એક તરફ કોરોનાકાળમાં ઐતિહાસિક બનેલી પશ્ચિમ બંગાળની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને બીજી તરફ દેશભરમાં કોરોના કેર વર્તાવી રહ્યો છે.
27 માર્ચથી 29 એપ્રિલ દરમિયાન 34 દિવસમાં યોજાયેલી, આઠ તબક્કાની પશ્ચિમ બંગાળની ચૂંટણી ભારતમાં સૌથી લાંબી વિધાનસભા ચૂંટણી બની રહી.
ચૂંટણી અગાઉનો પ્રચારનો સમય પણ ગણી લઈએ તો અંદાજે બે મહિના સુધી પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમી છવાયેલી રહી.
આ સમયમાં રાજકીય ગરમી તો જાણે કે વધી જ પણ કોરોનાનો વ્યાપ પણ વધ્યો અને સંક્રમણમાં તેજી આવી.
ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં જ્યારે ચૂંટણી પંચે મતદાનની તારીખોનું એલાન કર્યું ત્યારે પશ્ચિમ બંગાળમાં દરરોજ 200થી ઓછા કોરોના પૉઝિટિવ કેસ સામે આવી રહ્યા હતા.
મતદાનના આખરી તબક્કા સુધીમાં દરરોજનો કોરોના કેસનો આંકડો 900 ટકા વધીને 17,500 પર પહોંચી ગયો.
બે માર્ચ 2021ના રોજ પશ્ચિમ બંગાળમાં કોરોના પર એટલું નિયંત્રણ આવી ગયું હતું કે એક પણ વ્યક્તિનું મોત નોંધાયું નહોતું.
આના બે મહિના બાદ, 2 મે 2021ના રોજ મતગણતરીને દિવસે પશ્ચિમ બંગાળમાં મરણાંક 100ને પાર કરી ગયો. આ એ સમય હતો જ્યારે આખા દેશમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધ્યું હતું.
મહારાષ્ટ્ર સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્ય બન્યું, જ્યાં ચૂંટણી નહોતી થઈ રહી.
પશ્ચિમ બંગાળમાં મતદાનના પાંચમા તબક્કા અગાઉ મહારાષ્ટ્રમાં કુલ 60 હજાર કેસનું ઉદાહરણ આપીને ગૃહમંત્રી અમિત શાહે ઇન્ડિયન એક્સપ્રેસ સમાચારપત્રને એક મુલાકાતમાં કહ્યું હતું કે, કોરોના સંક્રમણને ચૂંટણીરેલીઓ સાથે જોડવું ઠીક નથી.
પંરતુ જો પ્રચાર અને મતદાનનો સમય જોવામાં આવે તો, આ દરમિયાન ચૂંટણીવાળા પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ જેવાં રાજ્યોમાં દરરોજના કોરોના કેસ મહારાષ્ટ્ર જેવાં રાજ્યોની સરખામણીએ ખૂબ ઝડપથી વધ્યા છે.
જવાબદાર કોણ?
તો પશ્ચિમ બંગાળની બગડી રહેલી સ્થિતિ માટે ચૂંટણી પંચ, રાજકીય નેતાઓ કે આમ જનતા કોને જવાબદાર માનવામાં આવે?
ચૂંટણીપ્રચારમાં હજારો લોકોની ભીડવાળી રેલીઓ અને રોડ શો આયોજિત કરવામાં આવ્યાં.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં 18 રેલીઓ કરી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાએ 30 રેલી કરી, કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બે રેલી કરી અને મુખ્ય મંત્રી મમતા બેનરજીએ આશરે 100 રેલી કરી.
આમાં બે ગજનું અંતર રાખવું અશક્ય હતું, પરંતુ મોટા ભાગના લોકોએ માસ્ક પણ નહોતાં પહેર્યાં.
પશ્ચિમ બંગાળ ડૉક્ટર્સ ફોરમે માર્ચમાં જ ચૂંટણી પંચ અને રાજ્ય સરકારને પત્ર લખીને ચેતવણી આપી હતી કે જો નિયમોનો કડક અમલ નહીં કરાવાય તો સંક્રમણ ઝડપથી ફેલાવાનો ખતરો છે.
ફોરમના સંસ્થાપક અને સચિવ ડૉ. કૌશિક ચાકીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ગ્રામીણ અને નાનાં શહેરમાં રહેનારાં લોકો આગળ સ્ટાર પ્રચારક, દેશના વડા પ્રધાન અને રાજ્યનાં મુખ્ય મંત્રી આવીને મત માગે તો એ લોકો સાંભળવા માટે આવે જ પરંતુ પોતાના નિર્દેશોનું પાલન રાજકીય પાર્ટીઓ પાસે કેવી રીતે કરાવવું તે ચૂંટણી પંચે જોવાનું હતું."
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાઇજિન ઍન્ડ પબ્લિક હેલ્થનાં નિર્દેશક ડૉ. મધુમિતા ડોબે કહે છે, દરેક રેલીથી સંક્રમણ એટલું જ થયું હોય એ જરૂરી નથી પરંતુ જાણકારીને અભાવે ફક્ત આકલન લગાવી શકાય છે.
ડૉ. ડોબે મુજબ, "જ્યાં સુધી રેલીઓમાંથી પરત ફરનારાં લોકોનો ટેસ્ટ ન કરવામાં આવે ત્યાં સુધી ચોક્કસ રીતે કંઈ ન કહી શકાય. કોઈ એક રેલી સુપરસ્પ્રેડર બની ગઈ હોય અને એ લોકોમાં સંક્રમણ ફેલાયું હોય એમ બની શકે છે."
"ગ્રામીણ વિસ્તારોમાં ટેસ્ટિંગનો દર અને તેની ઓછી સુવિધાઓને જોતાં આપણને પૂરું અનુમાન ભાગ્યે જ જલદી મળી શકે."
કઈ રાજકીય પાર્ટીએ શું કર્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં ભાજપના ચૂંટણીપ્રચારની શરૂઆત 7 માર્ચે કોલકાતામાં એક વિશાળ રેલી સાથે કરી હતી.
એક મહિના સુધી તમામ પાર્ટીઓના નેતાઓ રેલીઓ, રોડ શો, સભાઓ કરતા રહ્યા, ત્રણ તબક્કાનું મતદાન થઈ ગયું.
એ પછી 9 એપ્રિલે ચૂંટણી પંચે પહેલી વાર ચેતવણી આપી કે કોરોના સંક્રમણને રોકવા માટે નક્કી કરવામાં આવેલા નિયમોનું પાલન નહીં થાય તો રેલીઓ પર રોક લગાવવામાં આવી શકે છે.
ત્યાં સુધી દૈનિક કોરોના કેસની સંખ્યા 200થી વધીને 2000 સુધી પહોંચી ગઈ હતી.
આખરે ચોથા તબક્કાના મતદાન પછી 14 એપ્રિલે સીપીઆઈ(એમ) રાજકીય પાર્ટીએ મોટી ચૂંટણી રેલીઓ બંધ કરવાની જાહેરાત કરી. આમ કરનાર તે પ્રથમ પાર્ટી હતી.
પાર્ટીના વરિષ્ઠ નેતા મોહમ્મદ સલીમે કહ્યું, "અમે પ્રચાર માટે ઘરે-ઘરે જઈશું અને કોવિડ નિયમોને ધ્યાનમાં રાખી નાની બેઠકો કરીશું."
આના બીજા દિવસે મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ચૂંટણીપંચને ટ્વીટમાં અપીલ કરી કે કોરોના સંક્રમણને ધ્યાને લઈને બાકીના તબક્કાઓની ચૂંટણીનું મતદાન એક સાથે કરાવવામાં આવે.
જોકે, ભારતીય જનતા પાર્ટીએ આનો વિરોધ કર્યો અને ચૂંટણીપંચને પત્ર લખીને કહ્યું કે,"તમામ ઉમેદવારોને લડવાનો એક સમાન મોકો મળે એ માટે ચૂંટણી ઘોષિત તારીખોમાં થાય એ જરૂરી છે."
પાંચમા તબક્કાનું મતદાન પણ થઈ ગયું. હવે રાજ્યમાં દરરોજ 6થી 7 હજાર કોરોના કેસ નોંધાઈ રહ્યા હતા.
બીજે દિવસે, 17 એપ્રિલના રોજ સીપીઆઈ(એમ) સાથે ગઠબંધન કરનાર કૉંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરી પશ્ચિમ બંગાળમાં પોતાની તમામ રેલીઓ સ્થગિત કરવાનું એલાન કર્યું.
એમણે તમામ પાર્ટીઓને આવું કરવાની અપીલ પણ કરી.
એ જ સાંજે તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયને પણ ટ્વીટ કરીને જાહેરાત કરી કે મમતા બેનરજીએ મોટી રેલીઓ નહીં કરવાનો નિર્ણય લીઘો છે.
મમતા બેનરજીએ કહ્યું કે તેઓ નાની બેઠકો કરશે અને ત્રણ તબક્કાનું મતદાન જે જિલ્લાઓમાં બાકી છે, ત્યાંની રેલીઓમાં ટૂંકું ભાષણ આપશે.
એ જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસનસોલ અને ગંગારામપુરમાં મોટી રેલીઓને સંબોધિત કરી.
ભારતમાં આ અગાઉના દિવસે 16 એપ્રિલે બે લાખથી વધારે કોરોના કેસ નોંધાયા હતા અને એક જ દિવસમાં મૃત્યુનો આંકડો એક હજારને પાર કરી ગયો હતો.
આસનસોલમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, "આજે તમે લોકોએ જે દમ દેખાડ્યો છે, જ્યાં સુધી નજર પહોંચે છે ત્યાં સુધી લોકો જ લોકો છે, આવો નજારો મેં અગાઉ કદી નથી જોયો."
એ જ દિવસે ચૂંટણી પંચે સાંજે સાત વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધી રેલીઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો અને મતદાન અગાઉના સાયલન્સ પિરિયડને 48 કલાકથી 72 કલાક કરી દીધો હતો.
આ પગલાઓને મામૂલી ગણાવવામાં આવ્યાં અને મોટી રેલીઓ નિયમાનુસાર ચાલુ જ રહી હતી.
20 એપ્રિલે ફરી તૃણમૂલ કૉંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખીને બાકી ત્રણ તબક્કાનું મતદાન એક સાથે કરાવવાની માગણી કરી હતી. પરંતુ ચૂંટણી એમ જ ચાલતી રહી અને 22 એપ્રિલના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન થયું.
22 એપ્રિલની સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને પોતાની આગલા દિવસે થનારી રેલી રદ કરવાનું એલાન કર્યું હતું.
એમણે કહ્યું, "એમને એના બદલે કોરોના સંક્રમણ અટકાવવા માટેની એક બેઠકની અધ્યક્ષતા કરવાની છે."
"એ દિવસે પશ્ચિમ બંગાળમાં એક જ દિવસમાં 10 હજારથી વધારે લોકો કોરોના પૉઝિટિવ મળી આવ્યાં હતા."
વડા પ્રધાનની જાહેરાતના એક કલાક પછી ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં રેલીઓ, પદયાત્રાઓ, રોડ શો પર પ્રતિબંધ લાદ્યો અને સભાઓમાં સંખ્યાને 500 સુધી નક્કી કરી.
આ આદેશ 23 એપ્રિલની સાંજથી લાગુ થયો. 26 એપ્રિલની સાંજે 6.30 વાગે ચૂંટણીપ્રચારનો સમય આમ પણ પૂરો થવાનો હતો.