અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયોનું કહેવું છે કે અમેરિકાએ ઉત્તર સીરિયામાં તુર્કીને હુમલો કરવા માટે લીલીઝંડી આપી ન હતી.
પોમ્પિયોએ ઉત્તર-પૂર્વ સીરિયામાંથી અમેરિકી સૈનિકોને પરત બોલાવવાના ટ્રમ્પના નિર્ણયનો બચાવ પણ કર્યો હતો.
ટ્રમ્પના આ ચુકાદાની અમેરિકાની અંદર અને બહાર પણ કડક ટીકા થઈ રહી છે.
તુર્કીએ સીરિયામાં કુર્દોના નિયંત્રણવાળા વિસ્તારમાં હવાઈહુમલાઓ શરૂ કરી દીધા છે.
તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆનનું કહેવું છે કે આ હવાઈહુમલાઓનો ઉદ્દેશ સીમા પર 'ટેરર કૉરિડોર' ઊભો થતો રોકવાનો છે.
કુર્દના નેતૃત્વવાળી સીરિયન ડેમૉક્રેટિક ફોર્સનું કહેવું છે કે આ હુમલામાં ઓછામાં ઓછા બે નાગરિકનાં મૃત્યુ થયાં છે.
તુર્કીના આ હુમલાથી કુર્દોના નેતૃત્વવાળા અમેરિકન ગઠબંધન સાથે સંઘર્ષ વધી શકે છે.
ગઠબંધને કહ્યું કે સીમાપાર તુર્કીની કોઈ પણ કાર્યવાહીનો જવાબ આપવામાં આવશે.
સીરિયામાં ઇસ્લામિક સ્ટેટને હરાવવામાં કુર્દ લડાકુઓ અમેરિકાના મુખ્ય સહયોગી રહ્યા છે.
કુર્દો પોતાના નિયંત્રણવાળા વિસ્તારોમાં બનેલી જેલોમાં બંધ હજારો ઇસ્લામિક સ્ટેટના ઉગ્રવાદીઓ અને તેમના સંબંધીઓ પર નજર રાખે છે.
જોકે હજી એ મામલે કોઈ સ્પષ્ટતા થઈ નથી કે તેમને આવનારા સમયમાં પણ સુરક્ષિત રીતે જ જેલમાં રાખવામાં આવશે કે નહીં.
તુર્કીની સેનાએ હજી તેની સીમા ઓળંગી નથી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઉત્તર સીરિયામાં અમેરિકન સૈનિકોને પરત બોલાવવાના વિવાદાસ્પદ નિર્ણય બાદ કેટલાક દિવસ પછી આ હુમલો થયો છે.
આ નિર્ણય પહેલાં તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોઆને ટ્રમ્પને ફોન કર્યો હતો. જોકે અમેરિકાની અંદર જ આ નિર્ણયની ભારે ટીકા થઈ રહી છે.
તુર્કીની યોજના શું છે?
તેમણે એમ પણ કહ્યું, "આ સીરિયાના સાર્વભૌમત્વને બચાવી રાખશે અને સ્થાનિકોને ઉગ્રવાદીઓથી બચાવશે."
જોકે હુમલો કેટલા મોટા પ્રમાણમાં કરવામાં આવ્યો છે તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.
એ પણ સ્પષ્ટ નથી કે તુર્કીની આર્મીએ સીરિયામાં પ્રવેશવાની કોશિશ કરી છે કે નહીં.
કેટલાક સ્થાનિકોના કહેવા પ્રમાણે સેનાની ટૅન્કો તેમના ગામ સુધી પહોંચી ગઈ છે.
તુર્કી અમેરિકાના સહયોગી એવા કુર્દોને ઉગ્રવાદીઓ માને છે અને પોતાની સીમા પાસે તે સેફ ઝોન બનાવવા માગે છે.
સીરિયામાં વર્ષોથી ચાલી રહેલા યુદ્ધને કારણે હાલ તુર્કીમાં સીરિયાના 36 લાખ શરણાર્થીઓ રહે છે.
આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા
આ હુમલા અનેક દેશોએ અંગે ચિંતા વ્યક્ત કરી છે. બ્રિટન અને ફ્રાન્સ આ મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની તાત્કાલિક બેઠક બોલાવવાની યોજના કરી રહ્યા છે.
જ્યારે યુરોપિયન સંઘના અધ્યક્ષે કહ્યું છે કે આ સૈન્યઅભિયાનને રોકવામાં આવે.
આ બધા વચ્ચે ટ્રમ્પના નજીકના અમેરિકન સેનેટર લિંડ્સે ગ્રેહામે કહ્યું છે કે તેઓ કૉંગ્રેસને એ બાબતથી અવગત કરશે કે અર્દોઆને આ હુમલાની ભારે કિંમત ચૂકવવી પડે.
તેમણે કહ્યું કે ટ્રમ્પ પ્રશાસને બેશરમીથી પોતાના કુર્દ સહયોગીઓને એકલા છોડી દીધા છે.
ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું હતું કે સંદિગ્ધ ઇસ્લામિક સ્ટેટના લડાકુ જેલમાં જ રહે અને ઇસ્લામિક સ્ટેટ ફરીથી સંગઠિત ન થાય તેના માટે તુર્કી જવાબદાર હશે.
ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધની લડાઈમાં કુર્દ સંગઠનોએ પોતાના 11,000 લડાકુઓ ગુમાવ્યા છે.