અબજ ડૉલરનું હતું, જે 2020માં વધીને 7.8 અબજ ડૉલરનું થયું હતું.
 
જાહેર આરોગ્ય અધિકારીઓ, પશુ કલ્યાણ પ્રચારકો અને આંતરરાષ્ટ્રીય અપરાધ તપાસકર્તાઓ માટે પણ તે ચિંતાનો વિષય બન્યું છે. ગધેડાંની ખાલના શિપમેન્ટનો ઉપયોગ અન્ય ગેરકાયદે વન્યજીવન ઉત્પાદનોની હેરફેર માટે કરવામાં આવતો હોવાનું એક સંશોધનમાં જાણવા મળ્યું છે. ઘણાને ચિંતા છે કે આ વેપાર પર રાષ્ટ્રીય પ્રતિબંધ મૂકવાથી તે વધારે ગુપ્ત રીતે ચાલતો રહેશે.
 
જૂનાગઢના એ સિંઘમ સુલતાન જેમણે સિંહોને મરતા બચાવ્યા
ગધેડાંની ખાલમાંથી ઈજિયાઓ બનાવવાનો અબજોનો વેપાર
 
ઈજિયાઓ એક પ્રાચીન ઉપચાર છે જે ખોરાક, પ્રવાહી અથવા ગોળીઓના રૂપમાં આવે છે
 
દેશના નેતાઓ માટે પાયાનો સવાલ એ છે કે વિકાસશીલ અર્થતંત્ર માટે જીવતાં ગધેડાં વધુ મૂલ્યવાન છે કે મૃત?
 
સ્ટીવ કહે છે, “મારા સમુદાયના મોટાભાગના લોકો નાના ખેડૂત છે અને તેઓ માલ વેચવા માટે ગધેડાંનો ઉપયોગ કરે છે.” મેડિસિનના અભ્યાસની સ્કૂલ ફી ચૂકવવા તેઓ પાણી વેચીને પૈસા બચાવતા હતા.
 
ડોન્કી સૅન્ક્ચ્યૂઅરીના પશુચિકિત્સક ફેઈથ બર્ડન કહે છે, પશુઓ વિશ્વના ઘણા પ્રદેશોમાં ગ્રામીણ જીવનનો મહત્ત્વનો હિસ્સો છે. ગધેડું મજબૂત, અનુકૂલનશીલ પ્રાણી છે. “ગધેડું કદાચ 24 કલાક સુધી પાણી પીધા વિના આગળ વધી શકે છે અને કોઈ પણ સમસ્યા વિના ઝડપથી રીહાઈડ્રેટ થઈ શકે છે.”
 
જોકે, તમામ સદ્ગુણો હોવા છતાં ગધેડાં સરળતાથી પ્રજનન કરતાં નથી. તેથી તેમને બચાવવાની ઝુંબેશ કરાનારા લોકોને ડર છે કે તેમની ખાલના વેપારને નિયંત્રિત નહીં કરવામાં આવે તો ગધેડાંની વસ્તીમાં ઘટાડો થશે અને વધુ ગરીબ લોકો આજીવિકા અને ભરોસાપાત્ર સાથીદારથી વંચિત રહેશે.
 
ઓન્યાન્ગો કહે છે, “આપણે ગધેડાંનો ઉછેર સામૂહિક કતલ માટે ક્યારેય કર્યો નથી.”
 
પ્રોફેસર જોનસ્ટનના કહેવા મુજબ, ગધેડાં હજારો વર્ષોથી “ગરીબોનું વહન કરતા રહ્યાં છે. તેઓ બાળકો, સ્ત્રીઓનું વહન કરે છે અને જીસસનાં પત્ની મેરી ગર્ભવતી હતાં ત્યારે તેમનું વહન પણ કર્યું હતું.”
 
તેઓ ઉમેરે છે, “ગધેડાંને લઈ જવામાં આવે છે ત્યારે તેની સૌથી માઠી અસર સ્ત્રીઓ અને છોકરીઓને થાય છે. ગધેડો લઈ જવામાં આવે પછી મહિલાએ ફરીથી ગધેડાંની જેમ ભાર વેંઢારવો પડે છે.” કડવી વાસ્તવિકતા એ છે કે ઈજિયાઓનું માર્કેટિંગ મુખ્યત્વે શ્રીમંત ચીની મહિલાઓને કરવામાં આવે છે.
 
પેંગોલિનઃ આ પ્રાણીનો વિશ્વમાં સૌથી વધુ શિકાર શા માટે કરવામાં આવે છે?
 
એક ચાઈનીઝ ટીવી ડ્રામા 'એમ્પ્રેસીસ ઇન ધ પેલેસ'માં ઈજિયાઓ દર્શાવવામાં આવ્યું હતું
આ ઔષધ હજારો વર્ષ જૂનું છે. લોહીને મજબૂત બનાવવાથી માંડીને ઊંઘમાં મદદ અને પ્રજનનક્ષમતા વધારવા સહિતના તેને અસંખ્ય ફાયદા હોવાનું માનવામાં આવે છે. 2011ના ‘ઍમ્પ્રેસીસ ઑફ ધ પૅલેસ’ નામના ચીની ટીવી શોએ આ ઔષધની પ્રોફાઇલ બનાવી હતી.
 
પ્રો. જોનસ્ટન કહે છે, “તે ચતુરાઈભર્યું પ્રોડક્ટ પ્લેસમૅન્ટ હતું. એ કાર્યક્રમમાં મહિલાઓ સુંદર તથા સ્વસ્થ રહેવા, તેમની ત્વચા અને પ્રજનનક્ષમતા માટે દરરોજ ઈજિયાઓનું સેવન કરતી હતી. તે ભદ્ર નારીત્વની પ્રોડક્ટ બની ગઈ. વિધિની વક્રતા એ છે કે તે હવે અનેક આફ્રિકન મહિલાઓના જીવનનો વિનાશ કરી રહી છે.”
 
24 વર્ષના સ્ટીવને ચિંતા છે કે તેણે ગધેડાં ગુમાવ્યા ત્યારથી જીવન અને આજીવિકા પરનું નિયંત્રણ પણ ગુમાવ્યું છે. એ કહે છે, “હું અત્યારે ફસાયેલો છું.”
 
નૈરોબીની સ્થાનિક પ્રાણી કલ્યાણ સખાવતી સંસ્થા ચેરિટી બ્રૂક સ્ટીવ જેવા યુવા લોકો માટે ગધેડાં શોધવાનું કામ કરી રહી છે. આ એવા યુવા લોકો છે, જેમને કામ અને શિક્ષણની જરૂર છે.
 
ડોન્કી સૅન્ક્ચ્યૂઅરીના જેન્નેક મર્ક્સના કહેવા મુજબ, જેટલા વધુ દેશો ગધેડાંને બચાવવા કાયદો ઘડશે એટલા જ પ્રમાણમાં ગધેડાંની ખાલનો વેપાર મુશ્કેલ બનશે.
 
તેઓ કહે છે, “અમે ઈચ્છીએ છીએ કે ઈજિયાઓનું ઉત્પાદન કરતી કંપનીઓ ગધેડાંની ખાલની આયાત સદંતર બંધ કરે અને સેલ્યુલર એગ્રીકલ્ચર (લેબોરેટરીમાં કોલેજનનું ઉત્પાદન) જેવા તેના ટકાઉ વિકલ્પોમાં રોકાણ કરે. તે પહેલાંથી જ સલામત અને અસરકારક રીત છે.”
 
ડોન્કી સૅન્ક્ચ્યૂઅરીના નાયબ વડા ફેઈથ બર્ડન ગધેડાની ખાલના વેપારને “અમાનવીય” ગણે છે.
 
તેઓ કહે છે, “ગધેડાંની ચોરી કરવામાં આવી રહી છે. તેમને હજારો માઈલ ચલાવીને લઈ જવામાં આવે છે, પશુઓથી ખીચોખીચ ઢોરવાડામાં રાખવામાં આવે છે. એ પછી બીજા ગધેડાંની નજર સામે તેમની કતલ કરવામાં આવે છે. આપણે તેમના માટે અવાજ ઉઠાવીએ એવું ગધેડાં ઇચ્છે છે.”
 
બ્રુકે હવે સ્ટીવને એક ગધેડી આપી છે. સ્ટીવે તેનું નામ 'જોય લકી' રાખ્યું છે, કારણ કે એ ગધેડી મેળવવા બદલ સ્ટીવ પોતાને ભાગ્યશાળી માને છે અને આનંદિત છે.
 
સ્ટીવ કહે છે, “જોય લકી મારાં સપનાંને સાકાર કરવામાં મદદ કરશે, એ હું જાણું છું અને તે સલામત રહે એ હું સુનિશ્ચિત કરીશ.”

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

Earthquake In Mount Abu: રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ભૂકંપના આંચકા, વિસ્તારમાં ભયનો માહોલ

Video : એંજિન અને કોચની વચ્ચે દબાયો રેલ કર્મચારી, વીડિયો જોઈને કાંપે જશો

સૌથી વધુ ટેક્સ ચૂકવનાર મુંબઈની શુ કેન્દ્ર દ્વારા થઈ રહી છે ઉપેક્ષા, ચૂંટણીમાં જનતાની શું છે અપેક્ષાઓ?

રિટાયરમેંટ વખતે બે કરોડ રૂપિયાની મૂડી કઈ રીતે મેળવી શકો?

200 રૂપિયા આપીને SDM પ્રાઈવેટ પાર્ટની કરાવતો હતો મસાજ

આગળનો લેખ
Show comments