Webdunia - Bharat's app for daily news and videos

Install App

કારગિલ યુદ્ધ : ગુમ થયેલું એ યાક પાકિસ્તાની સૈનિકો માટે બન્યું મુસીબત

Webdunia
શુક્રવાર, 26 જુલાઈ 2019 (13:14 IST)
અરવિંદ છાબડા
બીબીસી સંવાદદાતા
"જો તે મારું નવું યાક ન હોત તો હું તેને શોધવા ન જતો અને કદાચ હું પાકિસ્તાની ઘૂસણખોરોને પણ જોઈ ન શકતો."
આ શબ્દો છે 55 વર્ષીય તાશી નામગ્યાલના કે જેમણે સંભવતઃ સૌથી પહેલી વખત કારગિલના પહાડોમાં છુપાયેલા પાકિસ્તાની સૈનિકોને જોયા હતા.
આ વર્ષ 1999ની વાત છે જ્યારે એક દિવસ તાશી નામગ્યાલ કારગિલના બાલ્ટિક સૅક્ટરમાં પોતાના ગુમ થયેલા નવા યાકની શોધ કરી રહ્યા હતા.
તેઓ પહાડો પર ચઢીને જોઈ રહ્યા હતા કે તેમનું યાક ક્યાં ખોવાઈ ગયું.
આ દરમિયાન પ્રયાસ કરતાં કરતાં તેમને પોતાનું યાક દેખાયું. પરંતુ એ યાકની સાથે સાથે તેમને જે જોવા મળ્યું તેને કારગિલ યુદ્ધની પહેલી ઘટના માનવામાં આવે છે.
તેમણે કેટલાક શંકાસ્પદ લોકોને જોયા અને ભારતીય સેનાને તાત્કાલિક આ અંગે જાણકારી આપી.
તેઓ જણાવે છે, "હું એક ગરીબ ચરવૈયો હતો. તે જમાનામાં મેં તે યાક 12000 રૂપિયામાં ખરીદ્યું હતું. જ્યારે મારું યાક ખોવાઈ ગયું તો હું ચિંતામાં મુકાઈ ગયો હતો."
"સામાન્યપણે યાક સાંજના સમયે પરત આવી જાય છે, પરંતુ આ નવું યાક હતું એટલે મારે તેની શોધમાં નીકળવું પડ્યું. તે દિવસે મને યાક તો મળી ગયું, પરંતુ તે દિવસે મને પાકિસ્તાની સૈનિકોને જોવાની પણ તક મળી."
 
તાશી કારગિલથી 60 કિલોમિટરના અંતરે સિંધુ નદીના કિનારે ગારકૌન નામના ગામમાં રહે છે.
તાશી મને એ જગ્યાએ લઈ ગયા જ્યાં તેમણે ઘૂસણખોરોને જોયા હતા.
બૌદ્ધ ધર્મને માનતા તાશીએ મને ગર્વ સાથે રસ્તામાં આવતા તેમનાં ખેતર પણ બતાવ્યાં.
 
ચાલતાં ચાલતાં જ્યારે અમે તે જગ્યાએ પહોંચ્યા જ્યાં તેમને પાકિસ્તાની સૈનિકો દેખાયા હતા.
તેઓ તુરંત બૂમ પાડીને બોલી ઊઠ્યા, "તેઓ અહીં જ હતા. અને આ એ જગ્યા છે જ્યાં ચઢીને મેં તેમને જોયા હતા."
તાશી જણાવે છે, "આ જ જગ્યાએ મારું યાક ગુમ થઈ ગયું હતું અને જ્યારે યાકને શોધવા માટે હું ઉપર ચઢ્યો ત્યારે મને કેટલાક શંકાસ્પદ લોકો દેખાયા."
"પહેલા મારા મનમાં વિચાર આવ્યો કે કદાચ તેઓ શિકારી હતા, પરંતુ ત્યારબાદ મેં દોડીને સેનાને તેના અંગે જાણકારી આપી."
આ સૂચના મળ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલમાં યુદ્ધ લડાયું, જેમાં આશરે 600 ભારતીય સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં.
 
તાશી અને આ ગામના લોકો ગર્વ સાથે જણાવે છે કે તેમણે પોતાના સ્તરે આ યુદ્ધમાં ભારતને મળેલી જીતમાં પોતાની ભૂમિકા નિભાવી છે.
પોતાના સમાજનાં પ્રતીકોને દર્શાવતી એક વિશેષ ટોપી પહેરેલા તાશી આ યુદ્ધ બાદ પોતાને મળેલા સન્માન ચિહ્નને દેખાડે છે.
તેમાં મોટા ભાગના ઍવૉર્ડ તેમની સજગતા અને બહાદુરી માટે આપવામાં આવ્યા હતા.
કારગિલ યુદ્ધને 20 વર્ષ વીતી ગયાં બાદ તેમનું તેમનું મન સન્માન ચિહ્નોથી ભરાઈ ગયું છે.
તેઓ કહે છે, "મારાં ચાર બાળકો છે, પરંતુ મારી એક બાળકીના શિક્ષણમાં મદદ કરવા સિવાય મને કોઈ આર્થિક મદદ મળી નથી અને કોઈની પાસેથી કોઈ સન્માન પણ મળ્યું નથી."
"ઘણા વાયદા કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી કોઈ વાયદો પૂર્ણ કરવામાં આવ્યો નથી."
તાશી કહે છે કે તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી ઘણી આશા છે, પરંતુ કોઈએ તેમના સુધી સંદેશ પહોંચાડવાની જરૂર છે.
 
તાશી સહિત આ ગામના અન્ય લોકો પણ વિકાસની ખામીને લઈને નારાજ હોય તેવું લાગી રહ્યું છે.
આ ગામમાં રહેતાં તાશી પુંચોક કહે છે, "અમે અમારા ભોજનની ચિંતા કર્યા વગર સૈનિકોના ખાવાપીવાનું ધ્યાન રાખ્યું હતું, પરંતુ કોઈએ અમારા માટે કંઈ ન કર્યું."
પોતાના ગામની જરૂરિયાતો વિશે વાત કરતાં તાશી કહે છે, "અમારી પાસે સંચારની સુવિધા પણ નથી."
"અમે માનીએ છીએ કે અમે સન્માન અને વિશેષ વ્યવહારના હકદાર છીએ, કેમ કે અમે ઘણા જીવ બચાવવાની સાથે સાથે ભારતીય સેનાના સન્માનને બચાવ્યું છે."
કારગિલના ઉપ કમિશનર બસીર-ઉલ-હક ચૌધરી સાથે જ્યારે અમે આ ગામ અંગે વાત કરી તો તેમણે કહ્યું કે તેઓ આ ગામને સેના તરફથી મળતી મદદ પર કોઈ ટિપ્પણી કરી શકતા નથી.
જોકે, તેમણે જણાવ્યું કે સરકાર 15 ઑગસ્ટના રોજ તાશી સહિત બીજા ગ્રામવાસીઓને સન્માનિત કરવાની યોજના બનાવી રહી છે.
આ સાથે જ સરકાર આ ક્ષેત્રમાં પર્યટનને પ્રોત્સાહન આપવાની વ્યવસ્થા અંગે પણ વિચાર કરી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

નવીનતમ

Pakistan terrorist attack - પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો, સતત ગોળીબાર, અત્યાર સુધીમાં 50 લોકોના મોત

Russia Ukraine War: રશિયાએ યૂક્રેનને આપ્યો ઝટકો, બ્રિટિશ સ્ટૉર્મ શૈડો' મિસાઈલથી કર્યો અટેક

LIVE: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024ની લાઈવ કોમેન્ટ્રી

Jharkhand Election Result LIVE: ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

Maharashtra Election Results LIVE: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

આગળનો લેખ
Show comments