એમપીના મુખ્યમંત્રીના ઘર પર આતંકવાદીનો ફોટો
મૌલાના મસુદ અઝહરનુ પોસ્ટર મુખ્યમંત્રીના બંગલા પર ચોંટાડી અજ્ઞાત શખ્સો ફરાર
ભોપાલ(ભાષા) મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના બંગલાની દિવાલ પર કોઈ અજ્ઞાત શખ્સોએ મૌલાના મસુદ અઝહરનો ફોટો ચોંટાડી દેતાં હાહાકાર મચી ગયો હતો. આ બનાવ અંગે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. પરંતુ બંગલાની સુરક્ષામાં તૈનાત જવાનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં બીજેપીના યુવા મોરચા દ્વારા કોંગ્રેસ કાર્યાલયમાં આતંકવાદી અફઝલ ગુરુનો ફોટો ચોંટાડવામાં આવ્યો હતો.
આધારભુત સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના બંગલા પર આજે કોઈ અજ્ઞાત શખ્સોએ જૈશે મહોંમદના આતંકવાદી મૌલાના મસુદ અઝહરનો ફોટો ચોંટાડી દીધો હતો. આ બનાવ અંગેની જાણ થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ કૃત્ય અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી. પરંતુ બંગલાના સુરક્ષાગાર્ડને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. ઉપરાંત બનાવની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપી દેવામાં આવી હતી.
આ પોસ્ટરમાં મૌલાના મસુદ અઝહર સહિત ભાજપાના વરિષ્ઠ નેતાઓ જેવા કે અટલ બિહારી વાજપાઈ, લાલકૃષ્ણ અડવાણી તથા જશવંતસિંહના નામ પણ લખવામાં આવ્યા હતા. ઉપરાંત વિમાન અપહરણ મામલા પછી મૌલાના મસુદ અઝહરને કંદહાર સુધી છોડવાની વાતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે તથા આ નેતાઓ મસુદ અઝહરના સંબંધી છે કે કેમ તે પ્રશ્ન પણ પુછવામાં આવ્યો હતો. ભોપાલના પોલીસ અધિક્ષક જયદીપ પ્રસાદે જણાવ્યુ હતુ કે, ચૌહાણના નિવાસ સ્થાન પર પોસ્ટર ચોંટાડવાના મામલામાં સુરક્ષાકર્મીને ફરજ પ્રત્યે બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરી દેવાયો છે તથા નગર પોલીસ અધિક્ષક ધર્મવીરસિંહ યાદવને તપાસ સોંપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા કોંગ્રેસ કાર્યાલય ઉપર સંસદ પર હુમલો કરવામાં સજા પામેલા આતંકવાદી અફઝલ ગુરુના પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા હતા.