ખાદ્યતેલની નિકાસ પર 1 વર્ષનો પ્રતિબંધ
સિંગતેલ અને બીજા તમામ તેલો અંગે કેન્દ્રનું તાકીદનું ફરમાન
નવી દિલ્હી. દેશમાં વધતી મોંઘવારીને ડામવા ઘાંઘી થયેલી યુપીએ સરકારે એક અચાનક પગલામાં દેશમાંથી તમામ પ્રકારના ખાદ્યતેલની નિકાસ પર એક વર્ષ માટે પ્રતિબંધ લાદી દીધો છે. ફુગાવાને ભડકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા ખાદ્યતેલનો ભાવવધારો ડામવા સરકારે નિકાસબંધી લાદી છે. આ નિકાસબંધી તા.17 માર્ચથી લાગુ થઈ ગઈ છે અને તેનું નોટીફીકેશન ડિરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની વેબસાઈટ પર મૂકી દેવાયુ છે. સરકારના આ જાહેરનામા મુજબ ખાદ્યતેલની નિકાસના જુના થયેલા સોદા પર આ પ્રતિબંધ લાગુ પડશે નહી તેવીજ રીતે તૈયાર ખાદ્યતેલની નિકાસજ પ્રતિબંધીત છે. સીંગદાણા સહિતના તેલીબીયાની નિકાસ કરી શકશે.
ભારતમાંથી મુખ્યત્વે સીંગતેલ અને નાળીયેર તેલની નિકાસ થાય છે. ખાદ્યતેલની ચાલુ મૌસમના પ્રથમ ચાર માસમાંજ 30,000 ટન સીંગતેલ 5000 ટન- નાળીયેર તેલ તથા 5000 ટન રાયડાના તેલની નિકાસ થઈ ગઈ છે. ખાદ્યતેલની મૌસમ નવેમ્બરથી ઓકટોબરની ગણવામાં આવે છે. ભારતમાં વર્ષ વિવિધ પ્રકારના 100 લાખ ટન ખાદ્યતેલનો વપરાશ છે.
જે આવશ્યકતા પુરી કરવા અર્ધા-અર્ધ ખાદ્યતેલની આયાત કરવામાં આવે છે. ભારતમાં ખાદ્યતેલની આયાત કુદકે અને ભૂસકે વધી રહી છે. ગત મહિને ભારતના વનસ્પતિ તેલની આયાત ત્રણ ગણી વધીને 4.30 લાખ ટન થઈ છે જે ગત વર્ષે આ સમયગાળામાં 1.50 લાખ ટન હતી. બિન ખાદ્યતેલની આયાત પણ ચાર ગણી વધીને 48237 ટનની નોંધાઈ છે. સરકારના આ પગલાને ઘોડો નાસી ગયા બાદ્-તાળા મારવા જેવું ગણવામાં આવે છે.
ભાવ નિયંત્રિત કરવા માટે લેવાયેલું પગલું, પ્રતિબંધનો અમલ શરૂ કરી દેવાયો દેશમાં વધી ગયેલી મોંઘવારીને કારણે યુપીએ સરકાર પર ભાજપના નેતૃત્વવાળા એનડીએ અને ડાબેરીઓએ પણ ભીંસ વધારી દીધી હોવાથી મૂંઝવણમાં મુકાઇ ગયેલી સરકારે મોંઘવારીના મુદ્દે આકરા પ્રહારોથી બચવા માટે પગલાં ભરવાની શરૂઆત કરી દીધી છે.
દરમિયાન, કૃષિ મંત્રાલયનો 2007-08ના વર્ષમાં તેલીબિયાંના ઉત્પાદનમાં વધારો થવાનો અંદાજ છે. ગયા વર્ષે 2.429 કરોડ ટન તેલીબિયાંનું ઉત્પાદન થયું હતું અને ચાલુ વર્ષે 2.716 કરોડ ટનનું ઉત્પાદન થવાની ધારણા છે.સોલ્વન્ટ એકસટ્રેકર્ટસ એસોસિએશન ઓફ ઇન્ડિયા(એસઇએઆઇ)એ જણાવ્યું કે, ચાર મહિનામાં પામ ઓઇલની આયાત 23,989 મેટ્રિક ટનથી વધીને 71,315 મેટ્રિક ટન થઇ ગઇ છે, જયારે ક્રૂડ પામ ઓઇલની આયાત 8,07,402 મેટ્રિક ટનથી વધીને 12.6 લાખ મેટ્રિક ટન થઇ ગઇ છે.