રશિયાની સ્પુતનિક કોરોના રસી જલદી ભારતનાં બજારોમાં આવશે એવું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનું કહેવું છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક પત્રકારપરિષદમાં કહ્યું કે રશિયાની સ્પુતનિક વી રસી આવતા અઠવાડિયે બજારમાં ઉપલબ્ધ થઈ જશે.
આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે ભારતીય લોકોએ ચિંતા ન કરવી જોઈએ, કારણ કે આવનારા મહિનાઓમાં નાગરિકો માટે કરોડો ડોઝ ઉપલબ્ધ થઈ જશે.
પત્રકારપરિષદમાં નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પૉલે કહ્યું, " સ્પુતનિક રસી ભારત પહોંચી ગઈ છે. મને આશા છે કે આવતા અઠવાડિયા સુધીમાં આ રસી બજારમાં ઉપલબ્ધ થશે. હાલમાં આ સીમિત માત્રામાં વેચવા માટે ઉપલબ્ધ છે, પરંતુ ત્યારબાદ પણ રસીનો સપ્લાય ચાલુ રહેશે."
"દેશમાં આ રસીનું ઉત્પાદન જુલાઈ મહિનામાં શરૂ થયું અને એક અનુમાન અનુસાર 15.6 કરોડ ડોઝનું ઉત્પાદન શરૂ થશે."
ડૉ. વી.કે પૉલે કહ્યું, "ભારતમાં ઑગસ્ટ અને ડિસેમ્બર વચ્ચે રસીના 216 કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે. આ બધી રસી ભારતીય નાગરિકો માટે હશે."
તેમણે કહ્યું કે ફ્રન્ટલાઇન વર્કર્સ માટે રસીકરણનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. 45 વર્ષથી વધારે ઉંમરના લોકોમાંથી તૃતીયાંશ વસતીને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે.
રસીના ડોઝની અછત પર તેમણે કહ્યું કે "ઑગસ્ટ અને ડિસેમ્બર વચ્ચે ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ રસીના 75 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે.
ત્યારે ભારત બાયોટેક ત્રણ અન્ય કંપનીઓ સાથે મળીને કોવૅક્સિનના 55 કરોડ ડોઝ બનાવશે."
ભારતની અન્ય કંપની બાયોલૉજિકલ આની સબયુનિટ રસીનું ઉત્પાદન જલદી શરૂ કરશે. ભારત સરકારને અહીંથી 30 કરોડ ડોઝ મળવાની આશા છે. ત્યારે ઝાયડસ કેડિલાની રસીનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને તે જલદી રસીના વપરાશ માટે મંજૂરની અરજી કરશે.
સીરમ-નોવાવૅક્સની રસીના 20 કરોડ ડોઝ જલદી મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.