Webdunia - Bharat's app for daily news and videos

Install App

નરેન્દ્ર મોદી ફાધર ઑફ ઇન્ડિયા છે : ડોનાલ્ડ ટ્રમ્પ

Webdunia
બુધવાર, 25 સપ્ટેમ્બર 2019 (10:44 IST)
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મંગળવારે ફરી એક વખત મુલાકાત થઈ.
આ દરમિયાન પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતી વખતે ટ્રમ્પે કહ્યું કે ઉગ્રવાદના મામલે નરેન્દ્ર મોદી સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને જવાબ આપી ચૂક્યા છે અને તેમને વિશ્વાસ છે કે તેઓ આ સ્થિતિને સાથે ડીલ કરવામાં સક્ષમ છે.
ટ્રમ્પે કહ્યું કે તેઓ માને છે કે આ બન્ને સજ્જન (મોદી અને ઇમરાન) મળશે અને કોઈને કોઈ રસ્તો કાઢશે. "બન્ને મળશે તો ચોક્કસ કંઈક ઊપજશે"
ટ્રમ્પે આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યાં અને તેમને 'ફાધર ઑફ ઇન્ડિયા' કહ્યા. તેમણે કહ્યું કે પીએમ મોદીએ પિતાની જેમ ભારતને જોડવાનું કામ કર્યું છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે નરેન્દ્ર મોદી માટે તેમના હૃદયમાં સન્માન છે અને તેઓ તેમને ખૂબ પસંદ કરે છે.
 
ટ્રમ્પે નરેન્દ્ર મોદીને એક મહાન નેતા ગણાવ્યા. તેમણે કહ્યું, "મને યાદ છે કે પહેલાં ભારત ઘણું વિખેરાયેલું હતું, અહીં ઘણી બધી લડાઈઓ ચાલતી હતી. નરેન્દ્ર મોદીએ પિતાની જેમ ભારતને એકજૂટ કરવાનું કામ કર્યું"
ટ્રમ્પે હ્યુસ્ટનમાં યોજાયેલા કાર્યક્રમનો ઉલ્લેખ પણ કર્યો, તેમણે કહ્યું કે એ કાર્યક્રમમાં લોકો નરેન્દ્ર મોદીને જોઈને ઉત્સાહિત હતા.
ટ્રમ્પે કહ્યું, "લોકો આ સજ્જનને બહુ પ્રેમ કરે છે. લોકો પાગલ થઈ ગયા હતા. નરેન્દ્ર મોદી અમેરિકન રોકસ્ટાર એલ્વિસ પ્રેસ્લી જેવા છે. એવું લાગી રહ્યું હતું એલ્વિસ પરત આવી ગયા છે."
 
પાકિસ્તાન અંગેના સવાલો ટાળ્યા
પાકિસ્તાનમાં ઉગ્રવાદ સાથે સંકળાયેલા પ્રશ્નો ટ્રમ્પે બે વખત ટાળ્યા. એક પત્રકારે તેમને પૂછ્યું કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના એ નિવેદનને તમે કઈ રીતે જુઓ છો જેમાં તેમણે કહ્યું કે આઈએસઆઈએ અલકાયદાને ટ્રેનિંગ આપી છે?
આ અંગે ટ્રમ્પે કહ્યું કે તેમણે આ નિવેદન સાંભળ્યું નથી. તેમણે કહ્યું, "મને ખબર છે કે તમારા વડા પ્રધાન આ જોઈ લેશે."
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો બન્ને નેતા(મોદી અને ઇમરાન) મળીને કાશ્મીરના મુદ્દાનો કોઈ હલ કાઢે તો સારું રહેશે. "આપણે બધા જ આ ઇચ્છીએ છીએ."
અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ ઇમરાન ખાનને પણ મળ્યા છે અને તેમની વચ્ચે ઘણા મુદ્દાઓ પર વાતચીત થઈ છે.
મોદી સાથેની મુલાકાતના એક દિવસ પહેલાં ટ્રમ્પ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને પણ મળ્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં ઘણું જ આક્રમક ભાષણ આપ્યું હતું.
હાઉડી મોદી કાર્યક્રમમાં પાકિસ્તાનનું નામ લીધા વગર નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, "ભારતના નિર્ણયો (કાશ્મીર પર)થી તેમને વાંધો છે, જેઓ પોતાનો દેશ સંભાળી શકતા નથી. આ એ લોકો છે જેઓ ઉગ્રવાદીઓનું પાલનપોષણ કરે છે."
 
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત સાથે જલ્દી જ એક વેપાર સમજૂતી થઈ શકે છે અને એ માટે વાતચીત ચાલી રહી છે.
તેમણે કહ્યું, "બાદમાં એક મોટી સમજૂતી થઈ શકે છે, પણ જલ્દી જ બન્ને દેશો વચ્ચે ટ્રેડ ડીલ થઈ શકે છે."
આ પહેલાં નરેન્દ્ર મોદીએ હાઉડી મોદી કાર્યક્રમમાં આવવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હ્યુસ્ટનમાં 2.5 અબજ ડૉલરના રોકાણ સાથે ઊર્જા ક્ષેત્રે રોકાણના એમઓયુ કર્યા છે.
તેમણે કહ્યું, "એનું પરિણામ એ હશે કે આવનારા દાયકાઓમાં 60 અબજ ડૉલરનો ટ્રેડ થશે અને પચાસ હજાર લોકો માટે નોકરીઓ સર્જાશે. ભારતે એક મોટી શરૂઆત કરી છે."
નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકા બન્ને દેશો ઝડપથી આગળ વધી રહ્યા છે.
મોદી અને ટ્રમ્પની બેઠક પછી ભારતના વિદેશ સચિવ વિજય ગોખલેએ પ્રેસ સાથે વાત કરી.
તેમણે કહ્યું, "ભારત, પાકિસ્તાન સાથે વાત કરવાથી બચી નથી રહ્યું. અમે પાકિસ્તાન સાથે વાત કરીશું, પહેલાં તેઓ આતંકવાદ સામે કોઈ નક્કર પગલાં લે અને હજી સુધી પાકિસ્તાને આવું કંઈ કર્યું નથી."

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments