ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધીજીનાં મૂલ્યો-સિદ્ધાંતોના અભ્યાસક્રમમાં હાઉસફૂલનાં પાટિયાં
ગુજરાત સમાચાર
, सोमवार, 25 नवंबर 2013 (15:13 IST)
P.R
ભારતના રાજકારણીઓએ આજે રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીને લોકોને બોધપાઠ આપવા પૂરતા મર્યાદિત બનાવી દીધા છે. આવા લોકો પૂ. બાપુના સત્ય, અહિંસા, સદાચાર અને સાદગીભર્યા આચરણની દુહાઇ દઇ લોકોને તેવા સિદ્ધાંતો અપનાવવાની ગુલબાંગો જરૂર પોકારે છે પરંતુ પોતે તેનું લેશમાત્ર પાલન કરતા નથી. આપણા રાષ્ટ્રપિતા ભારતમાં જેટલું સનમાનીય સ્થાન ધરાવે છે કદાચ તેટલું જ વિદેશોમાં પણ નામના ધરાવે છે. તેમની ફિલોસોફીથી આકર્ષાઇને સેંકડો વિધ્યાર્થીઓ ભારતમાં તેના અભ્યાસાર્થે આવી રહ્યા છે. અમદાવાદમાં પૂ. બાપુ દ્વારા સ્થપાયેલી ગુજરાત વિધ્યાપીઠ તેનું તાદર્શ ઉદાહરણ છે. અહીંયા વિવિધ રાષ્ટ્રોના ૧૫ જેટલા વિધ્યાર્થીઓ મહાત્મા ગાંધીના સિધ્ધાંતોનો અભ્યાસ કરી રહ્યા છે. આ એક ગૌરવ લેવા જેવી બાબત છે.
રાજ્યના વિધ્યાર્થીઓનો વિદેશમાં અભ્યાસનો ઝોક વધ્યો છે ત્યારે અન્ય દેશોના યુવાનો-યુવતીઓ ગુજરાતમાં ખાસ પૂ. બાપુના સિધ્ધાંતોનું શિક્ષણ મેળવવા આવી રહ્યા છે. અમદાવાદમાં મહાત્મા ગાંધીની કર્મભૂમિ એવા સાબરમતી આશ્રમ નજીક સ્થપાયેલી ગુજરાત વિધ્યાપીઠમાં હાલ લગભગ ૧૫ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ ગાંધીજીના વિચારો અને તેમની કામગીરીનો અભ્યાસ કરી રહયાં છે. આ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરીને પોતાના દેશમાં ગાંધીજીના વિચોરાની સુવાસ ફેલાવશે.
અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને મુક્ત કરાવવા માટે અગત્યની ભૂમિકા ભજવનારા ગાંધીજીના વિચારોને વિવિધ દેશોના લોકો અપનાવી રહયાં છે. ગાંધીજીનું નામ ફકત ભારત જ નહીં અમેરિકા, દ.આફ્રિકા સહિતના દેશોમાં માનથી લેવામાં આવે છે. હવે વિદેશીઓને ગાંધીજીની જીવનશૈલી અને તેમની કાર્યપ્રણાલીમાં રસ જાગ્યો છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત વિદ્યાપીઠમાં ત્રણ વર્ષ પહેલા વિદેશી નાગરિકો માટે ‘ગાંધીયન નોન વાયલન્સ થીયરી એન્ડ એપ્લીકેશન’ નામનો ઈન્ટરનેશનલ અભ્યાસ ક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. પ્રથમ વર્ષે ૧૨ અને બીજા વર્ષે ૧૦ વિદ્યાર્થીઓ ગાંધીજીના વિચારોનો ઉંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો હતો. ચાલુ વર્ષે અભ્યસક્રમમાં પ્રવેશ મેળવવા ૩૦થી વધારે વિદેશી નાગરિકોએ અરજી કરી હતી.
અહીં ૧૫ બેઠકો હોવા છતા ૧૮ જણાને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જે પૈકી ત્રણ જણા વિઝાના કારણોસર ભારત આવી શકયા ન હતા. સપ્ટેમ્બરથી ચાર મહિના ચાલનારા આ અભ્યાસક્રમમાં હાલ જર્મનીના ચાર, ઓસ્ટ્રેલિયાના બે, દક્ષિણ સુદાનના ત્રણ, મેકસીકોના બે, અમેરિકા, ગુવાના, ફ્રાન્સ અને બ્રાઝિલના એક-એક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયાં છે.
ડિપાર્ટમેન્ટના વડાવિદ્યાપીઠમાં પ્રથમ બે મહિના ગાંધીજીના વિચારો, સિધ્ધાંતો અને આત્મકથાનો અભ્યાસ કરાવવામાં આવે છે. જયારે બીજા બે મહિનામાં સજીવ ખેતી, કુદરતી ઉપચાર સહિતની તાલીમીઆપવામાં આવે છે. અહીં આઠ વિદ્યાર્થિની અને સાત વિદ્યાર્થી અભ્યાસ કરી રહયાં છે. તેમજ તેમને આશ્રમની સાફ સફાઈ સહિતના નિયમોનું પાલન કરવું પડે છે. વિદ્યાપીઠે અભ્યાસક્રમ બાબતે કેનેડાની મેકમોસ્ટ યુનિવર્સિટી સાથે કરાર કર્યા છે. જેના પરિણામે આવતા વર્ષથી કેનેડાના પાંચ વિદ્યાર્થી ગાંધીના વિચારોનો અભ્યાસ કરવા અમદાવાદ આવશે.