મોટેરાના નસીબ ખુલી ગયા! અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ મોટેરા બન્યુ છે પણ મોટેરા ગામ વર્ષોથી વિકાસની રાહ જોતું હતું. હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અહી સ્ટેડીયમ આવી રહ્યા છે તેથી મોટેરાને જોડતા તમામ માર્ગો પર ‘વિકાસ’ દેખાવા લાગ્યા છે. ડામર સિમેન્ટ પથરાયા, નવી રેલીંગ લાગી ગઈ છે અને તૈયાર વૃક્ષોનું રીપ્લોટેશન થયું છે. દબાણ હટી ગયા છે અને ગરીબી ન દેખાય તે માટે આદેશ અપાયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ માસમાં તા.23થી ભારતની મુલાકાતે આવી રહ્યા છે અને તેમની આ યાત્રાનો પ્રારંભ અમદાવાદથ જ કરે તેવા સંકેત છે. ટ્રમ્પ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે અને પછી તેઓ ટાઉન હોલ જેવા ઈવેન્ટને સંબોધન કરશે. જો કે આ કાર્યક્રમનું સ્થળ નિશ્ચિત થયું નથી. અમેરિકી પ્રમુખની એડવાન્સ ટીમ આ સપ્તાહમાં અમદાવાદ આવી રહી છે જે આ અંગે આખરી નિર્ણય લેશે. તેઓ અમદાવાદમાં થોડા કલાકો ગાળીને સાંજે જ દિલ્હી જવા રવાના થશે. ટ્રમ્પની સાથે તેમના પત્ની મેલાનીઆ કે પુત્રી ઈવાન્કા આવશે તે હજુ નિશ્ચિત નથી. ઈવાન્કા 2017માં ભારત આવી ચૂકયા છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ભવ્ય સ્વાગત- ગાંધી સમાધી પર પુષ્પાંજલી અને વડાપ્રધાન સાથે શિખર મંત્રણા તથા સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભોજન સમારોહ તથા તેમાં આગ્રાની ટુંકી મુલાકાત લઈને પરત જશે. સૂત્રો કહે છે કે ટ્રમ્પને મુંબઈ લાવવા માટે ઉદ્યોગ લોબી સક્રીય છે પણ અમદાવાદ આવી ગયા બાદ મુંબઈની મુલાકતા ગોઠવાય તેવી શકયતા નહીવત છે. અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડીયમનું ઉદઘાટન ડોનાલ્ડ ટ્રમ્પ કરે તેવી ધારણા છે જેથી અહી સ્ટેડીયમને આખરી સ્વરૂપ આપવાનું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે. અહી જ કેમ છો મીસ્ટર પ્રેસીડેન્ટ કાર્યક્રમ યોજાઈ શકે છે તો સ્ટેડીયમન જોડતા માર્ગોનું ઝડપથી નવીનીકરણ શરૂ થયું છે. અમદાવાદ એરપોર્ટથી લઈને હોટેલ તથા સ્યેડીયમ, ગાંધી આશ્રમના માર્ગો જે રીતે મઢાઈ રહ્યા છે તથા દબાણો હટાવીને બ્યુટીફીકેશન શરૂ થયુ છે. તેનાથી સમગ્ર વિસ્તારનો નકશો બદલાઈ જશે તેવું લાગે છે. માર્ગો પર નવી રેલીંગ મુકાઈ રહી છે અને અહી તૈયાર ઉગેલા વૃક્ષોનું રીપ્લોટેશન થઈ રહ્યા છે. મોટેરા જે વર્ષો સુધી વિકાસને ઝંખતું હતું તેને હવે રાતોરાત વિકાસની કલ્પના કરી ન હોય તેવી સુવિધા મળશે તેવા આયોજન છે. માર્ગો તો હાઈવે કરતા પણ શ્રેષ્ઠ બની ગયા છે.