Whatsapp group rumor, Rumor of stone pelting in Ahmedabad,
- વોટ્સએપ ગૃપમાં ખોટો મેસેજ વાયરલ કરીને લોકોને ભ્રમિત કર્યા
- મેસેજ વાયરલ કરનાર કથિત પત્રકારની ધરપકડ
-
ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરીને તપાસ શરૂ કરી
સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારની માહિતી ફોરવર્ડ આવતી હોય છે અને લોકો ગેરમાર્ગે દોરવાય છે. ત્યારે કોઈ ઈસમે વોટ્સએપ ગૃપમાં ખોટો મેસેજ વાયરલ કરીને લોકોને ભ્રમિત કર્યા હતાં અને કાયદો વ્યવસ્થાનો ભંગ કર્યો હતો. પોલીસે આ મેસેજના આધારે સમગ્ર વિસ્તારમાં તપાસ કરતાં મેસેજમાં જણાવ્યા પ્રમાણેની કોઈ ઘટના બની જ નહોતી. જેથી પોલીસે મેસેજ વાયરલ કરનાર કથિત પત્રકારની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ મેસેજ જોઈને દોડતી થઈ ગઈ હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે વાસણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.સી.રાણાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ વાસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જીવરાજ પોલીસ ચોકી ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે. તેઓ ફરજ પર હાજર હતાં તે સમયે ગઈ કાલે રાત્રે દોઢ વાગ્યાની આસપાસ પી.આઈ. આરડી મકવાણાએ જાણ કરી હતી કે, તેમને એક સ્ક્રીન શોટ મોકલ્યો છે તે અંગે તપાસ કરો. આ સ્ક્રિન શોટમાં એક કથિત પત્રકાર ઉજેફ આબેદા પઠાણ નામથી ( ધ પાવર ઓફ તૃથ) નામના ગૃપમાં મેસેજ લખ્યો હતો કે, બીગ બ્રેકિંગ ન્યૂઝ જુહાપુરા આનેજાને વાલોં તક જલ્દી મેસેજ પહોંચાઓ. ગુપ્તાનગરમે પત્થરમારા ચાલુ હૈ બબાલ ચાલુ હે વગેરે જેવા મેસેજ કર્યા હતાં. આ સ્થળ પર જઈને પોલીસે ઝીણવટભરી તપાસ કરતાં આવો કોઈ બનાવ બન્યો નહોતો.
ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરીને તપાસ શરૂ કરી
આ ફેક મેસેજ મોકલી અફવા ફેલાવનાર 3 શખ્સો સામે સાયબર ક્રાઈમમાં ગુનો દાખલ કરાયો છે.આ મામલે સાયબર ક્રાઈમે જમાલપુરના ઓજેફ ખુરશીદ અહેમદ તીરમીજી, ઇકબાલભાઇ અહેમદભાઇ ગોરીવાલા અને જુનેદ યાકુબભાઇ નીલગર નામના આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ વ્હોટ્સએપ ગૃપમાં ખોટો મેસેજ વાયરલ કરી અમદાવાદ શહેર તેમજ વાસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળાય અને જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવાનો પ્રયત્ન કરતા IPC ની કલમ 505 (1) b હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.