આજે એટલે કે 27મી જુલાઈને મંગળવારે સંકષ્ટી ચતુર્થી છે. અષાઢ કૃષ્ણ તિથિ ચતુર્થી એટલે કે અંગારકી સંકષ્ટ ચતુર્થી છે. ભગવાન ગણેશની સાધના-આરાધના અને પ્રાર્થનાનો અનેરો અવસર છે. વિઘ્નહર્તાના લાખો ભાવિકો અંગારકી ચોથના દિવસે ઉપવાસ કરી પ્રાર્થના અને આરાધના શ્રદ્ધાના સથવારે કરી બાપાના આર્શીવાદ લેવાનો પ્રયત્ન કરે છે.
મંગળવારે પડતી ચતુર્થીને અંગારકી ચતુર્થી કહેવામાં આવે છે. સંકષ્ટી ચતુર્થી એટલે ચતુર્થી જે સંકટને હરાવે છે. આ દિવસે ભક્તો વિધિ મુજબ ભગવાન ગણેશની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી ભક્તોના બધા દુ:ખ દૂર થાય છે. દર મહિને પૂર્ણ ચંદ્ર પછી આવતી ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે. જ્યારે અમાવાસ્યા પછીની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. આમ મહિનામાં બે વાર ચતુર્થી વ્રત રાખવામાં આવે છે.
અંગારકી સંકષ્ટી ચતુર્થી શુભ મુહૂર્ત
ચતુર્થી તિથિ 27 જુલાઈના રોજ સાંજે 03:54 વાગ્યાથી શરૂ થશે અને 28 જુલાઈના રોજ બપોરે 02:16 સુધી રહેશે.
ચંદ્રમાનો સમય
ચંદ્રોદય - 27 જુલાઈ 9:50 PM
ચન્દ્રઅસ્ત - 28 જુલાઈ 9:40 AM
સંકષ્ટી ચતુર્થીનું મહત્વ-
ધાર્મિક માન્યતાઓ અનુસાર, સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી ભક્તોના બધા અવરોધો દૂર થાય છે. શાસ્ત્રોમાં ભગવાન ગણેશને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે સંકષ્ટી ચતુર્થી પર ચંદ્રનું દર્શન કરવું શુભ હોય છે. આ વ્રત ચંદ્રને અર્ઘ્ય અર્પણ કર્યા પછી જ પૂર્ણ માનવામાં આવે છે.
પૌરાણીક માન્યતા અનુસાર અંગારકી ચોથ સાથે પણ એક ધાર્મિક માન્યતા સંકળાયેલ છે. આવો આપણે જોઇએ... કહેવાય છે કે ભારદ્રાજ ઋષિ ગણેશજીના પરમ ભક્ત હતા. તો તેમના પણ અંગારા ઋષિ પણ પિતાના પગલે ગણેશજીના ભક્ત બન્યા. અને માત્ર ભક્ત નહી પરંતુ અનન્યભાવથી વિધ્નહર્તાની ભકિત કરવા લાગ્યા તેમની તપસ્યા અને ભાવ જોઇને ભગવાન ગણેશ તેમનાં પર પ્રસન્ન થયા અને તેમને એક વરદાન માંગવાનું કહ્યું.
આ વેળાએ અંગારા ઋષિએ ભારે નમ્રતાથી કહ્યુ હુ હાથ જોડવા માંગુ છું ભગવાન ગણેશ આ સાંભળી સહજ હસ્યા આ દિવસે કૃષ્ણા ચર્તુથી હતી. આથી આ દિવસથી યોગ અને સંયોગ જોઇને વદ ચર્તુથી અને મંગળવારના દિવસે આવતા યોગ અને અંગારક ચર્તુથી નામ અપાયું. આ ચર્તુથી ચંદ્રોદય સુધીની હોય છે. આ દિવસે ભક્તો ઉપવાસ કરીને ભગવાન ગણેશની પુજા કરીને પારણા કરે છે.
વિઘ્નહર્તા દેવ શ્રીગણેશની કૃપા મેળવવા માટે અંગારકી ચોથ ઉત્તમ ગણાય છે. મંગળવાર અને માઘ ત્રીજનો અનોખો સંયોગ થતાં, આ દિવસને અંગારકી સંકષ્ટ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે, આમ તો અંગારકી ચોથ સામાન્ય રીતે વર્ષમાં એક કે બે જ વાર આવે છે. 2021 માં 3 અંગારિકા ચતુર્થી છે. એક 2 માર્ચના રોજ હતી, બીજી આજે એટલે કે 27 જુલાઈ અને ત્રીજી 23 નવેમ્બરના રોજ અંગારિકા ચતુર્થી છે.
અંગારકી સંકષ્ટ ચતુર્થી, ગણેશ ઉપાસના માટેનો વિશેષ દિવસ ગણવામાં આવે છે. શ્રદ્ધાળુઓ આ દિવસે 'ગણેશયાગ' કરશે. એટલું જ નહીં ગણેશ ઉપાસકો 'ગણપતિ અથર્વશીર્ષ', 'સંકષ્ટનાશન ગણેશસ્તોત્ર' વગેરે સ્તોત્રનું પઠન કરીને વિધ્નહર્તા દેવને પ્રસન્ન કરશે.
આ દિવસે ઓમ્ ગં ગણપતયે નમઃ - આ મંત્રની યથાશક્તિ માળા પણ કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જે કોઈપણ વ્યકિતને પોતાના મહત્ત્વના કાર્યોમાં અવારનવાર વિધ્ન કે મુશ્કેલી પડતી હોય અથવા કાર્ય વારંવાર અધૂરા રહેતા હોય ત્યારે તેમણે શ્રદ્ધાપૂર્વક આ ચોથ કરવાથી અટકેલાં કાર્યો કે વિધ્નો ગણેશજીની કૃપાથી દૂર થાય છે. આ દિવસે વિદ્યાસુખદાતા, ભગવાન ગણેશજી અને મનનાં સ્વામી એવા ચંદ્રમાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લંબોદર એવા ગણેશજીને દૂર્વા, લાલ ફૂલ અર્પણ કરવામાં આવે છે તો મોદક પણ ધરાવવામાં આવે છે.
અંગારકી ચતુર્થી 27 જુલાઈ ચંદ્રોદય સમય રાત્રે 09:40 વાગે