સાન ફ્રાંસીસ્કો(એજંસી) યાહુના બોર્ડ ઓફ ડાઈરેક્ટરોએ સોફ્ટવેર જાયન્ટ માઈક્રોસોફ્ટની યાહુ ખરીદવાની લોભામણી બીડને નામંજૂર કરી દેતા માઈક્રોસોફ્ટને જોરદાર આંચકો લાગયો છે. આથી તેઓ યાહુને કોઈ પણ ભોગે ટેઈકઓવર કરવા માંગે છે અને માટે યાહુના બોર્ડ ઓફ ડાઈરેક્ટરોને જ બદલી નાખવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, એવું અમેરિકી માધ્યમો દ્વારા જાણવા મળ્યું છે.
અમેરિકાના અખબાર ધી ન્યુયોર્ક ટાઈમ્સના મંગળવારના એક અહેવાલમાં માઈક્રોસોફ્ટ કંપનીના નજીકના સૂત્રોના નિવેદનોને ટાંકીને કહેવાયું હતું કે, હવે માઈક્રોસોફ્ટ યાહૂને ખરીદવા માટે કંપનીના બોર્ડ ઓફ ડાઈરેક્ટરો પર નજર નાખી રહ્યું છે. માઈક્રોસોફ્ટ હવે યાહુને કોઈ પણ ભોગે હસ્તગત કરવા માંગે છે.
અખબારના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જો યાહુને હસ્તગત કરવાની પ્રક્રિયાનો વાતચીતથી ઉકેલ નહીં આવે તો માઈક્રોસોફ્ટ યાહુના બોર્ડ ઓફ ડાઈરેક્ટરોને બદલી નખાવાના પ્રયત્નો કરશે. યાહુના બોર્ડમાં 11 ડાઈરેક્ટરો છે અને બોર્ડના ડાઈરેક્ટરોની ફરી પસંદગી થવા માટેની ચૂંટણી જૂન મહિનામાં છે. જો કે માઈક્રોસોફ્ટે અખબારના આ અહેવાલ પર કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.
અંત્રે નોંધનીય છે કે, ગત 11મી ફેબ્રુઆરીએ યાહુના બોર્ડ ઓફ ડાઈરેક્ટરોએ સોફ્ટવેર જાયન્ટ માઈક્રોસોફ્ટની ટેકઓવરની બીડને કંપનીની કિમત બરાબર આંકી ન હોવાનું જણાવીને નામંજૂર કરી દીધી હતી. આ બાજૂ માઈક્રોસોફ્ટે યાહુને ફરીથી પોતાના નિર્ણય પર વિચારણા કરવા જણાવ્યું હતું.