દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ સાંજના સમયે 14 લોકોને મોઢામાંથી ફીણ નીકળવા સાથે ચક્કર આવી એકાએક તબિયત ખરાબ થયા બાદ દોડધામ મચી ગઇ હતી. આ પૈકીના 4 લોકોનું મોત થઇ જતાં ગામની સુખશાંતિ માટે કરાતી વિધિના અંતિમ દિવસે જ આખુ ગામ હિબકે ચઢ્યુ હતું.
12 લોકોને દેવગઢ બારિયાના સરકારી દવાખાને દાખલ કરાયા બાદ બેને રીફર કરાયા છે. તમામને ફુડ પોઇઝન હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે ત્યારે વિધિ બાદ ઘરે લઇ જવાયેલા બકરાનું મટન ખાતા કે પછી અન્ય કોઇ કારણોસર તેઓ ભોગ બન્યા તેની તપાસ શરૂ કરાઇ છે. જોકે, મૃતકોના વિસેરાના પરિક્ષણ બાદ મોતનું સાચુ કારણ સામે આવે તેમ છે.દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામે ગામની શાંતિ માટે દર પાંચ વર્ષે કરાતી જાતરની વિધિ ગત રવીવારથી ગામના ટાંકી ફળિયામાં દેવપૂજનની વિધિ ચાલી રહી હતી.સોમવારે વિધિનો અંતિમ દિવસ હોવાથી પરંપરા મુજબ અહીં છ બકરાની બલિ આપવામાં આવી હતી. આ બકરાના મટનના ભાગ પાડવામાં આવતાં પોતપોતાના ભાગનું મટન લોકો ઘરે લઇ ગયા હતાં. સાંજના સમયે તમામ 13 લોકોને એકાએક જ મોઢામાંથી ફીણ નીકળવા ઉપરાંત ચક્કર આવવા લાગ્યા હતાં. તબિયત બગડી હતી તે લોકોમાંથી કનુભાઇ સોમાભાઇ માવી, દલસિંહભાઇ ધનજીભાઇ માવી, બાબુભાઇ ફુલજીભાઇ માવી અને સનાભાઇ ભવનભાઇ માવીનું મોત થઇ ગયું હતું.
બીમાર થયેલા 10 લોકોને 108 દ્વારા દેવગઢ બારિયાના સરકારી દવાખાને ખસેડવમાં આવ્યા હતાં.બનાવ પગલે પોલીસ સાથે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે પણ દેવગઢ બારિયા અને ભુલવણ ધસી જઇ તપાસ શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય બચુભાઇ ખાબડ, પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહિલ સહિતના લોકો પણ દવાખાને દોડી ગયા હતાં. આ ઘટનાની તપાસ માટે આરોગ્ય અને પોલીસ વિભાગની ટીમો મોડી રાત સુધી તપાસમાં જોતરાયેલી હતી. વીસેરાનું પરિક્ષણ કરવામાં આવશે તબીબના પ્રાથમિક તારણ મુજબ ફુડ પોઇઝનિંગથી જ તમામના મોત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યાર વિધિમાંથી ઘરે લઇ જવાયેલા બકરાનું મટન ખાધા બાદ તમામને ફુડ પોઇઝનિંગ થયું કે પછી અન્ય કારણોસર તે અંગેની તપાસ શરૂ કરાઇ છે. જોકે, પોસ્ટ મોર્ટમ બાદ અને તે દરમિયાન મૃતકોના લેનારા વીસેરાના પરિક્ષણ બાદ જ મોતનું સાચુ કારણ જાણવા મળે તેમ છે.