Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

26/11 મુંબઈ હુમલો : કેવી રીતે લેવાઈ હતી કસાબની આ તસવીર?

26/11 મુંબઈ હુમલો : કેવી રીતે લેવાઈ હતી કસાબની આ તસવીર?

જહાન્વી મુળે

, મંગળવાર, 26 નવેમ્બર 2019 (14:20 IST)
વર્ષ 2008માં મુંબઈમાં ચરમપંથીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 166 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને સેંકડો લોકો ઘાયલ થયાં હતાં.
 
આ હુમલામાં 60 કલાક સુધી અથડામણ ચાલી હતી. હુમલાની એક તસવીર ખૂબ જ જાણીતી થઈ હતી.
 
હાથમાં રાઇફલ પકડેલી કસાબની એ તસવીર મુંબઈના ફોટોગ્રાફર સૅબેસ્ટીયન ડી'સૂઝાએ ક્લિક કરી હતી.
 
કસાબની આ તસવીર ઉપરાંત ડી'સૂઝા ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં તોફાનો દરમિયાન ક્લિક કરેલી ગુજરાતની એક તસવીર માટે પણ જાણીતા થયા છે.
 
આજે મુંબઈ હુમલાને 10 વર્ષ થઈ રહ્યાં છે ત્યારે, સૅબેસ્ટીયનને કેવી રીતે મળી હતી કસાબની એ તસવીર એ જાણવું રસપ્રદ રહેશે.
 
"કંટાળાજનક દિવસ હતો"
webdunia
મુંબઈ હુમલાનો દિવસ યાદ કરતા સૅબેસ્ટીયન ડી' સૂઝા કંઈક આવો જવાબ આપ્યો હતો કે એ દિવસ 'કંટાળાજનક' હતો.
 
આ હુમલાના એક દાયકા બાદ 66 વર્ષના ડી'સૂઝા નિવૃત થઈ ગયા છે અને હાલમાં તેઓ ગોવામાં રહે છે, જ્યાંથી તેમણે ફોન પર વાતચીત કરી હતી.
 
ત્યારે ડી'સૂઝા 'મુંબઈ મિરર'માં ફોટો ઍડિટર હતા. 26 નવેમ્બર 2008ની એ સાંજે તેઓ પોતાની ઓફિસમાં બેઠા હતા.
 
જે સ્ટેશન પર હુમલો થયો ત્યાંથી ડી'સૂઝાની ઑફિસ ખાસ દૂર નહોતી. જોકે, તેમને એ બાબતની જાણ નહોતી કે શહેર પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો છે.
 
પહેલાં લિયોપૉલ્ડ કૅફે પર ગોળીબારના સમાચાર મળ્યા. ત્યારબાદ સમાચાર આવ્યા કે વૈભવી 'હોટલ તાજ મહલ પૅલેસ'માં પણ ગોળીબાર થયો છે.
 
એ દિવસ યાદ કરતા ડી'સૂઝા કહે છે, "ખૂબ જ કંટાળાજનક દિવસ હતો. અમે ઑફિસમાં જ હતા. એ દિવસે કોઈ પાસે સારા ફોટોગ્રાફ્સ નહોતા."
 
"લોકો અંદરો અંદર જ વાતચીત કરી રહ્યા હતા. અચાનક જ હુમલાના ન્યૂઝ વહેતા થયા અને લોકો પોતાની બૅગ લઈને દોડ્યા."
 
ગોળીબાર તરીકે વહેતો થયેલા એ સમાચારે બાદમાં મુંબઈને 60 કલાક સુધી ધમરોળ્યું હતું.
 
શહેરના મુખ્ય રેલવે સ્ટેશન, બે વૈભવી હોટલ, યહૂદીઓના સાંસ્કૃતિક કેન્દ્ર પર કરાયેલા એ ચરમપંથીઓના હુમલામાં 160થી વધુ લોકોના જીવનો ભોગ લેવાયો.
 
આ હુમલામાં નવ હુમલાખોરો પણ માર્યા ગયા.
 
હુમલાનો એક માત્ર જીવિત હુમલાખોર અજમલ કસાબ અને તેના સાથીએ શહેરના મુખ્ય રેલવે સ્ટેશન પર હુમલો કર્યો હતો, જેમાં 52 લોકોનાં મૃત્યુ થયાં હતાં
 
સ્ટેશનમાં નરસંહાર
 
સમાચાર સાંભળીને ઘટના સ્થળ પર પહોંચેલા ડી' સૂઝાએ સ્ટેશન પર પહોંચીને જે જોયું તે ખૂબ જ ચોંકાવનારું હતું. રણમેદાનોથી જોજનો દૂર આવેલા અને કહેવાતા સુરક્ષિત શહેરમાં તેમણે ક્યારેય આવું જોયું નહોતું.
 
ડી'સૂઝાએ કહ્યું, "મારા માટે આ નવું હતું. મેં ક્યારેય ઉગ્રવાદી હુમલો જોયો નહોતો."
 
"મારી આદત રહી છે કે કંઈ પણ અજુગતું લાગે તો હું ચોક્કસપણે તેની તસવીરો મેળવવાનો પ્રયાસ કરું."
 
ડી' સૂઝા કસાબ અને તેના સાથી ઈસ્માઈલને જોયા હતા તે ક્ષણને યાદ કરતા કહ્યું:
 
"તેઓ સામાન્ય ટ્રેન અને લોકલ ટ્રેનના પ્લૅટફૉર્મની વચ્ચે ઊભા હતા."
 
"તમે એમને પહેલી નજરે ઓળખી ન શકો. તેઓ ખભે બૅગ લટાકાવેલા મુસાફરો જેવા લાગતા હતા."
 
"તેઓ ગોળી ના ચલાવે તો એક ઉગ્રવાદી તરીકેની તેમની ઓળખ કરવી મુશ્કેલ હતી."
 
"અચનાક તેમણે ગોળીબાર શરૂ કર્યો અને એક માણસનું મૃત્યુ થયું."
 
ત્યારબાદ છુપાતા-છુપાતા ડી'સૂઝાએ તેની તસવીરો ક્લિક કરી હતી.
 
ડી' સૂઝાએ વધુમાં જણાવ્યું, "મેં તેમના પરથી મારું ધ્યાન બિલકુલ હટાવ્યું નહોતું."
 
"એ લોકો શું કરી રહ્યાં છે, હું તે જોવા માગતો હતો."
 
"એવું નહોતું કે હું ફોટોગ્રાફર છું એટલે મારે આ તસવીરો મેળવવી જરૂરી હતી."
 
"પરંતુ હું એ જાણવા માગતો હતો કે આ લોકો કોણ છે? શું તેઓ ખરેખર ઉગ્રવાદીઓ છે કે કેમ? શા માટે તેઓ લોકોને મારી રહ્યા છે?"
 
"હું આ સમગ્ર ઘટનાક્રમને સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો."
 
એ બંદૂકધારીઓ જ્યાં સુધી સ્ટેશનની બહાર ન નીકળ્યા ત્યાં સુધી ડી'સૂઝાએ તેમનો પીછો કર્યો.
 
અંતે ટી-શર્ટ પહેરેલા, અને હાથમાં બંદૂક લઈને ઊભેલા કસાબની સ્પષ્ટ તસવીર મેળવવામાં ડી'સૂઝા સફળ થયા. કોર્ટમાં જ્યારે આ કેસ ચાલ્યો ત્યારે આ તસવીર હુમલાના પુરાવા તરીકે રજૂ થઈ હતી.
 
આ તસવીરના મહત્ત્વને ધ્યાનમાં રાખતાં 'વર્લ્ડ પ્રેસ ફોટો કૉન્ટેસ્ટ'માં વર્ષ 2009માં તેને વિશેષ સન્માન અપાયું હતું.

હવે ફરીથી વાત હુમલાની. 27મી નવેમ્બર 2008ની સવારે પણ મુંબઈ પરનો હુમલો અટક્યો નહોતો.
 
બંદૂકધારીઓએ શહેરની 'હોટલ તાજ' અને 'ઓબેરોય હોટલ' તેમજ 'નરિમાન હાઉસ'માં કેટલાક લોકોને બંધક બનાવી રાખ્યા હતા.
 
કસાબની એ તસવીર 'મુંબઈ મિરર'ના પ્રથમ પાને છપાઈ હતી.
 
ત્યારથી લઈને આજ સુધી આ તસવીરે મુંબઈવાસીઓના માનસ પર ઊંડી છાપ છોડી છે.
 
આ તસવીરે આંતરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી હોવા છતાં હુમલાના 10 વર્ષ બાદ પણ ડી'સૂઝા ચર્ચાઓથી દૂર રહ્યા છે. દસ વર્ષ બાદ પણ તેમનું મંતવ્ય બદલાયું નથી.
 
તેમણે કહ્યું, "મેં કંઇક અલગ કર્યું છે હોય એવું હું આજે પણ માનતો નથી."
 
"આ વાત ખૂબ જ સામાન્ય હતી. એક ઘટના મારી સામે થઈ અને મેં તેને રૅકર્ડ કરી."
 
"હું તેના માટે કોઈ વિશેષ ગર્વ અનુભવતો નથી. લોકો જે કહે તે, મેં તો ફક્ત મારું કામ કર્યું હતું."
 
 
ડી' સૂઝા એ ઘટનાને ભૂલી જવા માગે છે. તેમણે વધુમાં કહ્યું, "મેં જે કામ કર્યું તેનો મને કોઈ ગર્વ નથી."
 
"મેં એક હુમલાખોરની તસવીર ક્લિક કરી હતી. જો મારી કોઈ અન્ય તસવીરને આટલી લોકપ્રિયતા મળી હોત તો મારી લાગણી જુદી જ હોત."
 
જે વિશેષ અદાલતમાં કસાબનો કેસ ચાલ્યો હતો ત્યાં ડી'સૂઝાની જુબાની પણ લેવાઈ હતી.
 
ડી'સૂઝાને કસાબ સાથેની કોર્ટરૂમની બીજી મુલાકાત પણ બરાબર યાદ છે.
 
તેમણે એ મુલાકાતને યાદ કરતા જણાવ્યું, "મેં કસાબને કોર્ટરૂમમાં જોયો હતો."
 
"એ વખતે તે સાવ અલગ જણાતો હતો. મારા મતે હુમલા વખતે તેને ખરેખર ખબર નહોતી તે શું કરી રહ્યો છે."
 
"મને લાગે છે કે એ લોકોને રૉબોટની જેમ તૈયાર કરાયા હતા. બાકી, કોઈને મારવાનું કામ તમે કે હું ન કરી શકીએ."
 
કોર્ટે કસાબને વર્ષ 2010માં મુંબઈ હુમલાનો દોષી કરાર ઠેરવતા મૃત્યુદંડની સજા સંભળાવી હતી.
 
કોર્ટના ચુકાદા બાદ વર્ષ 2012માં 21મી નવેમ્બરે પુણેની યરવડા જેલમાં કસાબને ફાંસીની સજા અપાઈ હતી.
 
ગોળીબાર અને ભય
 
જ્યારે મુંબઈના સ્ટેશન પર કસાબ અને તેના સાથી દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો, ત્યારે અને કસાબની ફાંસીના છ વર્ષ બાદ ડી' સૂઝા એક ક્ષણ માટે પણ ભયભીત થયા નહોતા.
 
જ્યારે તેમને પૂછ્યું કે ક્યારેય આ બાબતનો ડર લાગ્યો હતો કે નહીં? ડી'સૂઝાએ જણાવ્યું હતું કે ક્યારેય તેઓ ડર્યા નહોતા.
 
"હું ક્યારેય ગભરાયો નહોતો. તમારી સામે આવી સ્થિતિ આવે તો તમે શું કરો?"
 
"ભાગો કે દોડો, કારણ કે માણસ તરીકે સૌ કોઈ પોતાની જાતને બચાવવા દોડે તે સ્વાભાવિક છે. ઘણા પત્રકારો હતા જે ઘટના સ્થળેથી ભાગી ગયા હતા."
 
શું ડી'સૂઝાના પરિવારને જાણ હતી કે તેઓ આ પ્રકારની ઘટનાના સાક્ષી હતા?
 
આ સવાલના જવાબમાં તેઓ હસતાં-હસતાં કહે છે, "મને જીવિત જોઈને તેઓ ખુશ હતા."
 
"મારાં પત્ની આખી રાત ચિંતામાં હતા. મારો ફોન બંધ હતો, જ્યારે હું તસવીર લઈ રહ્યો હતો, ત્યારે ખૂબ જ શાંતિ હતી."
 
"આ સ્થિતિમાં મારે ફોન બંધ રાખવો જરૂરી હતો."
 
"આ નિડરતા મારી અંદર વર્ષોના અનુભવથી આવી છે."
 
 
ડી'સૂઝા કહે છે, "મેં અનેકવાર ધમાલો અને તોફાનોની વચ્ચે કામ કર્યું હતું. તેના અનુભવથી મારી અંદર આ નિડરતા આવી છે."
 
તેઓ ઉમેરે છે, "મારું પ્રથમ ઍસાઇન્મૅન્ટ તોફાનોનું જ હતું. મને નાગરીપાડા મોકલવામાં આવ્યો હતો."
 
"મેં પોલીસ પર છૂરાબાજી થતી જોઈ હતી. તે દિવસથી આ પ્રકારની ધમાલો વચ્ચે કામ કરવાની મને આદત પડી ગઈ હતી."
 
વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા ત્યારે ડી'સૂઝા એએફપી (એજન્સી ફ્રાન્સ પ્રેસ) ન્યૂઝ એજન્સી માટે કામ કરતા હતા.
 
તેમણે ગુજરાતના રમખાણો વખતે એક તસવીર ક્લિક કરી હતી, તે જ તસવીર ગુજરાત રમખાણોની આઇકૉનીક તસવીર બની ગઈ હતી.
 
એ તસવીર વિશે ડી'સૂઝાએ જણાવ્યું, "મેં 300 એમએમ લૅન્સથી એ તસવીર ક્લિક કરી હતી."
 
"હું એ વ્યક્તિથી ઘણો દૂર હતો.એ વિશાળ ટોળું બેકાબૂ બન્યું હતું. તેઓ કોઈ જગ્યાએ હુમલો કરવા જવાની તૈયારીમાં હતા."
 
"મેં ત્યારે એ તસવીર ક્લિક કરી હતી. જોકે, લોકોએ મારા પર આક્ષેપ કર્યો હતો કે મેં એ વ્યક્તિને ઊભો રાખીને તસવીર ક્લિક કરાવી છે."
 
યુવા ફોટોગ્રાફર્સને સલાહ
 
 
"હું પત્રકાર પરિષદમાં પણ કોઈની અગાઉથી નક્કી કરેલી તસવીરો ક્લિક કરતો નહોતો."
 
યોગ્ય સમયે યોગ્ય સ્થળે પર પહોંચવું આજના સમયમાં પણ પત્રકારો માટે મહત્ત્વપૂર્ણ છે, એમ ડી' સૂઝા જણાવે છે.
 
આજના સમયમાં સામાન્ય માણસ પાસે પણ મોબાઇલ ફોન છે તેથી તસવીર લેવું સરળ બન્યું છે.
 
યુવા ફોટોગ્રાફરને સલાહ આપતા ડી'સૂઝાએ વધુમાં કહ્યું, "તમારે સતત નજર રાખવી પડે. ધીરજ રાખવી જરૂરી છે. ઉતાવળ કરવી નહીં. ઉતાવળમાં કદાચ તમે કંઈક ચૂકી જશો."
 
"તમારા નિર્ણાયક તમે જ છો. રાહ જોવી અને સ્થિતિને સમજીને કામ કરવું. પાગલોની જેમ દોડાદોડી કરવાથી સારી તસવીર નહીં મળે."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રૂપાણી સરકારનો સંવેદનશીલ નિર્ણયઃ કુપોષણ મુક્ત કરવા બાળકદીઠ રૂ. 2 ફાળવ્યા