Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

લોકસભા ચૂંટણી 2019 : કૉંગ્રેસ છોડ્યા બાદ પણ અલ્પેશ ઠાકોર અવઢવમાં છે?

લોકસભા ચૂંટણી 2019 : કૉંગ્રેસ છોડ્યા બાદ પણ અલ્પેશ ઠાકોર અવઢવમાં છે?

દર્શન દેસાઈ

, શનિવાર, 13 એપ્રિલ 2019 (11:55 IST)
દર્શન દેસાઈ
ગત પખવાડિયે બે ડઝન ફોન અને અડધો ડઝન મૅસેજ કર્યા પછી અલ્પેશ ઠાકોર સાથે વાત થઈ શકી. આખરે રાણીપમાં તેમના ઘર પાસે જ તેમની સાદી ઑફિસમાં મુલાકાત માટેનું નક્કી થયું. 
 
44 વર્ષના અલ્પેશે કહ્યું, "થોડો અટવાયો હતો અને થાક્યો પણ હતો."
 
સામાન્ય રીતે ચૂંટણીના સમયે નેતાઓ જેટલા વ્યસ્ત હોય તેટલા વ્યસ્ત તેઓ નહોતા અને સાથે ટોળું પણ નહોતું. તેઓ કદાચ કશાકની રાહ જોઈ રહ્યા હતા અથવા આગામી પગલાં વિશે વિચારી રહ્યા હતા. પોતાના પક્ષને પણ તે આ જ રીતે વિમાસણમાં રાખે છે. પોતે ભાજપ સાથે સંપર્કમાં છે એવું કહ્યું અને પોતાની અવગણના થતી રહેશે કે કોરાણે કરી દેવાશે તો પક્ષ છોડીને જતા રહેશે તેવી ધમકી પણ કૉંગ્રેસને આપી. થોડા દિવસ બાદ સામે આવ્યા અને પત્રકાર પરિષદમાં જાહેરાત કરી કે તેમણે પક્ષના મોવડીઓ સાથે વાતચીત કરી છે અને પોતે પક્ષ છોડીને જવાના નથી.
 
પરંતુ ફરી એક વાર 10 એપ્રિલે તેઓ પત્રકારો સમક્ષ હાજર થયા અને આ વખતે જાહેરાત કરી દીધી કે તેમણે કૉંગ્રેસમાંથી રાજીનામાનો પત્ર ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાને મોકલી દીધો છે. જોકે, આ પત્ર અમિત ચાવડાને સીધો નહોતો મળ્યો. કોઈએ વૉટ્સઍપ પર તેમને ફૉરવર્ડ કર્યો હતો. ટીવી ચેનલોમાં તે પ્રદર્શિત થવા લાગ્યો હતો અને સૌ એકબીજાને ફૉરવર્ડ કરી રહ્યા હતા.
 
આખરે અલ્પેશ ઠાકોર કરવા શું માગે છે?
ભાજપમાં ક્યારે જોડાવાના છો તેવો પ્રથમ સ્વાભાવિક પ્રશ્ન તેમણે નકારી કાઢ્યો. ગુજરાતમાં માત્ર બે જ પાર્ટી છે. "મારા માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોરસેના પ્રત્યેની મારી સામાજિક જવાબદારી પ્રથમ આવે છે. મારા લોકો ગૂંગળામણ અનુભવતા હોય, કોરાણે મૂકી દેવાતા હોય, અવગણના કરાતી હોય, અપમાન થતું હોય તો અલ્પેશ ઠાકોર ચૂપ રહી શકે નહીં."
 
"હું અવાજ ઉઠાવીશ. મારા સામાજિક કાર્યને કારણે જ મને રાજકારણી તરીકે માન મળે છે. હું સામાજિક કાર્યોંને ન્યાય ન આપી શકું તો મારા રાજકારણનો કોઈ અર્થ નથી."
 
કૉંગ્રેસ છોડવાના એક અઠવાડિયા પહેલાં આ વાત તેમણે બીબીસી ગુજરાતી સાથેની મુલાકાતમાં કરી હતી. અલ્પેશ ઠાકોરનું આ પગલું જુદી-જુદી રીતે જોવામાં આવી રહ્યું છે. પ્રથમ તો એ કે તેઓ ગજા કરતાં મોટા થઈ ગયા એટલે તેમને અહંકાર આવી ગયો છે.
બીજું કે તેમની ઝડપી રાજકીય પ્રગતિ થઈ તેના કારણે તેમની લાલચ વધી છે અને જવાબદારી વિના તેઓ બધું મેળવી લેવા માગે છે.
 
તેઓ કબૂલે છે કે તેમણે ભાજપનો સંપર્ક કર્યો હતો. ભાજપ તેમને આવકારવા તત્પર જ હતું, કેમ કે હાલમાં કૉંગ્રેસ અથવા હાર્દિક સાથે છેડો ફાડનારા કોઈ પણ નેતાને ભાજપમાં સ્થાન મળી જાય એમ છે. જોકે, આ બંને વાત માત્ર અમુક અંશે સાચી છે.
 
તેમના વર્તનને માત્ર અહંકાર ગણી લેવાની ભૂલ ના કરવી જોઈએ, કેમ કે શક્તિશાળી બનતા નેતાનું વર્તન આવું જ હોય છે. એવી જ રીતે, જ્યારે અલ્પેશ મળવાનું ટાળે ત્યારે કોઈ પત્રકારે તેઓ અવઢવમાં છે એવું પણ ના સમજવું જોઈએ. હકીકતમાં તેમનો સ્વભાવ ચોખ્ખી વાત કરવાનો જ છે.
 
મારી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "હું જેવો છું તેવો છું."
 
જોકે, તેની પાછળ વધારે લાંબી કથા રહેલી છે જેનો પાયો નંખાયો હતો છેક 2011માં, જ્યારે 'ગુજરાત ક્ષત્રિય ઠાકોરસેના'ની સ્થાપના થઈ હતી.
 
સ્થાપનાનાં છ વર્ષ બાદ વર્ષ 2017માં તેઓ કૉંગ્રેસમાં જોડાયા અને રાધનપુરથી પ્રથમ વાર ચૂંટણી જીત્યા.
 
જે રીતે અલ્પેશ ઠાકોરને સમજવામાં થોડો સમય લાગે છે એ જ રીતે તેમના સંઘર્ષની ગાથા સાંભળવા માટે પણ ધીરજની જરૂર પડે છે.
 
"હું તો સુખી કુટુંબમાંથી આવું છું પણ મારાથી વધારે સારી સ્થિતિમાં રહેલા અમુક વર્ગના લોકોને મારે મળવાનું થાય ત્યારે તે લોકો મારી મજાક કરે. ઠાકોર એટલે સમજ્યા હવે એવું એ લોકો કહે."
 
"એક મોટો કાર્યક્રમ હતો ત્યારે હું એક જ જણને મળ્યો. થોડી વાતો કર્યા પછી તેમણે મને પૂછ્યું કે તમે કેવા... તમે જોયું દરેક માણસમાં જ્ઞાતિવાદ ઘૂસેલો છે."
 
"મેં જ્ઞાતિ જણાવી તો તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે 'ઠાકોર સુધરી ગયા?' મેં તે માણસને કહ્યું કે હું સમજ્યો નહીં, તમે શું કહેવા માગો છો"
 
"મને આ વાત બહુ ખૂંચે છે. ઠાકોરને નીચી દૃષ્ટિએ જોવાની વાત. તેમને પછાત, અશિક્ષિત, વ્યસની તરીકે જોવાની વાત. બધા લોકો એવા નથી, કેટલાક હશે પણ તે વાતને ચગાવીને ખોટી છાપ ઊભી કરવામાં આવે છે."
 
"મને લાગ્યું કે આ બાબતમાં કશુંક કરવું જોઈએ. તેમાંથી 2011માં ક્ષત્રિય ઠાકોરસેનાનો પાયો નંખાયો હતો."
 
"જોકે, વાત એટલી સહેલી નહોતી"
 
તેઓ ઉમેરે છે, "હું વધુ ઊંડાણથી વિચારતો ગયો તેમ મને સમજાતું ગયું કે આ લડાઈ બહુ લાંબી છે. હજી પણ લડત અઘરી છે અને લાંબી ચાલવાની છે."
 
"દરેક તબક્કે મારી સામે અઘરા પડકારો આવ્યા છે. શરૂઆતમાં પણ બધાએ ઠાકોરસેનાના વિચારને નફરત સાથે નકારી કાઢ્યો હતો. સમાજને એક કરી શકાય એવું કોઈને નહોતું લાગતું."
 
પોતાનાં પગલાં વિશે વિગતે સમજાવતા અલ્પેશ કહે છે, "તમે નહીં માનો પણ મને અન્ય રીતે પણ અટકાવવાની કોશિશ થઈ હતી. મને એક વાર જૂનાગઢમાં નવ વાગ્યે સભા છે અને ઘણા માણસો આવશે એમ કહીને બોલાવવામાં આવ્યો હતો."
 
"જૂનાગઢ નવ વાગ્યે પહોંચવું હોય તો વહેલી સવારે 4 વાગ્યે નીકળવું પડે. મેં રાહ જોઈ પણ ડ્રાઇવર આવ્યો જ નહીં. 4.30 વાગ્યે મેં જાતે ડ્રાઇવ કરીને જવાનું નક્કી કર્યું."
 
"એકલો જ ત્યાં પહોંચ્યો તો જોયું કે ગણીને આઠ લોકો હતા અને નવમો હું. આઠ વત્તા એકની જાહેર સભા બોલો! મને એવું કહેવાયું કે બધા રાહ જોઈને જતા રહ્યા. મને તે વાત ગળે ઊતરી નહીં. આમ છતાં મેં આઠ લોકોને એટલા જ ઉત્સાહથી સંબોધ્યા. મેં હાર ન માની."
 
બીજી વખત પ્રયાસ
 
"બીજી વાર પાંચ વર્ષ પછી 2015માં હું ફરી જૂનાગઢ ગયો હતો. આ વખતે સભાસ્થળ જુદું હતું અને અગિયાર વાગી ગયા હતા તો પણ 15,000થી 20,000ની મેદની મારી રાહ જોઈ રહી હતી."
 
અલ્પેશ કહે છે, "મારું પ્રથમ કાર્ય સૌથી અઘરું હતું અને તે હતું યુવાનોને વ્યસનમાંથી બહાર કાઢવા. એ કામ સહેલું નહોતું, પણ મેં તે કરી બતાવ્યું."
 
"ઘણા યુવાનોએ દારૂ પીવાનું છોડી દીધું છે. જૂની આદત ધરાવનારા પીતા રહે છે પણ ઘણા બધા યુવાનો છોડવા લાગ્યા છે. તમે ઠાકોરોના કોઈ પણ ગામમાં જાવ, તમને આ વાત જોવા મળશે."
 
"એ પણ સાથે સ્વીકારું છું કે આ કાર્ય માટે હજીય મહેતન કરવાની છે. પહેલાં મને એમ હતું કે એક વાર પીવાનું છોડી દીધું, પછી બધું આપોઆપ બરાબર થઈ જશે, એવું થયું નહોતું."
 
"મને થયું કે યુવાનોનું સંગઠન કરીશ તો કામ થઈ જશે પણ તેમ થયું નહીં. પછી મેં વિચાર્યું કે તેમના શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ. તેમાં પણ પૂરી સફળતા મળી નથી. એકસાથે બધા તબક્કે થાક્યા વિના કામ કરતા રહેવું પડે છે."
 
આ રીતે એક પછી એક પ્રયાસો દ્વારા 1975માં જન્મેલા અને કૉલેજ અધૂરી છોડી દેનારા અલ્પેશ ઠાકોરે 'ગુજરાત ક્ષત્રિય ઠાકોરસેના' નામનું એક મજબૂત સંગઠન બનાવ્યું છે.
2017માં તેમના સહિત ઠાકોરસેના સાથે જોડાયેલા ચાર સભ્યો ગુજરાત કૉંગ્રેસની ટિકિટ પર ઉત્તર ગુજરાતમાંથી ધારાસભ્યો બન્યા. તેઓ પોતે રાધનપુરથી, સાબરકાંઠાના બાયડથી ધવલસિંહ ઝાલા, મહેસાણાના બહુચરાજીથી ભરતસિંહ ઠાકોર અને બનાસકાંઠાના વાવથી ગેનીબહેન ઠાકોર ચૂંટાયાં છે.
 
અલ્પેશ ઠાકોરનું વજન આજે એટલા માટે વધ્યું છે કે ગુજરાતના 26 જિલ્લા, 176 તાલુકા અને 9500 ગામોમાં ઠાકોર સેનાનું સંગઠન ઊભું થયું છે. ઑક્ટોબર 2017માં એક વિશાળ સભામાં તેઓ કૉંગ્રેસમાં જોડાયા હતા. તે સભા કૉંગ્રેસની નહીં પણ ઠાકોરસેનાની હતી. તેમાં હાજર રહીને રાહુલ ગાંધીએ જાતે ઠાકોરસેનાની તાકાત જોઈ હતી અને તેમને કૉંગ્રેસમાં આવકાર્યા હતા. ગુજરાતની સામાજિક-રાજકીય સ્થિતિમાં અલ્પેશ ઠાકોરનો ઉદય એ રીતે સમજવાની જરૂર છે કે તેઓ અનામતની માગણી માટેના આંદોલનમાંથી હાર્દિક પટેલ ઊભા થયા હતા તે રીતે ઊભા થયા નથી.
 
ઓબીસી સમાજમાં મચેલી હલચલમાંથી તેઓ ઊભા થયા છે. 25 ટકા વસતિ હોવા છતાં અને અનામતનો લાભ માત્ર નામ પૂરતો જ મળતો હોવાથી વિકાસમાં તેઓ પાછળ રહી ગયા છે તેવો અસંતોષ ઊભો થયો છે. અલ્પેશ કહે છે, "અમને માત્ર વૉટબેન્ક તરીકે જ રાખવામાં આવ્યા હતા, તે સિવાય બીજું કશું નહીં. અમારી સંખ્યા જોઈને રાજકારણીઓ અમારો ઉપયોગ કરશે અને પછી ભૂલી જશે. હું આ સ્થિતિ બદલવા માગું છું. મારી વાત એ હતી કે અમારો ઉપયોગ કરો પણ અમારી પ્રગતિમાં અમને મદદ પણ કરો." જોકે, આ બધા પ્રયત્નો છતાં હાર્દિક પટેલનું ઓબીસીમાં પટેલને સમાવવાનું અનામત આંદોલન ચગ્યું ન હોત તો ઠાકોરસેના પડદા પાછળ જ રહી ગઈ હોત.
 
અલ્પેશનું સંગઠન
 
અનામત આંદોલન ચગ્યું ત્યારે અલ્પેશ ઠાકોરે બીજું સંગઠન ઊભું કર્યું. ઓબીસી, એસસી-એસટી, આદિવાસી એકતા મંચ તેમણે ઊભો કર્યો હતો અને ચેતવણી આપી હતી કે ઓબીસી માટેના ક્વૉટામાંથી પટેલોને કોઈ લાભ આપવો જોઈએ નહીં. અનામત આંદોલન સામેના આ વિરોધમાં મુખ્યત્વે ઓબીસી હતા. તેથી તેના ભાગરૂપે ઠાકોરસેના મહત્ત્વનું પરિબળ બની અને પ્રથમ વાર તેનું રાજકીય મહત્ત્વ પણ વધ્યું. કૉંગ્રેસ પક્ષ પટેલને સાથે રાખવા માગતા હતા પણ પરંપરાથી ટેકેદાર રહેલા ઓબીસીને પણ મજબૂત કરવા માગતો હતો.
 
ભાજપ પણ ઓબીસીનો સાથ મેળવવા માગતો હતો પણ તે પટેલોને છોડી શકે નહીં. હકીકતમાં 2017ની ચૂંટણી વખતે જ ભાજપે પાટીદાર સામે ઓબીસી પરિબળોને મજબૂત કરવાની કોશિશ કરી હતી પણ ધારી સફળતા મળી નહોતી. પટેલો કૉંગ્રેસ તરફ વળ્યા અને અલ્પેશ ઠાકોરની ઠાકોરસેનાના કારણે ઓબીસી ટેકેદારો પણ જળવાઈ રહ્યા અને તે રીતે કૉંગ્રેસ મજબૂત બની.
 
અલ્પેશ અને રાજકારણ
 
અમદાવાદના માંડલ તાલુકાના એંદલા ગામે ખોડાજી ઠાકોરના ઘરે જન્મેલા અલ્પેશ ઠાકોરે નાનપણથી જ રાજકારણને જોયું હતું. કેમ કે તેમના પિતા 1975થી તાલુકા પંચાયતના પ્રમુખ હતા. 2005 સુધી તેઓ સતત આ હોદ્દા પર રહ્યા હતા. 
 
"ક્રિકેટ ગમે છે, પણ મને ઘોડેસવારીનો બહુ શોખ છે," એમ તેઓ હસતાંહસતાં કહે છે.
 
"હું દોડતાં ઘોડા પર કૂદીને બેસી શકું છું અને ઊતરી પણ શકું છું" એમ તેઓ કહે છે. કદાચ એ જ કામ તેઓ કૉંગ્રેસમાં કરી રહ્યા છે.
 
ચાલતી ગાડીએ ચડી જાય અને ઊતરી પણ જાય. જોકે, હજુ સુધી તેમણે ભાજપના ઘોડા પર સવારી કરી નથી.
 
"રાજકારણી તરીકે તમને બહુ માન મળતું નથી પણ સામાજિક કાર્યકર તરીકે માન મળે છે. હું સામાજિક કાર્યકર જ છું અને રહીશ." એમ અલ્પેશ ઠાકોર આખરમાં કહે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મેનકા ગાંધીએ મુસલમાનો વિશે એવું શું કહ્યું કે વિવાદ થઈ ગયો?