સુપ્રીમ કોર્ટમાં એક મુસ્લિમ દંપતીએ અરજી કરી છે કે મસ્જિદોમાં મહિલાઓને પ્રવેશ માટે મંજૂરી આપવામાં આવે અને પુરુષો સાથે જ તેમને નમાજ પઢવા દેવામાં આવે.
પુણેના આ મુસ્લિમ દંપતી અનુસાર તેમને એક મસ્જિદમાં નમાજ પઢવાથી રોકવામાં આવ્યું હતું, જે બાદ તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
આ અરજી પર સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય મહિલા આયોગ, સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ, ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ અને કેન્દ્ર સરકારને એક નોટિસ ફટકારી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે, "અમે તમારી અરજી પર સબરીમાલાના અમારા ચુકાદાને કારણે સુનાવણી કરી શકીએ છીએ."
મસ્જિદોમાં મહિલાના પ્રવેશનો આ મામલો કોર્ટની નોટિસથી ફરી ચર્ચામાં આવ્યો છે પરંતુ આ મામલે વર્તમાન સમયમાં ધર્મ શું કહે છે?
શું મહિલાઓ મસ્જિદોમાં દાખલ થઈ શકે છે?
મહિલાઓને મસ્જિદમાં જવા પર પ્રતિબંધ મામલે કુરાનમાં કોઈ ઉલ્લેખ નથી.
શિયા, વ્હોરા અને ખોજાની મસ્જિદોમાં મહિલાઓ સરળતાથી મંદિરમાં દાખલ થઈ શકે છે.
ઇસ્લામમાં સુન્ની વિચારધારાને માનવાવાળા અનેક લોકો મહિલાઓના મસ્જિદમાં પ્રવેશને યોગ્ય માનતા નથી એટલે સુન્ની મસ્જિદોમાં મહિલાઓ પ્રવેશતી નથી.
જોકે, દક્ષિણ ભારતમાં અનેક સુન્ની મસ્જિદોમાં મહિલાઓનો પ્રવેશ સામાન્ય છે.
કુરાન અને અરબી ભાષાનો અભ્યાસ મોટા ભાગે મસ્જિદો કે મસ્જિદો સાથે જોડાયેલી મદરેસામાં થાય છે અને તેમાં છોકરાઓ અને છોકરીઓ બંને સામેલ થાય છે.
નમાજ પઢવા અને વજૂ કરવા પર કોઈ રોક નથી પરંતુ પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ જગ્યાઓ બનાવવામાં આવી છે.
શિયા અને સુન્ની એક જ ઇમામની પાછળ નમાજ પઢે છે.
જો કોઈ મહિલા મસ્જિદમાં નમાજ પઢવા ઇચ્છે તો તે ઇમામને કહી શકે છે અને તેમના માટે અલગ જગ્યાની વ્યવસ્થા કરવામાં આવે છે.
સબરીમાલાનો હવાલો
અરજીકર્તાઓએ કેરળમાં સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશની અનુમતિ આપવાના સુપ્રીમ કોર્ટના આદેશનો હવાલો આપ્યો છે.
તેમણે એ પણ લખ્યું છે કે મક્કામાં પણ મહિલાઓ પુરુષોની સાથે કાબાની પરિક્રમા કરે છે. એવામાં મસ્જિદોમાં તેમને પુરુષોથી અલગ હિસ્સામાં રાખવી યોગ્ય નથી.
જોકે, મક્કાની મસ્જિદમાં પણ નમાજ પઢવા અને વજૂ કરવા માટે પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ જગ્યાઓ નક્કી કરવામાં આવી છે.
આવું દુનિયાની તમામ મસ્જિદોમાં કરવામાં આવે છે.
અરજીકર્તાઓએ તેને ભારતીય બંધારણ અંતર્ગત આપવામાં આવેલા મૂળ અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.