અમદાવાદ શહેરમાં ફરી કોરોનાનું સંક્રમણ અટકાવવા ટ્રેનમાં રાજ્ય બહારથી આવતાં મુસાફરોના પણ ટેસ્ટ કરાઈ રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર યાત્રીઓના રેપીડ ટેસ્ટમાં રાજધાની ટ્રેન સહિત અન્ય ટ્રેનમાં એક દિવસમાં આવેલા કુલ 1694 યાત્રીઓના ટેસ્ટિંગ કરતા 31 કેસ પોઝિટિવ મળી આવ્યાં હતાં. દિવસ દરમિયાન 3 ટ્રેનો આવતી હોવાથી તેમાં આવતા તમામ મુસાફરોના ફરજિયાત ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. પોઝિટિવ આવતા લોકોને કોવિડ સેન્ટરમાં ખસેડવામાં આવે છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ડોમ ઉભો કરવામાં આવ્યો છે. બહારગામથી ટ્રેન મારફતે અમદાવાદ આવતાં મુસાફરોનું ફરજિયાત ટેસ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. દિલ્હી અમદાવાદ રાજધાની ટ્રેન સહિત ત્રણ ટ્રેનના મુસાફરોનું ટેસ્ટીંગ શરૂ થયું છે. જેમાં કાલે ટેસ્ટીંગની કામગીરી દરમ્યાન 16 કેસો પોઝિટિવ મળી આવ્યાં હતાં. આજે રાજધાની એક્સપ્રેસ, ગોરખપુર એક્સપ્રેસ અને મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેનમાં આવેલા કુલ 1694 યાત્રીઓનું ટેસ્ટિંગ કરતા 33 લોકો પોઝિટિવ મળ્યા હતા. તેઓને જરૂરી તબીબી સારવાર આપવામાં આવી હતી. તો ગંભીર લક્ષણો હોય તેવા મુસાફરને કોવિડ કેર સેન્ટર અને કોવિડ હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરાઇ હતી. સોશિયલ ડિસ્ટન્સ સાથે ડોમમાં તમામ મુસાફરોનું સ્ક્રીનીંગ કરી અને રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી હજી પણ ચાલુ રહેશે. બહારથી આવતા આવા મુસાફરોના ટેસ્ટિંગથી મહદ અંશે કોરોનાનાં કેસો ઘટી શકે છે.