Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારત માટે શુંશું બદલાશે?

Webdunia
શુક્રવાર, 20 નવેમ્બર 2020 (16:38 IST)
અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડન વ્હાઇટ હાઉસ પહોંચશે પછી ભારત અને અમેરિકા સાથેના સંબંધો પર શું બદલાવ આવશે? આ સવાલ રાજકીય વર્તુળોમાં સપાટી પર આવવા લાગ્યો છે.
 
દરમિયાન મંગળવારે વડા પ્રધાન મોદીએ જો બાઇડન સાથે ફોન પર વાતચીત કરી હતી.
 
વાતચીત વિશે જણાકારી આપતા વડા પ્રધાને ટ્વિટર પર લખ્યું, "બાઇડનને શુભેચ્છા પાઠવી. અમે ભારત-અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી માટે કટિબદ્ધતા જાહેર કરી અને અમારા સંયુક્ત પ્રાધાન્ય ધરાવતા મુદ્દાઓ પર વાતચીત કરી. તેમાં કોવિડ-19 મહામારી, જળવાયુ પરિવર્તન અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પરસ્પર સહયોગની વાત સામેલ છે."
 
વડા પ્રધાને નવાં ચૂંટાયેલા ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે પણ વાત કરી. મોદીના ટ્રમ્પ સાથે સારા સંબંધો રહ્યા છે અને તેને લઈને ક્યાસ લગાવવામાં આવતો કે બાઇડન સાથેના સંબંધો વધુ ઔપચારિકતાવાળા રહેશે.
 
જોકે વિશ્લેષકોનું માનવું છે કે બંને દેશો કારોબારી સ્તર પર ગત બે દાયકામાં એટલા નજીક આવી ચૂક્યા હતા કે પાછળ નથી હઠી શકાતું.
 
બાઇડન અને કમલા હેરિસના હાથમાં અમેરિકાની કમાન હાથમાં આવ્યા બાદ અમેરિકા અને ભારતના સંબંધો કેટલા પ્રભાવિત થશે આ મુદ્દે ઇન્ડિ અમેરિકન ફ્રૅન્ડશિપ ઍસોસિયેશને એક વર્ચ્યુઅલ સેમિનારનું આયોજન કર્યું હતું.
 
આ ચર્ચામાં ઇન્ડો અમેરિકન ફ્રૅન્ડશિપ ઍસોસિયેશના સંસ્થાપક અધ્યક્ષ અને પૂર્વ રાજદૂત સુરેન્દ્ર કુમારે કહ્યું, "બાઇડન-હેરિસના નેતૃત્વમાં અમેરિકા અને ભારતના સંબંધ વધુ સારા થશે. સ્ટાઇલ ભલે બદલાશે પણ મૂળ સ્વરૂપ એવું જ રહેશે. પરસ્પર કારોબાર થશે પણ એક બદલાવ એ થશે કે હવે અમેરિકાની વિદેશનીતિના નિર્ણયો ટ્વિટર પર નહીં થાય."
 
વળી પૂર્વ રાજદૂત રોનેન સેને પણ બંને દેશો વચ્ચે પરસ્પર સંબંધો સુધરવાની આશા વ્યક્ત કરી છે.
 
રોનેન સેને કહ્યું,"મને લાગે છે કે બાઇડન વિદેશનીતિ મામલે એ જ બાબતોને આગળ વધારશે તે ડોનાલ્ડ ટ્રમ્પના સમયથી ચાલે છે. બની શકે વલણ થોડું બદલાય પરંતુ સ્થિતિ સામાન્યપણે એવી જ રહેશે."
 
રોનેન સેનને તેમના કાર્યકાળ દરમિયાન જ્યૉર્જ બુશ ,બરાક ઓબામા અને જો બાઇડન સાથે મળવાની તક મળી હતી પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પને તેઓ એક જ વખત મળ્યા છે.
 
પણ તેમને લાગે છે કે ટ્રમ્પ સમયે જે અમેરિકાની વિદેશનીતિ રહી તેને જ બાઇડન આગળ વધારશે કેમ કે છેલ્લા બે દાયકાથી અમેરિકાએ વિદેશનીતિમાં કોઈ બદલાવ નથી કર્યો.
 
વળી અમેરિકી અને ભારતના પરસ્પર સંબંધો કેવા હશે તેનો આધાર ચીન-અમેરિકા વચ્ચેના સંબંધો સાથે જોડીને જોવામાં આવે છે.
 
આ વિશે રોનેન સેનનું માનવું છે, "આ બાબત પર ભારતની નજર હશે. અમેરિકા ચીન સાથે પ્રતિસ્પર્ધા પણ કરી રહ્યું છે અને તેને કાઉન્ટર પણ કરી રહ્યું છે. પરંતુ સંઘર્ષની સ્થિતિ નહીં થાય."
 
"વળી જિયૉપોલિટિકલ નજરથી પણ ભારત અમેરિકા માટે મહત્ત્વનું રહેશે પરંતુ ચીનના મામલે તે આપણા ક્ષેત્રીય દાવા પર સાથ નહીં આપે અને આપણા માટે સેનાની તહેનાતી પણ નહીં કરે."
 
જોકે સેન માને છે કે રક્ષામામલે સહયોગ વધી શકે છે. તેમના અનુસાર છેલ્લાં ચાર વર્ષોમાં આ ક્ષેત્રમાં સારી પ્રગતિ થઈ છે. જોકે હજુ ઘણી બાબતો પડતર છે.
 
વર્ષ 2005માં બંને દેશો વચ્ચે થયેલી સમજૂતિનું સંપૂર્ણ પાલન નથી થયું.
 
1987થી બંને દેશો વચ્ચે રક્ષાક્ષેત્રમાં સહયોગ વધવાની શરૂઆત થઈ હતી. રક્ષામામલે ભારત અમેરિકાના સૌથી નિકટના સહયોગીઓમાં સામેલ છે.
 
જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ
મેજર જનરલ અશોક મહેતા અનુસાર ભારત અને અમેરિકાનો હાલનો સંબંધ 1970ના દાયકાના ભારત-સોવિયેત સંઘની મિત્રતાથી પણ સારી સ્થિતિમાં પહોંચી ગયો છે.
 
તેઓ જણાવે છે કે 1975માં ભારત અને અમેરિકા વચ્ચે માત્ર એક સૈન્ય પ્રશિક્ષણકાર્યક્રમ સંચાલિત થતો હતો અને આજની તારીખમાં બંને દેશો વર્ષમાં 300 સૈન્યઅભ્યાસ એક સાથે કરે છે.
 
મેજર જનરલ અશોક મહેતા કહે છે,"ડિફેન્સ ટેકનૉલૉજીમાં અમેરિકા સાથે ભારતના સંબંધો સારા થયા છે પરંતુ હજુ પણ બંને દેશો વચ્ચે ખરીદી અને વિક્રેતાની સ્થિતિ બનેલી છે."
 
"સૈન્યતકનિકના ટ્રાન્સફર અને મેક ઇન ઇન્ડિયાની દિશામાં કોઈ કામ નથી થયું. બાઇડનના કાર્યકાળ દરમિયાન ભારતને આ દિશામાં કામ કરવુ જોઈએ."
 
મેજર જનરલ મહેતા અનુસાર હજુ પણ ભારતના સૈન્ય ઉપકરણોનો 80 ટકા હિસ્સો રશિયન મૉડલ પર આધારિત છે. જે રશિયાથી આયાત થાય છે. અમેરિકા તેમાં બદલાવ ઇચ્છશે.
 
વળી ચીન સામે બાઇડન એક મજબૂત ભારત ઇચ્છશે આથી ભારતે તકનિકટ્રાન્સફર મામલે ભાર મૂકવો પડશે.
 
ઇઝરાયલ, ફ્રાન્સ અને અમેરિકામાં ભારતના રાજદૂત રહી ચૂકેલા અરુણકુમાર સિંહ અનુસાર જો બાઇડન અને કમલા હેરિસ પ્રશાસનની પાકિસ્તાન સાથે રણનીતિ એવી જ રહેશે જેવી ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના સમયે હતી.
 
અરુણ કુમાર સિંહ કહે છે,"ડોનાલ્ડ ટ્રમ્પ ઘણી વાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતાની વાત કરી ચૂક્યા છે પરંતુ બાઇડન આવું નહીં કરે કેમ કે તેઓ ભારતની સ્થિતિને સમજે છે."
 
"ચીન સાથે બાઇડન-હેરિસના સંબંધો પણ એવા જ રહેશે જેવા ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં હતા પરંતુ રીત બદલાઈ શકે છે."
 
અરુણકુમાર સિંહ અનુસાર,"રશિયા વિશે અમેરિકામાં ધારણા છે કે વર્ષ 2016માં સોશિયલ મીડિયા મારફતે રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પને મદદ કરી હતી."
 
"રશિયા સાથે બાઇડનના સંબંધો એટલા મધુર નથી. જોકે ટ્રમ્પે કેટલાય યુરોપિયન દેશોની ટીકા કરી, નાટોની પણ ટીકા કરી હતી. પરંતુ બાઇડન યુરોપ સાથે પોતાના સંબંધો સારા રાખવા માગે છે."
 
"તેની ઝલક એનાથી પણ મળે છે કે તેમણે ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ સૌથી પહેલાં ફોન બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીના પ્રીમિયરને કર્યો. તેઓ ચીન સામે યુરોપિયન દેશોને પોતાની તરફે લાવવા કોશિશ કરશે."
 
"ઈરાન સાથે બાઇડન માટે મુશ્કેલી રહેશે કેમ કે તેઓ ટ્રમ્પની નીતિઓ પર નહીં ચાલે અને નવી સમજૂતિ કરી શકે છે. આથી લાગે છે કે હાલની સમજૂતિમાં જ સંશોધન કરશે. ઇઝરાયલ સાથે બાઇડન ટ્રમ્પ જેવું વલણ નહીં અપનાવે."
 
વળી એવા ક્યાસ પણ લગાવાવમાં આવી રહ્યા છે કે બાઇડન વિઝા મુદ્દે ટ્રમ્પ કરતાં ઓછું આકરું વલણ અપનાવશે.
 
એટલે કે સ્કિલ્ડ અને પ્રોફેશનલ કર્મચારી માટે અમેરિકાના દરવાજા બંધ નહીં થશે. જોકે આ વાત અમેરિકાની ઘરેલુ સ્થિતિ પર નિર્ભર કરશે.
 
આ વર્ષે 15 ઑગસ્ટે બાઇડને પોતાના સંબોધનમાં ભારતીય અમેરિકન લોકોને એકબીજાની પડખે ઊભા રહેવા કહ્યું હતું.
 
અરુણકુમાર સિંહ કહે છે,"આશા કરી શકાય છે કે બાઇડન-હેરિસ પ્રશાસનમાં ઘણા ભારતીય અમેરિકીઓને જગ્યા મળશે."
 
પરંતુ એવં પણ માનવામાં આવે છે કે જો બાઇડન અને કમલા હેરિસ પ્રશાસનની પ્રાથમિકતા કોવિડની સમસ્યાના નિદાન પર હશે અને તેઓ ભારત સહિત દુનિયાના તમામ દેશો સાથે સહયોગ વધારશે.
 
એક સફળ વૅક્સિન સહયોગ તૈયાર કરવા તરફ તેઓ ધ્યાન આપશે.
 
ત્યાર પછી તેમનું ધ્યાન અર્થવ્યવસ્થાની રિકવરી પર થશે અને ભારતે તેમાં પોતાની ભૂમિકા જોવી પડશે.
 
જોકે ટ્રમ્પ અને મોદી વચ્ચેની મિત્રતા છતાં વાસ્તવિકતા એ છે કે ટ્રૅડ મામલે ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો એટલા આગળ નથી વધી શક્યા.
 
રોનેન કહે છે,"ભારતને અમેરિકા સાથે એએફટી એટલે કે ફ્રી ટ્રૅડ ઍગ્રિમેન્ટનો દરજ્જો નથી મળ્યો."
 
"જૂન-2019માં જનરલ સિસ્ટમ ઑફ પ્રૅફરન્સની લિસ્ટ બહાર આવ્યા બાદ ભારતને ફરીથી લિસ્ટમાં જગ્યા મળી ગઈ હોત પણ હજુ પણ અમેરિકા ભારત પાસેથી સામાનની આયાત કરે છે તેમાં માત્ર 10 ટકાનો જ હિસ્સો ડ્યૂટી ફ્રી શ્રેણીમાં રાખવામાં આવે છે, જેને વધારવાની જરૂર છે."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

યોગી આદિત્યનાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પર નિવેદન આપ્યું

સ્પેનમાં આવેલા ભયાનક પૂર પછી રસ્તા પર ઉતર્યા લોકો

દિલ્હીમાં ‘અતિશય ખરાબ’ શ્રેણીમાં પહોંચ્યું પ્રદૂષણ, પાકિસ્તાનમાં પણ હવા ખરાબ

યુવકે પરિણીત યુવતીને હોટલમાં બોલાવી, કહ્યું- હું તારી સાથે છું..., પછી જે થયું તે માનવામાં નહીં આવે

હિજાબ પછી દાઢી પર હંગામો! કોલેજના નિયમોને લઈને કેમ થયો વિવાદ? મુખ્યમંત્રીએ દરમિયાનગીરી કરી

આગળનો લેખ
Show comments