જ્યા પાર્વતીવ્રતને ગૌરીવ્રત પણ કહેવાય છે. આ વ્રત બે ભાગોમાં થાય છે. 5 વર્ષથી લઈને 12 વર્ષની કન્યાઓ આ વ્રત કરે છે તેને ગોરમાંનુ વ્રત કહેવાય છે. ગોરમાંના વ્રતમાં વ્રત શરૂ કરતા પહેલા માટીના વાસણ માટી ભરીને જુવાર-ઘંઉ-મગના જુવારા ઉગાડવામાં આવે છે. જુવારા ઊગી જાય ત્યારબાદ પાંચ દિવસ સુધી નિત્ય કાંઠાગોરનું પૂજન કરવું, જુવારાનું પૂજન કરવું, રૂ નો હાર બનાવવો, જેને નાગલા કહેવાય છે. જુવારાને આ હાર નિત્ય અર્પણ કરવો.
- બીજા ભાગમાં આવે છે જયા પાર્વતી વ્રત. આ વ્રત ખાસ કરીને 14 વર્ષથી ઉપરની કન્યાઓ અને વિવાહીત મહિલાઓ કરે છે. જયા પાર્વતી વ્રતમાં પૂજાની સામગ્રી મંદિરમાં લઈ જઈને રોજ સવારે સ્નાન વગેરે કરીને મહાદેવ અને પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આ વ્રત કરવાથી, વિવાહીત મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. અને કુંવારી કન્યાઓ સારો પતિ પ્રાપ્ત થાય છે.
- જયાપાર્વતી વ્રત અષાઠ શુકલ પક્ષની તેરસે શરૂ કરીને કૃષ્ણપક્ષની તૃતિયા સુધી એમ પાંચ દિવસ ચાલે છે. મા પાર્વતી પાસે પરણિત બહેનોએ અખંડ સૌભાગ્ય તેમજ કુંવારી કન્યાઓએ સારા વરની માંગણી કરી, આશિર્વાદ પ્રાપ્ત કરે છે.
- આ બંને ભાગના વ્રત દરમ્યાન માત્રને માત્ર ફળ-દૂધ દહીં, ફ્રુટ જ્યુસ, ડ્રાયફ્રુટ જમવામાં લઇ શકાય. તે સિવાય એકપણ વસ્તુ ખાવાની મનાઇ છે. દૂધની મીઠાઇ ખાઇ શકાય છે. આ વ્રતમાં મીઠુ બિલકુલ નથી લેવામાં આવતુ તેથી તેને અલૂણાં વ્રત પણ કહે છે. આ વ્રતમાં નાની કન્યાઓને કોઈ તકલીફ ન થાય એ માટે અનાજમાં ફક્ત ઘઉંના લોટની મીઠા વગરની રોટલી ખાઈ શકાય છે. મોટી ઉંમરની કન્યાઓ પોતાની શક્તિ મુજબ વ્રત કરી શકે છે.
- વ્રતના અંતિમ દિવસે રાત્રી જાગરણ કરવાનું મહત્વ છે. જાગરણ એક પ્રતિક છે, જાગરણમાં ધૂન-ભજન-ઉપાસના-જાપ કરવાનું મહત્વ છે. જાગરણ કરવાનું છે એવુ વિચારીને ફક્ત ફિલ્મો જોઈને ટાઈમ પાસ કરવા જાગરણ ન કરવુ જોઈએ. જાગરણ સાચા મનથી કરવુ. ઈશ્વરની આરાધના કરવી.
- વ્રતની ઉજવણી પાંચ વર્ષને અંતે, સાત વર્ષને અંતે કે પછી 9 વર્ષને અંતે કરી શકાય છે.
આ વ્રતની ઉજવણીમાં વ્રતના ચાલુ દિવસોમાં મતલબ પાંચ દિવસોમાંથી ગમે ત્યારે એક દિવસે પાંચ કન્યાઓ કે સૌભાગ્યવતી સ્ત્રીઓને બોલાવીને જમાડવામાં આવે છે. જો વ્રત દિવસ દરમિયાન ઉજવણી કરો તો કન્યાઓને કે સૌભગ્યવતીને એ જ વસ્તુઓ ખવડાવો જે તમે પાંચ દિવસ દરમિયાન આરોગો છો. સામાન્ય રીતે વ્રતની ઉજવણી જાગરણના બીજા દિવસે એટલે કે વ્રત પુરા થયા પછી જ્યારે વ્રત છોડવાનુ હોય એ દિવસે કરવામાં આવે છે. આ વ્રતની ઉજવણીમાં કુંવારી કન્યાઓ એ જ કન્યાઓને બોલાવી શકે છે જેઓ વ્રત કરતી હોય અને સૌભાગ્યવતી સ્ત્રીઓ પણ એ જ સ્ત્રીઓને બોલાવી શકે છે જેઓ જયા પાર્વતીનું વ્રત કરતી હોય. ઉજવણીમાં સંપૂર્ણ ભોજન, મિષ્ઠાન્ન કરાવીને ફળ અને તમારી શક્તિ મુજબ કોઈપણ એક વસ્તુ (વાસણ કે સૌભાગ્યનો સામાન) અને ફળ આપીને કન્યાઓ કે સ્ત્રીઓનો આદર કરવામાં આવે છે. જે વસ્તુ તમે કન્યાઓને કે સ્ત્રીઓને આપવાના હોય તે સૌ પ્રથમ સવારે મંદિરમાં પાર્વતીજી સામે પણ મુકવી જોઈએ.
- આ વ્રતની એકવાર ઉજવણી કર્યા પછી તમે ફરી વ્રત કરો તો ઉજવણી કરવાની જરૂર પડતી નથી. પરંતુ વ્રત કરો તો એકવાર ઉજવણી તો કરવી જ પડે છે.