અમદાવાદ એરપોર્ટ પરથી એક વર્ષમાં 23 કરોડનું 64 કિલોગ્રામ સોનું જપ્ત કરાયું
, મંગળવાર, 28 જાન્યુઆરી 2020 (14:19 IST)
અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમના અધિકારીઓએ એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં રૂ. 23 કરોડની કિંમતનું 64 કિલોગ્રામ દાણચોરીનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ કસ્ટમ ડેના દિવસે સોમવારે અમદાવાદ કસ્ટમ કમિશનર કુમાર સંતોષે જણાવ્યું કે, કસ્ટમ ડિપાર્ટમેન્ટની વર્ષ 2017-18માં રૂ. 15 હજાર કરોડ, 2018-19માં 19 હજાર કરોડ, અને 2019-20માં 16,500 કરોડની આવક થઈ છે. ગત વર્ષની સરખામણીએ ડિસેમ્બર 2019 સુધીમાં 14 ટકાની વૃદ્ધિ કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ 2017-18માં 10.95 લાખ, 2018-19માં 13.14 લાખ અને તા. 25 જાન્યુઆરી સુધીમાં 12.10 લાખ પેસેન્જરોની અવર જવર અમદાવાદ એરપોર્ટ પર રહી હતી. એરલાઇન્સની સંખ્યા વધવાથી પેસેન્જરોની સંખ્યામાં પણ વધારો થયો છે. એરપોર્ટ કસ્ટમની કુલ ડ્યુટી 2017-18માં રૂ.1005.65 (લાખ), 2018-19માં રૂ.827.96 લાખ અને જાન્યુઆરી સુધીમાં રૂ.585 લાખ થઇ છે. દાણચોરીનું સોનું પેસેન્જરને પરત આપવામાં આવતું નથી જે કેન્દ્ર સરકાર હસ્તક જમા કરી લેવામાં આવે છે. ઇન્ટરનેશનલ કસ્મટ ડેન ઉજવણીના દિવસે પ્રિન્સીપલ ચીફ કમિશનર સીજીએસટીના અજય જૈને જણાવ્યું હતું કે, કસ્ટમની કામગીરીથી દેશની આવકને નુકશાન પહોંચતું નથી. આઇઆઇએમના ડાયરેકટર ડો. એરોલ ડિસૂજાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં વિદેશ વેપારની સંખ્યામાં વધારો થયો છે અને તેના કારણે વેપારીઓને મોટો ફાયદો થઇ રહ્યો છે. દેશની આવકમાં પણ વધારો થાય છે.
આગળનો લેખ