મુખ્યપ્રધાન આનંદીબેનના રાજીનામાને લઈને ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે આનંદીબેને સ્વેચ્છાએ રાજીનામું નથી આપ્યું પણ તેમનું રાજીનામું પરાણે લેવામાં આવ્યું છે. હું હંમેશા મહિલા મુખ્યપ્રઘાનનો આગ્રહી રહ્યો છું, ભાજપે તેમને જેવી રીતે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન બનાવ્યાં તે રીતે તેમને 2017ની ચુંટણી સુધી રહેવા દેવા જોઈતા હતાં. ભાજપે સ્ત્રી દાક્ષિણ્ય સાચવવામાં બહુ મોટી ભૂલ કરી છે.
શંકરસિંહે આક્ષેપ કર્યો હતો કે, આનંદીબેન પટેલના રાજીનામા પાછળ રાજ્યમાં ખદબદલતો ભ્રષ્ટાચાર જવાબદાર છે. તલાટી જેવી પરીક્ષામાં લોકો પાસેથી 10-10 લાખ ઉઘરાવાયા, તે પંચાવતનું ચેપ્ટર હજુ ઊભુ જ છે. જે સીધો આક્ષેપ કરે છે તેને ભાજપ પક્ષના ફંડ માટે પૈસા ઉઘરાવ્યા હતા. રાજ્યમાં 35 લાખ શિક્ષિત બેકારો છે, ધોળા દિવસે મહિલાઓ પર અત્યાર અને બળાત્કાર થાય છે. સરકારના ઈશારે પોલીસે પાટીદારોને બેરહેમીપૂર્વક મારમાર્યો, કહેવાતા ગૌ ભક્તોએ દલિતો પર અત્યાચાર કર્યો આ બધા કારણોથી સમાજનો દરેક વર્ષ ભાજપથી દુઃખી છે. નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતા શંકસિંહે કહ્યું હતું કે, 'મોદીએ વિકાસની વાહીયાત વાતો કરીને ગુજરાતને ઘણીબધી બાબતોમાં પાછળ ધકેલી દીધું છે. ગુજરાત પર બે લાખ કરોડ કરતા વધારે દેવુ કરાવી દીધું છે, તેમને વહીવટમાં રસ જ ન હતો.'