Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ઉના દલિત કાંડ બાદ દલિતો પર અત્યાચાર વધ્યો

ઉના દલિત કાંડ બાદ દલિતો પર અત્યાચાર વધ્યો
, શુક્રવાર, 13 ઑક્ટોબર 2017 (13:51 IST)
એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલી FIRની સંખ્યા વર્ષ 2015માં 1,046 હતી જે વધીને વર્ષ 2016માં 1,355 થઈ છે. ઓગસ્ટ માસ સુધી વર્ષ 2017માં આ સંખ્યા 1085 સુધી પહોંચી ચૂકી છે. દલિત નેતાઓ અનુસાર આ દલિતોમાં વધેલી જાગૃતિને કારણે સંભવ બન્યું છે જ્યારે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ દલિત અત્યાચાર મામલે એટ્રોસિટીની ફરિયાદો નોંધવામાં કોઈપણ ઢિલાશ રાખતા નથી તે કારણે આ સંભવ બન્યું છે.  ઉના અત્યાચાર કાંડ બાદ જ આ વલણ જોવા મળી રહ્યું છે. આ કેસમાં લગભગ 20 લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં કેટલાંક પોલીસવાળા પણ સામેલ હતા.મળેલી માહિતી અનુસાર 2015માં 17 દલિત વ્યક્તિઓનું ખૂન થયું હતું જે વર્ષ 2016માં વધીને 32 થયા હતા જ્યારે વર્ષ 2017માં ઓગસ્ટ માસ સુધી જ 47 દલિત વ્યક્તિઓનું ખૂન થઈ ચૂક્યું છે. આ સિવાય ગંભીર ઈજાના કેસોમાં પણ વધારો નોંધાયો છે. વર્ષ 2015માં દલિતોને ગંભીર ઈજા થઈ હોય તેવા 64 કિસ્સા સામે આવ્યા હતા. જ્યારે 2016માં આવા 99 કિસ્સા બન્યા હોવાનું જાણવા મળે છે. જ્યારે ઓગસ્ટ 2017 સુધીમાં દલિત વ્યક્તિઓને ગંભીર ઈજાના 47 કેસો બન્યા છે.આ સિવાય દલિત મહિલાઓ વિરુદ્ધ થતા અપરાધોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. વર્ષ 2015માં 73 રેપની ફરિયાદોની સામે વર્ષ 2016માં 83 દલિત મહિલાઓના રેપની ફરિયાદો સામે આવી છે. પરંતુ વધુ ચોંકાવનારી વાત તો એ છે કે ઓગસ્ટ 2017માં જ આ આંકડો વધીને 73 સુધી પહોંચી ચૂક્યો છે. દ્વેષભાવથી આગ લગાડવાના ગુના જે વર્ષ 2015માં 8 નોંધાયા હતા તે વર્ષ 2016માં 12 સુધી પહોંચ્યા હતા. પરંતુ વર્ષ 2017માં ઓગસ્ટ માસ સુધી જ આ સંખ્યા 12 થઈ ચૂકી છે.વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘DGP રેન્કના ઓફિસરના વડપણવાળા SCST સેલ દ્વારા રાજ્યમાં  એટ્રોસિટીના કેસો પર બાજનજર રાખવામાં આવી રહી છે. અમે જે-તે બનાવ અંગે તપાસ અધિકારી પાસેથી રિપોર્ટ સમયસર માંગીએ છીએ. જ્યારે બીજીતરફ પિડીતને નક્કી કરાયેલું વળતર સમયસર મળી રહે તેનું પણ ધ્યાન રાખીએ છીએ. અમે એટ્રોસિટીને લગતા કેસોની ટ્રાયલ ઝડપી થાય તેનું પણ ધ્યાન રાખીએ છીએ.’મહેસાણા નિવાસી દલિત રાઈટ્સ એક્ટિવિસ્ટ કૌશિક પરમારે જણાવ્યું હતું કે, ‘ઉના કાંડ બાદ દલિત એટ્રોસિટીના કેસોમાં વધારો દલિતોમાં વધી રહેલી જાગૃતિને પરિણામે છે. જોકે દલિતો પર પહેલાથી જ અત્યાચારો તો થતા હતા પરંતુ હવે સમાજ તેમના હકો માટે અને અત્યાચારોની ફરિયાદ કરવા માટે જાગૃત બન્યું છે.’

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Surat News - સુરતમાં 2500 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બૂર્સ બિલ્ડીંગ બનશે