બેંગ્લોર(ભાષા) આજે દક્ષિણ આફ્રિકા સામેની આગામી ટેસ્ટ શ્રેણી માટે સુકાની અનિલ કુંબલે, વરિષ્ઠ ખેલાડી રાહુલ દ્રવિડ, વી વી એસ લક્ષ્મણ અને સૌરવ ગાંગુલીને ફીટ જાહેર કરવામાં આવ્યાં હતાં.
આ શ્રેણીની 26મી માર્ચથી ચેન્નાઈમાં શરુઆત થશે. આર પી સિંહ અને વી આર વી સિંહે પણ નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે યોજાયેલી ફિટનેસ ટેસ્ટમાં પાસ થયા હતાં પરંતુ રાજસ્થાનના બોલર પંકજ સિંહને ત્રણ અઠવાડિયા સુધી આરામ કરવા જણાવવામાં આવ્યું છે.
ઓસ્ટ્રેલિયામાં સારો દેખાવ કરનાર સૌરવ ગાંગુલી ટેસ્ટ માટે ગઈકાલે રાત્રે જ બેંગ્લોર આવી પહોંચ્યો હતો. ટેસ્ટના તારણો નેશનલ ક્રિકેટ એકેડમીએ આજે બીસીસીઆઈને મોકલી આપ્યાં છે.
આ પહેલાં બીસીસીઆઈએ સુચના આપી હતી કે જે ખેલાડીઓ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી રમ્યા હતાં પરંતુ ત્રિકોણિય શ્રેણીમાં ભાગ લીધો ન હતો તેમણે ફીટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડશે.