લોકસભા ચૂંટણી માટે આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો પર આજે છઠ્ઠા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. આ સાથે જ દેશની કુલ 486 બેઠકો પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
પહેલા પાંચ તબક્કામાં વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી માટે થયેલા મતદાનની સરખામણીમાં સરેરાશ ઓછું મતદાન થયું છે.
બિહારની કુલ આઠ બેઠકો વાલ્મીકિનગર, પશ્ચિમ ચંપારણ, પૂર્વી ચંપારણ, શિઓહર, વૈશાલી, ગોપાલગંજ, સિવાન અને મહારાજગંજ પર આજે છઠ્ઠા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે.
હરિયાણાની તમામ 10 બેઠકો પર આ તબક્કામાં એકીસાથે જ મતદાન થશે. તેમાં અંબાલા, કુરુક્ષેત્ર, સિરસા, હિસાર, કરનાલ, સોનીપત, રોહતક, ભિવાની-મહેન્દ્રગઢ, ગુરુગ્રામ, ફરીદાબાદનો સમાવેશ થાય છે.
દિલ્હીની સાતેય બેઠકો ચાંદનીચોક, નવી દિલ્હી, નોર્થ-ઇસ્ટ દિલ્હી, ઇસ્ટ દિલ્હી, નોર્થ-વેસ્ટ દિલ્હી, વેસ્ટ દિલ્હી અને સાઉથ દિલ્હી પર પણ આજે મતદાન થઈ રહ્યું છે.
ઝારખંડની ચાર બેઠકો પર પણ છઠ્ઠા તબક્કામાં મતદાન શરૂ છે. તેમાં ગિરિડીહ, રાંચી, જમશેદપુર અને ધનબાદનો સમાવેશ થાય છે.
ઓડિશાની સંબલપુર, કિઓનઝર, ધેનકનાલ, પુરી, ભુવનેશ્વર અને કટક એમ છ બેઠકો પર આજે મતદાન છે.
ઉત્તર પ્રદેશ માટે પણ આ તબક્કો ઘણો મહત્ત્વપૂર્ણ છે. છઠ્ઠા તબક્કામાં અહીંની 14 બેઠકો પર મતદાન થશે. તેમાં સુલતાનપુર, પ્રતાપગઢ, ફુલપુર, અલાહાબાદ, આંબેડકરનગર, ડુમરિયાગંજ, સંત કબીરનગર, લાલગંજ, આઝમગઢ, જૌનપુર, મછલીશહર, ભદોહી, શ્રાવસ્તી અને બસ્તી સમાવિષ્ટ છે.
પશ્ચિમ બંગાળની આઠ બેઠકો તામલુક, કાંથી, ઘટાલ, ઝારગ્રામ, મેદિનીપુર, પુરુલિયા, બાંકુરા અને બિષ્ણુપુરમાં પણ આજે મતદાન છે.
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની અનંતનાગ-રાજૌરી બેઠક પર પણ મતદાન થઈ રહ્યું છે.
ક્યા મોટા ચહેરાઓ પર રહેશે નજર?
મેનકા ગાંધી - ઉત્તર પ્રદેશના સુલતાનપુરથી કેન્દ્રીય મંત્રી અને ભાજપનાં વરિષ્ઠ નેતા મેનકા ગાંધી ચૂંટણીમેદાને છે. તેઓ 2019માં પણ અહીંથી માત્ર 14526 મતે વિજયી બન્યાં હતાં. ભાજપે તેમને ફરી એક વાર ટિકિટ આપી છે. 2014માં તેઓ પીલીભીત બેઠકથી ચૂંટણી લડ્યાં હતાં.
આ વખતે મેનકા ગાંધીનો મુકાબલો સમાજવાદી પાર્ટીના રામભુઅલ નિષાદ સામે છે. ચૂંટણીપ્રચારના અંતિમ દિવસોમાં મેનકા ગાંધી માટે તેમના પુત્ર વરૂણ ગાંધીએ પણ પ્રચાર કર્યો હતો.
મનોહરલાલ ખટ્ટર - હરિયાણાના પૂર્વ મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરને ભાજપે કરનાલ લોકસભા બેઠકથી ટિકિટ આપી છે. તેમની સામે કૉંગ્રેસના સતપાલ બ્રહ્મચારી ચૂંટણી લડી રહ્યા છે. કરનાલ બેઠક પર ભાજપનો 2014થી કબજો રહ્યો છે. ભાજપે 2019માં આ બેઠક 6.56 લાખ માર્જિનથી જીતી હતી.
મનોહરલાલ ખટ્ટર કરનાલ વિધાનસભાથી ચૂંટાતા આવ્યા છે. તેઓ હરિયાણાની વિધાનસભાની ચૂંટણી દરમિયાન બે વખત અહીંથી ધારાસભ્ય બન્યા હતા. હરિયાણામાં ખેડૂત આંદોલનને કારણે આ વખતે ભાજપના ઉમેદવારો ભારે વિરોધનો સામનો કરી રહ્યા છે.
કનૈયાકુમાર - ઉત્તર-પૂર્વી દિલ્હીથી કૉંગ્રેસના ઉમેદવાર કનૈયાકુમાર પર સૌની નજર મંડાયેલી છે. તેમનો મુકાબલો બે-ટર્મથી સાંસદ એવા મનોજ તિવારી સામે છે. દિલ્હીમાં મનોજ તિવારી એકમાત્ર એવા સાંસદ છે કે જેમની ટિકિટ ભાજપે કાપી નથી.
મનોજ તિવારી અને કનૈયાકુમાર બંને મૂળ બિહારના છે અને તેમની નજર આ બેઠકના પૂર્વાંચલી મતદારો પર છે.
આ પહેલાં કનૈયાકુમાર બિહારના બેગૂસરાયથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમની હાર થઈ હતી. અહીં ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે તેમના માટે લાંબો રોડ-શો અને સભાઓ ગજવી હતી.
બાંસુરી સ્વરાજ - દિવંગત વિદેશ મંત્રી સુષમા સ્વરાજનાં પુત્રી બાંસુરી સ્વરાજને ભાજપે નવી દિલ્હી લોકસભાથી ટિકિટ આપી છે. હાઇ પ્રોફાઇલ ગણાતી આ બેઠક પર તેમનો મુકાબલો આમ આદમી પાર્ટીના સોમનાથ ભારતી સામે છે. સોમનાથ ભારતી માલવિય નગરથી ત્રણ વારના ચૂંટાયેલા ધારાસભ્ય છે.
નવી દિલ્હી બેઠક પરથી ભૂતકાળમાં અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, રાજેશ ખન્ના, અજય માકન વગેરે નેતાઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા.
મહેબૂબા મુફ્તી - જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તી જમ્મુ કાશ્મીરની અનંતનાગ-રાજૌરી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. તેમનો મુકાબલો નેશનલ કૉન્ફરન્સના મિલન અલ્તાફ અહેમદ સામે છે. આ બેઠક પર ભાજપ કે કૉંગ્રેસના કોઈ ઉમેદવાર લડી રહ્યા નથી.
આ બેઠક હેઠળ શોપિયાં, અનંતનાગ, કુલગામ, રાજૌરી અને પૂંછ જેવા વિધાનસભા વિસ્તારો આવે છે.
અભિજિત ગંગોપાધ્યાય - પશ્ચિમ બંગાળની તામલુક લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કલકત્તા હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ અભિજીત ગંગોપાધ્યાય સતત ચર્ચામાં છે. તેઓ રાજીનામું આપ્યા બાદ તરત જ ભાજપમાં જોડાયા હતા અને ભાજપે તેમને ટિકિટ આપી હતી.
તેમનો મુકાબલો તૃણમૂલ કૉંગ્રેસના ઉમેદવાર દેબાન્ગ્શુ ભટ્ટાચાર્ય સામે છે. 2019માં આ બેઠક તૃણમૂલ કૉંગ્રેસના ફાળે ગઈ હતી.
રાજ બબ્બર - હરિયાણાની ગુરુગ્રામ બેઠક પરથી કૉંગ્રેસે અભિનેતા રાજ બબ્બરને ટિકિટ આપી છે. રાજ બબ્બર 1989થી રાજકારણમાં છે. તેઓ ભૂતકાળમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. તેઓ જનતાદળ અને સમાજવાદી પાર્ટી સાથે ભૂતકાળમાં જોડાયેલા હતા.
ગુરુગ્રામમાં તેમનો મુકાબલો ત્રણ વખતના સાંસદ રાવ ઇન્દ્રજિતસિંહ સામે છે. 2019માં આ બેઠક ભાજપને ફાળે ગઈ હતી.