જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની દસમી તિથિએ ગંગા દશેરા ઉજવવામાં આવે છે. દાનની દૃષ્ટિએ તેનું વિશેષ મહત્વ છે. નિર્જલા એકાદશીના એક દિવસ પહેલા એટલે કે 30મી મેના રોજ ગંગા દશેરા છે. આ દિવસે પવિત્ર ગંગા નદીમાં સ્નાન અને જરૂરિયાતમંદ લોકોને દાન આપવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. માન્યતા અનુસાર આ દિવસે માતા ગંગા પૃથ્વી પર અવતર્યા હતા. આ દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી તમારા બધા પાપોનો અંત આવે છે.
ગંગા દશેરા પર બની રહ્યા છે આ શુભ યોગ
આ વખતે ગંગા દશેરાનો તહેવાર 3 શુભ યોગો વચ્ચે ઉજવવામાં આવશે. આ દિવસે રવિ યોગ, સિદ્ધિ યોગ અને ધન યોગની રચના થઈ રહી છે. આ સાથે જ જ્યોતિષમાં શારીરિક સુખનો કારક ગણાતા શુક્રનું સંક્રમણ પણ કર્ક રાશિમાં થઈ રહ્યું છે અને આ રીતે આ દિવસે ધનયોગ પણ બની રહ્યો છે. આ શુભ સંયોગોની વચ્ચે ગંગા દશેરાનું મહત્વ વધુ વધી ગયું છે. આ દિવસે દાન કરવાથી તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ વધે છે.
ગંગા દશેરાનો શુભ સમય
જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની દશમી તિથિ 29 મેના રોજ સવારે 11.49 કલાકે શરૂ થશે અને 30 મે મંગળવારના રોજ બપોરે 1.07 કલાકે પૂર્ણ થશે. ઉદયા તિથિની માન્યતા અનુસાર, ગંગા દશેરા 30 મેના રોજ ઉજવવામાં આવશે.
ગંગા દશેરાનું મહત્વ
ગંગા દશેરાને લઈને એક ધાર્મિક માન્યતા છે કે આ દિવસે માતા ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતર્યા હતા. ગંગા દશેરાના દિવસે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવું જોઈએ. જો તમારા માટે આવું કરવું શક્ય ન હોય તો તમારે ઘરમાં સ્નાન કરતી વખતે પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ. આ દિવસે માતા ગંગાની પૂજા કરવામાં આવે છે.
ગંગા દશેરા પર આ વસ્તુઓનુ કરો દાન
ગંગા દશેરાના તહેવાર પર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન આપવાનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે ગંગા દશેરા પર દાન કરવા માટેની વસ્તુઓની સંખ્યા 10 હોવી જોઈએ. આ દિવસે તમે 10 ફળ, 10 પંખા, 10 જગ, 10 છત્રી અથવા ભોજનના 10 ભાગોનું દાન કરી શકો છો. ગંગા દશેરાના દિવસે કેટલાક લોકો પોતાના ઘરે હવન પૂજા કરાવે છે. એવું કહેવાય છે કે આ દિવસે હવન કરવાથી તમારા ઘરમાંથી દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે.